બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ માટે ઈઝરાયેલ અને અમેરિકાનો સાફ ઇન્કાર   

  • November 20, 2023 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બન્ને દેશોએ કરાર અંગેના ખોટા અહેવાલો ફગાવ્યા, કતારનો મધ્યસ્થી કરવાનો પ્રયાસ   


અમેરિકા અને ઈઝરાયલે બંધકોને હમાસની પાસેથી છોડાવવાની સમજૂતીનો ઈન્કાર કર્યો છે. બંને દેશોએ કહ્યું છે કે હજુ સુધી તેઓ બંધકોને છોડાવવા માટે કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી પરંતુ તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. એક અમેરિકન અખબારમાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા અને ઇઝરાયલે બંધકોની મુક્તિને લઈને હમાસ સાથે અસ્થાયી કરાર કર્યો છે.


રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો હમાસ તેના બંધકોમાં મહિલાઓ અને બાળકોને મુક્ત કરે છે તો પાંચ દિવસ સુધી યુદ્ધ રોકવા માટે સમજૂતી થઈ શકે છે. જોકે, અમેરિકા અને ઈઝરાયેલે આ કથિત સમજૂતીને નકારી કાઢી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, "બંધકોને મુક્ત કરવા માટે કેટલાક કરારો કરવા અંગે તાજેતરના દિવસોમાં મીડિયામાં ખોટા અહેવાલો આવ્યા છે. જો કોઈ સમજૂતી હશે તો અમે તેને ઈઝરાયેલની જનતા સમક્ષ રજૂ કરીશું.” વ્હાઇટ હાઉસની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું હતું કે, અમે હજુ સુધી કોઈ સમજૂતી પર પહોંચ્યા નથી, પરંતુ અમે એક કરાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.


બંધકોની મુક્તિ અંગે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ-થાનીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ઈઝરાયેલ અને હમાસ બંધકોની મુક્તિ અંગે ટૂંક સમયમાં સમજૂતી પર પહોંચી શકે છે. તેમણે કહ્યું કે આ કરારને પૂર્ણ કરવા માટે જે પડકારો ઊભા થશે તે ખૂબ જ નાના અને વ્યવહારુ છે. અહેવાલ અનુસાર, કતાર મધ્યસ્થતા દ્વારા ત્રણ દિવસના યુદ્ધવિરામના બદલામાં ૫૦ બંધકોને મુક્ત કરવાની હિમાયત કરી છે.



યુએનના વડાએ યુદ્ધવિરામ માટે ફરી કરી દરખાસ્ત


યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંકટને સમાપ્ત કરવા માટે માનવતાવાદી યુદ્ધવિરામની દરખાસ્ત કરી છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ ગાઝામાં યુદ્ધ પ્રવૃત્તિઓથી બરબાદ થયેલી અલ-શિફા હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં કેટલાક દર્દીઓને બચાવવા માટે રવિવારે બીજું મિશન હાથ ધર્યું હતું. આ કટોકટીમાં, ગાઝામાં નાગરિકોની વધતી જતી જાનહાનિ, શાળાઓ અને આશ્રયસ્થાનો પરના હુમલાઓ અને બળતણની તીવ્ર અછત સમગ્ર ગાઝા પ્રદેશમાં માનવતાવાદી સહાયમાં અવરોધો ઊભી કરી રહી છે. દરમિયાન સપ્તાહના અંતે, યુએન સહાય કાર્યકરના મૃત્યુના અહેવાલો પણ હતા. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે રવિવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે: "આ યુદ્ધમાં નાગરિકોના મૃત્યુની સંખ્યા ચોંકાવનારી અને અસ્વીકાર્ય છે. મહિલાઓ અને બાળકો સહિત કેટલાય નાગરિકો દરરોજ માર્યા જાય છે. આ બંધ થવું જોઈએ. હું માનવતાવાદી યુદ્ધવિરામના માટે ફરીથી દરખાસ્ત કરું છું." યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે પણ રવિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે છેલ્લા ૪૮ કલાક દરમિયાન ગાઝામાં જે ઘટનાઓ બની છે તે અવિશ્વાસનીય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application