ઈરાન હિજાબ કાયદો વધુ કડક બનાવશે, AIની મદદથી થશે નિયમો તોડનારની ઓળખ, જાણો કેટલી થશે સજા

  • August 05, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાનમાં નવો કાયદો હિજાબ ન પહેરવાને વધુ ગંભીર અપરાધ તરીકે ગણશે, જેમાં 5-10 વર્ષની જેલની સજા તેમજ 360 મિલિયન ઈરાની રિયાલ એટલે કે 703,413 રૂપિયા સુધીનો દંડ થશે.


ઈરાન સરકાર હિજાબના નિયમમાં ફેરફાર લાવવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે માસા અમીનીના મૃત્યુના એક વર્ષ પૂર્ણ થવાના એક અઠવાડિયા પહેલા ઈરાન સરકાર હિજાબ પહેરવા અંગે કડક નિયમો લાવવાની તૈયારી કરી રહી છે. ગયા વર્ષે યોગ્ય હિજાબ ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય માસા અમીનીના મૃત્યુથી દેશભરમાં વ્યાપક વિરોધ થયો હતો.


સીએનએનના રિપોર્ટ અનુસાર ઈરાનના અધિકારીઓ હિજાબ પહેરવા પર એક નવું બિલ તૈયાર કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નવા બિલમાં પહેલા કરતાં વધુ કડક સજાની જોગવાઈઓ સામેલ થઈ શકે છે. ઈરાનમાં કલમ 70 હેઠળ તૈયાર કરાયેલા ડ્રાફ્ટમાં અનેક પ્રસ્તાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં હિજાબ ન પહેરતી મહિલાઓ માટે લાંબી જેલની જોગવાઈ છે.


નિષ્ણાતોને ટાંકીને સીએનએનએ કહ્યું કે બિલ હજુ પાસ થયું નથી. હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરનાર સેલિબ્રિટીઓ માટે આ બિલમાં નવા પ્રકારની સજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરતી મહિલાઓને ઓળખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.


નવા ડ્રેસ કોડ નિયમો ઈરાનીઓ માટે ચેતવણી સમાન છે. જો કે ગયા વર્ષે હિજાબ સામે ભારે વિરોધ છતાં ઈરાન સરકારે હિજાબ અંગે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે અને તેના નિયમોમાં કોઈપણ રીતે છૂટછાટ આપી નથી.


હિજાબ ન પહેરવા બદલ સજામાં ફેરફાર

ઈરાન પરંપરાગત રીતે તેના ઈસ્લામિક પીનલ કોડની કલમ 368ને હિજાબ કાયદો માને છે. આ મુજબ ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરનારાઓને 10 દિવસથી બે મહિનાની જેલ અથવા 50,000 થી 500,000 ઈરાની રિયાલ સુધીનો દંડ થઈ શકે છે. નવું બિલ હિજાબ ન પહેરવાને વધુ ગંભીર અપરાધ બનાવશે. જેમાં પાંચથી દસ વર્ષની જેલની સજા તેમજ 360 મિલિયન ઈરાની રિયાલ (US$8,508) એટલે કે રૂ.703,413 સુધીનો દંડ થઈ શકે છે.


ઈરાની માનવ અધિકારના વકીલ અને ઓટ્ટાવા, કેનેડામાં કાર્લેટન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર હોસેન રાયસીએ સીએનએનને જણાવ્યું હતું કે લાખો લોકો ગરીબી રેખા નીચે જીવતા હોવાથી સરેરાશ ઈરાની જનતાએ ચૂકવવાની અપેક્ષા કરતાં દંડ વધુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application