વાવડીમાં ગુમ થયેલા દસ્તાવેજની તપાસ પૂર્ણ : તલાટી સસ્પેન્ડ, તાલુકા મામલતદારને નોટિસ

  • March 22, 2023 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં વાવડી ગ્રામ પંચાયત કચેરી ખાતેથી મહત્વના દસ્તાવેજો ગુમ થવાની ઘટના સામે આવી હતી. આ મામલે પ્રાંત અધિકારી વર્મા દ્વારા પ્રાથમિક તપાસ પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર મામલે સ્થળ તપાસ કરી અને શંકાસ્પદ વ્યક્તિનાં નામજોગ રીપોર્ટ તૈયાર કરાયો હતો. આ સાથે રિપોર્ટમાં અનેક ગંભીર બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વાવડી પ્રકરણ મામલે ભંગારનાં ડેલા અને વોકળામાંથી દસ્તાવેજ મળવા મામલે સ્થળ તપાસ કરી હોવાનું પ્રાંત અધિકારી સંદીપ વર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ગુમ થયેલા દસ્તાવેજ પૈકી એક પણ મહત્વના દસ્તાવેજ હાથ લાગ્યા નહીં હોવાનું જણાવી આ મામલે તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું હતું. આ દરમિયાન જ વાવડી રેકોર્ડ ગુમ મામલે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને તલાટી મંત્રી મનીષ ગિધવાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ તાલુકા મામલતદાર કે.એ. કરમટાને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.



જાણો શું હતો સમગ્ર મામલો?

રાજકોટના વાવડી ખાતેની ગ્રામ પંચાયતની કચેરી એટલે કે હાલની વોર્ડ ઓફીસના બિલ્ડીંગમાં રેવન્યુ રેકોર્ડ તેમજ હકકપત્રકની મેન્યુઅલ નોંધ સહિતના ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા. કબાટમાં રાખવામાં આવેલ દસ્તાવેજો અંગે જુની પંચાયત કચેરીમાં વાવડીના રેવન્યુ તલાટી મનીષ ગીધવાણી ગત તા.7 માર્ચના તપાસ કરવા જતા દસ્તાવેજો નહીં મળતા મનપાનાં સ્ટાફને પૂછપરછ કરી હતી. જેમાં પણ કોઈને જાણ નહીં હોવાથી તાલુકા મામલતદાર કરમટા દ્વારા આ અંગે તાલુકા પોલીસમાં જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે પીએસઆઈ ચાવડા સહિતનાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલાક દસ્તાવેજો વોકળામાં તેમજ ભંગારના ડેલામાંથી મળી આવ્યા હતા. જેમાં ભંગારના ડેલામાંથી મળેલા દસ્તાવેજ 2022ની સાલના હોવાનું સામે આવ્યું હતું. જયારે વોકળામાંથી મળેલા દસ્તાવેજો વાવડી ગ્રામ પંચાયતના હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ગુમ થયેલા મહત્વના દસ્તાવેજો હજુસુધી હાથ લાગ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application