BREAKING NEWS

જામનગર: લતીપર ગામે અનુસૂચિત જાતિ પરિવારના આંગણે ભોજન લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાજિક સમરસતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું

  • July 13, 2026 10:11 AM 

જામનગર: લતીપર ગામે અનુસૂચિત જાતિ પરિવારના આંગણે ભોજન લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાજિક સમરસતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું

પ્રોટોકોલ બાજુ પર મૂકી રાજ્યપાલે સાદગીભર્યા અંદાજમાં સુરેશભાઈ વાઘેલાના ઘરે જમીન પર બેસી ભોજન લીધું

રાજ્યપાલની સહજતા અને સરળતા જોઈ લતીપરના ગ્રામજનો થયા અભિભૂત

જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વહીવટી શિષ્ટાચારથી પર જઈને માનવીય સંબંધો અને સામાજિક એકતાની સુવાસ ફેલાવી હતી. રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદે બિરાજમાન હોવા છતાં, તેમણે ગામના એક સામાન્ય અનુસૂચિત જાતિ પરિવારના ઘરે મુલાકાત લીધી હતી. અહીં તેમણે પરિવાર સાથે સાદગીપૂર્વક ભોજન ગ્રહણ કરી સામાજિક સમરસતાનું એક અદ્ભુત અને પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

ઉચ્ચ બંધારણીય પદની ગરિમાની સાથે પોતાની આગવી સરળતા માટે જાણીતા રાજ્યપાલ લતીપર ગામના રહીશ સુરેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાના નિવાસસ્થાને પધાર્યા હતા. કોઈ પણ પ્રકારના વી.આઈ.પી. પ્રોટોકોલ વગર, તેઓ પરિવારના એક વડીલ સભ્યની જેમ જમીન પર પલાંઠી વાળીને બેઠા હતા. ભોજન દરમિયાન તેમણે પરિવારના સભ્યો સાથે અત્યંત સહજતાથી સંવાદ સાધ્યો હતો, તેમના સુખ-દુઃખ અને ખબર-અંતર પૂછીને આત્મીયતાનો અહેસાસ કરાવ્યો હતો.

રાજ્યપાલના આ આતિથ્ય અને સાદગીપૂર્ણ અભિગમથી ગદગદ થયેલા સુરેશભાઈ વાઘેલાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે રાજ્યના પ્રથમ નાગરિક અમારા જેવા સામાન્ય પરિવારના આંગણે પધારશે. તેમણે અત્યંત વહાલ અને પ્રેમથી અમારા ઘરે બનેલું ગલકા અને દાળનું શાક, રોટલી અને ખીચડી જેવું સાદું ભોજન લીધું હતું. રાજ્યપાલની આ ભવ્ય સરળતા અમારા જીવનની સૌથી મોટી અને ક્યારેય ન ભૂલાય તેવી અવિસ્મરણીય પળ બની રહેશે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News