ભાણવડ: યુવાનો માટે પ્રેરણા: ધારાસભ્યના પુત્રએ અબોલ જીવની સેવા કરી જન્મદિવસ ઉજવ્યો
ધારાસભ્ય મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદએ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી
પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદ બેરાનો જન્મદિવસ હતો. દર વર્ષની પરંપરાને જાળવી રાખીને, તેઓએ આ વર્ષે પણ આજના યુવાનો માટે પ્રેરણારૂપ બને તેવી અનોખી અને જીવદયાભરી ઉજવણી કરી હતી.
હર્ષદભાઈ બેરાએ પોતાના જન્મદિવસ નિમિત્તે સ્વજનો અને મિત્રો સાથે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આખો દિવસ વિતાવીને દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ જીવદયાના કાર્યને સાર્થક કરતા તેઓએ ભાણવડ ખાતે આવેલા શિવ બળદ આશ્રમમાં આશ્રય લઈ રહેલા બળદો માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા કરી હતી.
આ ઉપરાંત, આશ્રમના સભ્યોના સહયોગથી ભાણવડની ગલી-શેરીઓમાં ભટકતા બિનવારસુ ગૌવંશને પણ ભરપેટ લીલો ઘાસચારો ખવડાવી તૃપ્ત કર્યા હતા. જન્મદિવસ જેવા વિશેષ પ્રસંગે પવિત્ર ભાવ સાથે કરાયેલી આ અબોલ જીવોની સેવાની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. સોમનાથ મહાદેવ અને અબોલ જીવોના આશીર્વાદ હર્ષદભાઈ પર હંમેશા વરસતા રહે તેવી તમામ જીવદયા પ્રેમીઓ અને નગરજનોએ હૃદયપૂર્વક પ્રાર્થના કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.