BREAKING NEWS

જામનગરના દરેડ GIDCમાં વીજ ધાંધિયાથી ઉદ્યોગકારો ત્રસ્ત: PGVCL કચેરીનો ઘેરાવ

  • July 13, 2026 11:14 AM 

જામનગરના દરેડ GIDCમાં વીજ ધાંધિયાથી ઉદ્યોગકારો ત્રસ્ત: PGVCL કચેરીનો ઘેરાવ

મેઈન્ટેનન્સના નામે વેઠ ઉતારતા વીજ તંત્ર સામે એસોસિએશનનો આક્રોશ; દૈનિક પાવર કાપથી બ્રાસપાર્ટ ઉદ્યોગને લાખોનું નુકસાન

બ્રાસનગરી જામનગરના જીવાદોરી સમાન દરેડ જીઆઇડીસી દરેડ (GIDC) વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ગંભીર સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વીજ તંત્રની લાલિયાવાડી અને અનિયમિત પાવર સપ્લાયથી ત્રસ્ત થયેલા સ્થાનિક ઉદ્યોગકારોના ધીરજનો અંત આવતા, તેઓએ એકજૂટ થઈને પીજીવીસીએલ (PGVCL) કચેરીનો ઘેરાવ કર્યો હતો અને અધિકારીઓનો ઉધડો લઈ આકરી રજૂઆત કરી હતી. 

આ મામલે દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે આક્રોશ ઠાલવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વીજ તંત્ર દ્વારા મેઈન્ટેનન્સની કામગીરીમાં સદંતર વેઠ ઉતારવામાં આવી રહી છે. અનેક ઔદ્યોગિક વિસ્તારોમાં જર્જરિત વીજ વાયરો, ખામીયુક્ત ટીસી (TC) અને લુઝ કનેક્શન જેવી વ્યાપક સમસ્યાઓ હોવા છતાં, તંત્ર દ્વારા જૂના સંસાધનો બદલવાની કે નવેસરથી વીજભાર (લોડ) માપીને કાયમી ધોરણે નક્કર ઉકેલ લાવવાની કોઈ જ તસ્દી લેવામાં આવતી નથી. પરિણામે, પરિસ્થિતિ એટલી વણસી છે કે દિવસમાં નિયમિતપણે એકથી બે વખત પાવર ગુલ થઈ જવાની નોબત આવી છે.

​​​​​​​આ અઘોષિત અને વારંવારના વીજ કાપના કારણે જામનગરના સુપ્રસિદ્ધ બ્રાસ પાર્ટ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન નાના-મોટા કારખાનાઓને આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. એક તરફ વીજળીના અભાવે ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે, જેના કારણે કારખાનામાં કામ કરતા શ્રમિકો અને કારીગરોને કામ વગર બેઠા પગાર ચૂકવવાનો વારો આવે છે, તો બીજી તરફ ગ્રાહકોના સમયસરના ઓર્ડર પૂર્ણ ન થતા વ્યાપારી શાખને પણ નુકસાન પહોંચી રહ્યું છે. એટલું જ નહીં, મશીનોમાં અચાનક પાવર જતો રહેવાથી પ્રોસેસિંગમાં રહેલા કાચા માલ અને અર્ધતૈયાર પ્રોડક્ટ્સમાં પણ નુકસાની વેઠવી પડે છે. તંત્રની આ નિષ્ક્રિયતા અને અણઆવડતના કારણે ઉદ્યોગકારોને પડતા બેવડા મારથી કંટાળીને જ અંતે તમામ કારખાનેદારોએ આકરા પાણીએ થઈ વીજ કચેરીએ ધામા નાખ્યા હતા અને માંગ કરી છે કે આ ઔદ્યોગિક વિસ્તારની વીજ સમસ્યાનું સત્વરે કાયમી નિરાકરણ લાવવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News