રાજકોટમાં 24 કલાકમાં સતત 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઇમરજન્સી નંબર કરાય જાહેર

  • August 27, 2024 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શનિવારે મોડી રાત્રીના 3 વાગ્યાથી વરસવાનું શરુ કરી દેતા મંગળવારની સવાર સુધી અનરાધાર વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. 



રાજકોટમાં સતતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવતાં શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ આજે મંગળવારે પણ અનરાધાર વરસતાં રાજકોટનો આજી ડેમ છલકાયો છે. ભારે વરસાદથી જળબંબકારની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજકોટ શહેરના બે અંડર પાસ પણ બંધ કરવામાં આવ્યા છે. 



રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સતત 10 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. નોકરિયાત લોકો અને ધંધાર્થીઓ માટે તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું છે. 


આજી ડેમ ઓવરફ્લો

રાજકોટને પાણી પુરૂ પાડતો આજી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો હતો. રાજકોટમાં 12થી સવારના 8 વાગ્યા સુધી 7.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં 48 કલાકમાં જ 18 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. રાજકોટમાં વહેલી સવારથી પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.
 
રાજકોટનો એન્ટ્રી અને એક્ઝિટ ગેટ માધાપર ચોકડી પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. માધાપર ચોકડી ખાતે પાણી ભરાયા હતા. કારના બોનેટ સુધી પાણી પહોંચી ગયા હતા. રાજકોટમાં આખી રાત ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અવિરત વરસાદને પગલે અંડર પાસ પણ બંધ કરી દેવામાં આવતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.

બીઆરટીએસ સેવા ઠપ થઈ ગઈ છે.રાજકોટમાં ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયાની માહિતી મળી રહી છે. શહેરનો મહિલા અંડર પાસ પાણીમાં ગરકાવ થતા બંધ કરવાની ફરજ પડી હતી.

અત્યાર સુધી અંદાજિત 670 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 65 જેટલા વૃક્ષો પડતા રસ્તા પરથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.SDRF અને ફાયર વિભાગની ટીમ ભારે વરસાદને પગલે સતત ખડે પગે છે. કૂલ ત્રણ જેટલા ઇમરજન્સી નંબર 0282 – 222874, 0281 - 2225707, 
9601180142 જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


રાજકોટના નાના મૌવા રોડની સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. પોશ વિસ્તાર ગણાતા સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પણ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. ડીઆઇ પાઇપલાઇનના અધૂરા કામોને કારણે રસ્તા પર નદીઓ વહેતી જોવા મળી હતી. રેલનગર અંડર બ્રિજમાં  પણ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું. આ ઉપરાંત રેલનગર ,પોપટપરા રઘુનંદન સોસાયટી, કૃષ્ણનગર સહિતના વિસ્તારની સોસાયટીઓના વાહન ચાલકો માટેનો રસ્તો બંધ કરાયો છે. 

આ ઉપરાંત ભારે વરસાદના પગલે રાજકોટ કાલાવડ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. તથા નિકવા, જસાપર, ખંઢેરા પાસે પુલ પર પાણી ફરી વળતા કાલાવડ-જામનગર, કાલાવડ-રાજકોટ એસ.ટી. રૂટ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application