મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે, એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળ્યું

  • September 20, 2024 07:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. 


મુખ્યમંત્રી રૂ.૨૭૨ કરોડના ૭૭ જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા. મુખ્યમંત્રી આ મુલાકાત અંતર્ગત બપોર બાદ આંબરડી સફારી પાર્ક પહોંચ્યા હતા. 


આ આંબરડી સફારી પાર્ક પૂર્વીય ગીરના લાક્ષણિક ટેકરાળ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ૩૬૫ હેક્ટરમાં નિર્માણ કરવામાં આવેલો છે. સાસણગીર વિસ્તારના દેવળીયા સફારી પાર્ક ઉપરાંત આ સફારી પાર્ક સિંહદર્શન માટે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિંહ દર્શન કેન્દ્ર છે. 


ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે ઓળખાતો આ સફારી પાર્ક એશિયાટિક લાયન ઉપરાંત ઝરખ, ચિત્તલ, ચિંકારા અને કાળિયાર જેવા વિવિધ પ્રકારના વન્ય પક્ષીઓ માટે પણ વનવિચરણનું આકર્ષણ કેન્દ્ર છે. 


આ ઉપરાંત આ સફારી પાર્કમાં શ્વેતનયના, રાજાલાલ, બુલબુલ, લટોરા, શક્કરખોરા અને તેતર જેવા વિવિધ પક્ષીઓ અને ગીધ, શકરો અને મધીયો બાજ જેવા શિકારી પક્ષીઓ પણ આકાશમાં મુક્તપણે ઉડતા જોવા મળે છે. સાથોસાથ ઘો, અજગર, કેમેલીયોન અને અન્ય સરિસૃપો આ વિસ્તારને ખરા અર્થમાં જૈવવૈવિધ્યપૂર્ણ બનાવે છે.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આંબરડીના ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત દરમિયાન ગીરમાં સિંહના ઉદભવથી વર્તમાન વિસ્તરણ સુધીની ગાથાની ડિજીટલ પ્રસ્તુતિ નિહાળી હતી. એટલું જ નહિ, સાંભર બ્રિડિંગ સેન્ટર તથા વન્ય પ્રાણીઓ માટેના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની પ્રવૃત્તિની પણ વિગતો મેળવી હતી.  


ત્યારબાદ આંબરડી સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ માટેના રૂટ પર પ્રાકૃતિક વૈભવ સાથે એશિયાટિક લાયનના વન વિચરણ નિહાળવાનો રોમાંચક અનુભવ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો. 


રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા ૨૦૧૭થી આ આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પાર્કમાં ફુડ કોર્ટ, વિવિધ સેલ્ફી પોઈન્ટ્સ, વેઈટિંગ લૉન્જ અને વિશાળ પાર્કિંગ જેવી પ્રવાસન વિકાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. 


આંબરડી સફારી પાર્કની આ મુલાકાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાયબ વન સંરક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા અને વન અધિકારીઓ જોડાયા હતા અને જરૂરી વિગતો પૂરી પાડી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News