ભાણવડ: મોટા કાલાવડના નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ
જામનગર-પોરબંદર રોડ પર ભારે વાહનવ્યવહાર ફરી શર
જામનગર-પોરબંદર (લાલપુર) રોડ પર ભાણવડ તાલુકાના મોટા કાલાવડ નજીક નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ ખુલ્લો મુકાતા જામનગર-લાલપુર-પોરબંદર માર્ગ પર ભારે વાહનોની અવરજવર ફરી શરૂ થઈ છે.
અગાઉ, આ સ્થળે આવેલો જૂનો બ્રિજ નબળો પડી જતાં ભારે વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે ટ્રાન્સપોર્ટરો અને વાહનચાલકોને લાંબા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી.
આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે નવો માઇનોર બ્રિજ બનાવવામાં આવ્યો છે. રવિવાર, ૧૨ જુલાઈ ૨૦૨૬ના રોજ ધારાસભ્ય મુળુભાઈ બેરાના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા બ્રિજના કારણે વાહનચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે. આ ઉપરાંત, લાંબા સમયથી સર્જાયેલી ટ્રાફિકની મુશ્કેલીઓનો પણ અંત આવશે.