વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ એ સમયની જરૂરિયાત છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

  • July 19, 2023 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@tram

ભાવનગરના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારઓ વર્ચ્યુલ માધ્યમથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જોડાયા


રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં ઉપસ્થિત વિવિધ સમાચાર માધ્યમોના તંત્રીઓ-પ્રતિનિધિઓને સંબોધિત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે.


રાજ્યપાલએ દેશમાં થયેલી હરિયાળી ક્રાંતિની વાતથી શરૂઆત કરતાં જણાવ્યું કે લગભગ 60ના દાયકામાં થયેલા અભ્યાસ અનુસાર ભારતની જમીનમાં બેથી અઢી ટકા કાર્બન હતો, પરંતુ એ સમયની જરૂરિયાત અનુસાર યૂરિયા સહિતના રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધવાના કારણે આજે આ પ્રમાણ 0.5થી પણ ઓછું થઈ ગયું છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. એટલું જ નહીં, જમીન, હવા અને પાણી પ્રદૂષિત થયાં છે તેમજ વિવિધ રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. 


આ પ્રકારની વિવિધ સમસ્યાના ઉપાય માટે પ્રાકૃતિક કૃષિ પર ભાર આપતાં રાજ્યપાલએ જણાવ્યું કે રાસાયણિક ખેતીના ઉપાયરૂપે જૈવિક ખેતીનો વિકલ્પ આપવામાં આવ્યો, પરંતુ તેનાથી મહેનત અને ખર્ચ તો નથી ઘટતો, પણ ઊલટા ઉપજ એકાએક ઘટી જાય છે. એટલું જ નહી અંતે તો તે પણ વાતાવરણને નુકસાન જ કરે છે.


તેમણે ઉમેર્યું કે, જે રીતે જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, જ્યારે ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. 


રાજ્યપાલએ યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતાં જણાવ્યું કે જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ આજે ઘટાડવામાં નહીં આવે, તો આગામી 40-50 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે જમીન સદંતર બિનઉપજાઉ બની જશે. તદુપરાંત, વિદેશથી મંગાવવામાં આવતા યૂરિયા અને અન્ય રાસાયણિક ખાતરોમાં દેશનું હૂંડિયામણ પણ ખર્ચ થાય છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ થકી જમીનનાં પોષક તત્ત્વો પણ જમીનમાં જ જળવાઈ રહે છે તેમજ વરસાદી પાણી પણ જમીનમાં ઉતરવાના કારણે જમીનનું જળસ્તર પણ ઊંચું આવશે. 


તેમણે જણાવ્યું કે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે. આવી ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી. 


રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ વિશે વિગતો આપતાં રાજ્યપાલએ જણાવ્યું કે છેલ્લાં ચાર વર્ષ દરમિયાન રાજ્યમાં ૭.૧૩ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જ્યારે માત્ર છેલ્લા ત્રણ માસમાં ૧૦.૩૯ લાખ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આઝાદીનાં ૭૫ વર્ષના અનુસંધાને આયોજિત ખેડૂત સંમેલનમાં વડાપ્રધાનએ દેશની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ઓછામા ઓછા ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. પરિણામસ્વરૂપ, આજે ગુજરાતની ૫૨૩૩ ગ્રામ પંચાયતોમાં ૭૫ કે તેથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં બીજી ૩૬૭૯ જેટલી પંચાયતો આગામી એકાદ માસમાં ઉમેરો થવાની સંભાવના દર્શાવી હતી.


રાજ્યપાલશ્રીએ કહ્યું કે આ એક સામૂહિક પ્રયાસ છે. ત્યારે નવજાગરણના આ કામમાં જોડાઈને રાજ્યના ખેડૂતોમાં તેમજ સામાન્ય નાગરિકોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ પ્રસારિત કરવા વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરી હતી.


આ કાર્યક્રમમાં રાજ્યપાલના અગ્રસચિવ રાજેશ માંજુ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, આત્મા પ્રોજેક્ટના ખાસ ફરજ પરના અધિકારી દિનેશ પટેલ તેમજ વિવિધ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક તથા રેડિયો અને સરકારી માધ્યમોના તંત્રીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિવિધ જિલ્લાઓમાંથી પણ બહોળી સંખ્યામાં પત્રકારો વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.


જે અન્વયે ભાવનગર જિલ્લામાંથી જિલ્લા ખેતીવાડી અધિકારી એ. એમ. પટેલ, નાયબ બાગાયત નિયામક એમ. બી. વાઘમશી, નાયબ ખેતી નિયામક એસ. બી. વાઘમશી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર જે. ડી. ચાવડા તેમજ જિલ્લાના વિવિધ માધ્યમો સંકળાયેલા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારઓ વિડિયો કોન્ફરન્સિંગમાં જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતી પર વિસ્તૃત માહિતી મેળવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application