‘હસતા મોઢે’ થતી મોકડ્રીલની ‘ગંભીરતા’ કેટલી..?: આવા ‘નાટક’ શું સમયનો વેડફાટ નથી..?!!

  • January 19, 2023 11:33 PM 

મોકડ્રીલ એટલે કોઈપણ સંભવિત આપત્તિ, કુદરતી આફત, માનવસર્જિત મુશ્કેલીઓ અને ખાસ કરીને ખૂબ મોટા પડકારો સર્જતા સમય સામે કાયદો-વ્યવસ્થાની સુરક્ષા કરતાં તંત્રની તૈયારીઓ કેવી’ક છે? એવી અતિ ગંભીર બાબતને લઈને અવાર-નવાર મોકડ્રીલ થાય છે. એ સારી બાબત છે, આ પ્રકારનું રિહર્સલ છે, એક પ્રકારની પ્રેક્ટિસ છે... પરંતુ સવાલ એ ઉઠે છે કે જ્યારે પ્રેક્ટિસમાં જ ગંભીરતા ન હોય તો ન કરે નારાયણ અને એ ગોઝારો સમય સામે આવીને ઉભો રહે તો શું પરિણામ આવે? એ સમજી શકાય એમ છે..! હાલમાં જામનગરમાં ખરેખર જાગૃત અને એક અલગ માટીના દેખાતા આઈજીની ઉપસ્થિતિમાં અલગ-અલગ મોકડ્રીલો થઈ, ગઈકાલે આતંકવાદીઓને ચોક્કસ બાતમીના આધારે પકડવાની મોકડ્રીલ થઈ...


તો આ જ રીતે જ્યારે બે જૂથો સામસામે ટકરાય છે ત્યારે પથ્થરમારા થતાં હોય એ સમયે શું કરવું? તેનું પણ મોકડ્રીલના રૂપમાં રિહર્સલ થયું, તસવીરો પ્રસ્તુત છે પરંતુ ઝીણવટભરી નજરથી જ્યારે આ મોકડ્રીલના ‘કલાકારો’ સોરી.... ભાગ લેનારા પોલીસકર્મીઓને જોવામાં આવતાં એમના મોઢા પર જે રીતે હાસ્ય જોવા મળી રહ્યું છે, મુસ્કાન દેખાઈ રહી છે... એ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે, આતંકવાદીઓને પકડવા જેવી અતિ ગંભીર મોકડ્રીલ કેવું નાટકનું સ્વરૂપ લઈ લે છે...! વાસ્તવમાં તો આ એક નહીં, કોઈપણ તંત્ર મોકડ્રીલ કરે ત્યારે ગાઈ-વગાડીને અગાઉથી જાહેરાત કરી દેવામાં આવે છે. દા.ત.કોવિડ અંગેની મોકડ્રીલ થાય તો હૉસ્પિટલ તંત્રને પહેલેથી કહી દેવામાં આવે છે અને પછી પહેલેથી જ તૈયાર તંત્રની એવી પરીક્ષા લેવાય છે કે, જેમાં વિદ્યાર્થીઓ અર્થાત્ જેના પર વ્યવસ્થાની જવાબદારી છે એમને પેપરમાં ચોરી કરવા જેવી તક પૂરેપૂરી અપાય છે...! આવું શું કામ..?





ખરેખર મોકડ્રીલ ઓચિંતી થવી જોઈએ, ધારો કે પોલીસ તંત્ર કરે તો માત્ર એસપી જેવા ઉચ્ચ અધિકારી સિવાય બીજા કોઈને ખબર ન હોય એ રીતે મોક થવી જોઈએ, હૉસ્પિટલ તંત્ર કરે, ફાયરનું તંત્ર કરે કે પછી કોઈ પણ તંત્ર કરે... મોકડ્રીલ વાસ્તવમાં જાણ કર્યા વગર જ થાય તો જ ખબર પડી શકે કે લગત તંત્રની વાસ્તવિક તૈયારી કેટલી છે, કોઈપણ નીતિના ભાગરૂપે કદાચ અગાઉથી જાણ કરીને મોકડ્રીલ થાય છે એ વાત તો બરાબર લાગતી નથી.


 હવે તો અખબારોમાં પ્રેસનોટ આપ્યા પછી મોકડ્રીલો થવા લાગી છે, આવી નૅટ પ્રેક્ટિસ સમય વેડફવા સિવાય બીજુ કાંઈ નથી એવું જો કોઈ કહે તો તેને નકારાત્મક કેવી રીતે કહી શકાય, આવશ્યક છે કે તૈયારીઓ ચકાસવા માટે સરપ્રાઈઝ આપતી મોક થવી જોઈએ, આતંકીઓને પકડવા જેવી મોક માની લઈએ કે ચોક્કસ સ્ટાફને કહ્યાં પછી થાય એ જરૂરી છે નહીં તો અજુગતું થઈ શકે પરંતુ આ સિવાયની મોકડ્રીલોની તો કોઈ આગોતરી જાણકારી અપાવી જોઈએ નહીં અને વાસ્તવિકતા ચેક કરવા માટે ખરેખર સરપ્રાઈઝ આપતી મોકડ્રીલ થવી જોઈએ, તેમાં પણ ઉપરોકત તસવીરમાં જે રીતે હાસ્ય સાથે મોકડ્રીલ થઈ રહી છે એવું તો હરગીઝ થવું જોઈએ નહીં... આ તો એક પ્રકારની મશ્કરી થઈ! આશા રાખીએ કે, ઉચ્ચ અધિકારીઓ આ બાબત ઉપર ધ્યાન આપશે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application