રાજકોટની ઐતિહાસિક સિધ્ધિ: ભેડા પરિવારના બન્ને પુત્રો સિવિલ સર્વિસીઝમાં જોડાયા

  • May 24, 2023 04:35 PM 


ધો.૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલા દુષ્યતં ભેડાએ પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસી ક્રેક કરી: હવે આઇએએસ બનશે
નિવૃત્ત પ્રોફેસર ડો.પ્રવીણ ભેડાનો મોટો પુત્ર વિવેક ૨૦૨૦માં આઇપીએસમાં સિલેકટ થતાં દુષ્યતં માટે પ્રેરણારૂપ બન્યો: ગુજરાતમાં દુષ્યતં બીજા સ્થાને




ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર રાજકોટના દુષ્યતં ભેડાએ યુપીએસસી ક્રેક કરી આઇએએસ ઓફિસર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. મલ્ટિનેશનલ કંપનીમાં લાખો રૂપિયાનું પેકેજ મેળવનાર રાજકોટના દુષ્યતં ભેડા તેના ભાઇ વિવેક ભેડા જે આઇપીએસની ટ્રેનિંગ લઇ રહ્યા છે તેના પગલે ચાલીને સિવિલ સર્વિસીઝની પરીક્ષામાં ઉર્ત્તિણ થઇ આઇએએસ બનવા તરફની તેની મંઝીલ તરફ આગળ વધી રહ્યો છે.




ગઇકાલે જાહેર થયેલા આ પરિણામમાં ગુજરાતમાં બીજા ક્રમે ૨૬૨ રેન્ક સાથે સફળતા મેળવનાર દુષ્યતં ભેડા રાજકોટનો વતની છે અને ધો.૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી નિરમામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડીગ્રી મેળવ્યા બાદ  આઇઆઇએમમાં ફાઇનાન્સ કર્યા બાદ બેન્કિંગ ક્ષેત્રમાં તેણે ઝંપલાવ્યું હતું. અગાઉ સ્વીસ બેન્કમાં ફરજ નિભાવ્યા બાદ હાલમાં તે યુએસની મલ્ટીનેશનલ કંપનીમાં બેન્કિંગ કન્સલટન્ટ તરીકે જોબ કરે છે.



રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા શિલ્પન કુંજમાં રહેતા અને ઉપલેટાની કોલેજમાં પ્રોફેસર તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા ડો.પ્રવીણ ભેડાના બન્ને પુત્રોએ સિવિલ સર્વિસીઝની પરીક્ષા ક્રેક કરી રાજકોટનો ઐતિહાસિક રેકોર્ડ રચ્યો છે. તેમના મોટા પુત્ર વિવેક ભેડા ૨૦૨૦માં આઇપીએસમાં સીલેકટ થયા હતાં. હાલમાં તે ટ્રેનિંગ હેઠળ છે. લાખો રૂપિયાના પેકેજમાં લકઝરીયસ લાઇફ જીવી રહેલા દુષ્યંતને પોતાના મોટાભાઇ વિવેક પાસેથી પ્રેરણા મળી અને તેને પણ ૨૦૨૦થી સિવિલ સર્વિસીઝની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી હતી. પ્રથમ પ્રયાસે જ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી હવે આઇએએસ બનવાનું તેનું સ્વપ્ન સાકાર કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application