જામનગર જિલ્લાના લાલપુર મુકામે સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા ઐતિહાસિક 286 લોટી ઉત્સવ રંગેચંગે સંપન્ન થયો, અનેક ધર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું

  • June 03, 2024 11:59 AM 

જામનગર જિલ્લાના લાલપુર મુકામે સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા ઐતિહાસિક 286 લોટી ઉત્સવ રંગેચંગે સંપન્ન થયો, અનેક ધર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું....


હાલારની ધરતી પર જામનગર જિલ્લાના લાલપુર મુકામે સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા ઐતિહાસિક 286 લોટી ઉત્સવનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો. જેમાં લોટી ઉત્સવના ધાર્મિક કાર્યક્રમો સહિત રક્તદાન કેમ્પ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સહિત અનેક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આહીર સમાજના ભામાશા મહેશભાઈ વારોતરીયા અને કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા સહિત ભાજપ અને આપ ના ધારાસભ્ય અને સંતો મહંતો તથા યુવા આહિર સમાજના પ્રમુખ મહેશભાઈ નંદાણીયા સહિત અનેક મહાનુભવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


હાલના સમયમાં ધાર્મિક કાર્યક્રમો પાછળ કરવામાં આવતા ફાલતુ ખર્ચને બચાવવા અને સમાજમાં એક અનોખો સંદેશો આપવાના અભિગમ સાથે જામનગરમાં ગાગીયા પરિવારના અગ્રણી એવા બાદશાહ ભાઈ એટલે કે ભાવેશભાઈ ગાગીયા તેમજ પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન તથા જિલ્લા પંચાયત સદસ્ય કે.બી.ગાગિયા તથા અગ્રણી ઉદ્યોગપતિ રાજુભાઈ ગાગીયા સહિત સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા એક નવા અભિગમ સાથે એકીસાથે 286 લોટી ઉત્સવના ઐતિહાસિક અને ધાર્મિક કાર્યક્રમનું જામનગર જિલ્લાના લાલપુરના આંગણે ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની રેકોર્ડ બુકમાં પણ નોંધ લેવામાં આવી છે.


આજના સમયમાં એક લોટી ઉત્સવના કાર્યક્રમમાં અંદાજે દોઢથી બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે ત્યારે એકીસાથે 286 લોટી ઉત્સવનો ભવ્ય આયોજન સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યો અને સમાજને એક નવી રાહ ચિંધવામાં આવી છે. જ્યારે એકીસાથે 286 લોટી ખોલવી એટલે કે કરોડો રૂપિયાના ખર્ચને બચાવવા અને ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમમાં પાછળ થતા કરોડોના ખર્ચને બચાવવાનો એક ઉમદા હેતુ આ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા સમાજમાં આપવામાં આવ્યો છે.


જામનગર જિલ્લાના લાલપુર મુકામે પહેલી જૂનના રોજ યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત યજ્ઞ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ તથા મહારાસ તેમજ ભોજન પ્રસાદ અને સંત સભા સન્માન તથા ભાયાવદરની કાનગોપી મંડળી અને સમસ્ત ગાગીયા પરિવારના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ સહિત અનેક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર સહિત દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


જ્યારે લાલપુર મુકામે યોજાયેલા આ ભવ્ય લોટી ઉત્સવમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા અને શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, યુવા આહિર સમાજના પ્રમુખ મહેશભાઈ નંદાણીયા તથા આહીર સમાજના અગ્રણી અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના પ્રતિનિધિ તરીકે સંજયભાઈ કાંબરીયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ મહેશભાઈ વારોતરીયા તથા ભરતભાઇ ડેર અને સુરેશભાઈ વસરા સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


જ્યારે અગ્રણી સાહિત્યકારશ્રી લાખણશીભાઈ ગઢવી તથા મહંતશ્રી ભરતનાથ બાપુ સહિત જુદા જુદા સંપ્રદાયના અનેક સંતો અને મહંતો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત ગાગીયા પરિવાર અને ઉપસ્થિત સૌ લોકોને આશીર્વચન પાઠવ્યા હતા. જ્યારે લોટી ઉત્સવ દરમિયાન યોજાયેલ સ્ક્તદાન કેમ્પને આહીર સમાજના ભામાશા અને અગ્રણી ઉદ્યોગપતિ મહેશભાઈ વારોતરિયાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભવાના હસ્તે સમસ્ત ગાગીયા પરિવારના જુદા જુદા ક્ષેત્રોમાં આગળ આવેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો.


આજના સમયમાં અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ પાછળ કરોડોના ખર્ચ કરવામાં આવતા હોય છે ત્યારે સમસ્ત સમાજને એક નવો રાહ ચીંધી અને એક નવી પ્રેરણા આપવાનો અભિગમ આહીર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ એવા બાદશાહ ભાઈ એટલે કે ભાવેશભાઈ ગાગીયા તેમજ કેબી.ગાગીયા તથા રાજુભાઈ ગાગીયા અને સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા આપવામાં આવી છે.


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ચોકડી પાસે આવેલ ખાયડી પાસે હનુમાનજીના મંદિર નજીક આ ભવ્ય લોટી ઉત્સવનો આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ઐતિહાસિક 286 જેટલી લોટી ખોલવામાં આવી હતી આ એક અવિસ્મરણીય અને ઐતિહાસિક ઘટના કહી શકાય. જેના પગલે ઇન્ડિયન ટ્રેડિશનલ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમની નોંધ લેવામાં આવી છે અને ભાવેશભાઈ ગાગીયા સહિતના મહાનુભાવોને ઇન્ડિયન ટ્રેડિશનલ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપી અને આ ઐતિહાસિક કાર્યક્રમની વિશેષ નોંધ લેવામાં આવી છે. બે વર્ષમાં ઇન્ડિયન ટ્રેડિશનલ બુકમાં રેકોર્ડ નોંધાયો છે જેમાં 700 વ્યકિતનું એક સાથે પિતૃ તર્પણ હરિદ્વારમા કર્યું હતું, તે એક વર્ષ પહેલા હતું. જ્યારે વર્ષ 2024માં આ ઐતિહાસિક લોટી ઉત્સવ 286 લોટી એકસાથે ખોલવાનો રેકોર્ડ કર્યો છે. આમ ટોટલ બે રેકોર્ડ આ સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા જામનગર જિલ્લાના લાલપુર મુકામે આયોજિત ભવ્ય લોટી ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવ્યા છે.


જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ તેમજ આહીર સમાજના અગ્રણી મહિલા પૂનમબેન માડમ હાલ અનિવાર્ય સંજોગોસર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. પરંતુ તેમના પ્રતિનિધિ સુરેશભાઈ રાછ અને આંબલીયા સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તથા સાંસદ પૂનમબેન માડમ દ્વારા પોતાના શુભેચ્છા સંદેશ આ કાર્યક્રમ અંતર્ગત પાઠવવામાં આવ્યો અને ભાવેશભાઈ ગાગીયા સહિત સમગ્ર ટીમને સમાજને પ્રેરણા આપતા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


જ્યારે જામનગર જિલ્લાના લાલપુર મુકામે આ ખૂબ જ ઉમદા અને અનોખા કાર્યક્રમની પ્રેરણા લઈને સફળ રીતે સંપન્ન કરવામાં આવેલ લોટી ઉત્સવ કાર્યક્રમમાં હજારોની જનમેદનીને ભોજન પ્રસાદના દાતા તરીકે જામનગરના બાદશાહ ભાઈ તરીકે જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલોપર્સ ભાવેશભાઈ ગાગીયા કે જેઓ ભોજન પ્રસાદના દાતા બન્યા હતા. આ ઉપરાંત મંડપના દાતા તરીકે અરજણભાઈ રામભાઈ ગાગીયા ( નવા મોડપર ) તેમજ સાઉન્ડના દાતા તરીકે જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.ગાગીયા અને જાણીતા ઉદ્યોગપતિ રાજુભાઈ ગાગીયા, લાઇટિંગના દાતા તરીકે દેવાયતભાઈ પરબતભાઈ ગાગીયા, જુનાગઢ જિલ્લાના આહિર અગ્રણી હરેશભાઈ વિક્રમભાઈ ગાગીયા તેમજ ગેલાઈ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવાયતભાઈ પરબતભાઈ ગાગીયા, ગેલ માતાજીના ભુવા હેમંતભાઈ ગાગીયા સહિત સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા આ ઐતિહાસિક અને ભવ્ય લોટી ઉત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. જ્યારે જામનગર સહિત હાલાર અને ગુજરાત તથા દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application