સમલૈંગિક લગ્ન સામે કેન્દ્રએ વાંધો લીધા બાદ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

  • March 13, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય દંડ સંહિતાની કલમ 377 હોવા છતાં, અરજદારો દેશના કાયદા હેઠળ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાના મૂળભૂત અધિકારનો દાવો કરી શકતા નથી : કેન્દ્ર


કેન્દ્ર સરકારે સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રએ કહ્યું છે કે આવું કરવું ભારતની સામાજિક માન્યતાઓ અને કુટુંબ વ્યવસ્થાની વિરુદ્ધ હશે. આમાં અનેક કાયદાકીય અડચણો પણ આવશે. આ વર્ષે 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નના મુદ્દે કેન્દ્રને નોટિસ પાઠવી હતી. સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા પ્રદાન કરવાની વિનંતી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા મુજબ, સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવવાની માંગ કરતી અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેંચ દ્વારા કરવામાં આવશે.

અગાઉ, સર્વોચ્ચ અદાલતમાં, કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતાની માંગ કરતી અરજીઓનો વિરોધ કરતા કહ્યું હતું કે તે વ્યક્તિગત કાયદા અને સ્વીકાર્ય સામાજિક મૂલ્યો વચ્ચેના સંતુલનને અસર કરશે. સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી એફિડેવિટમાં સરકારે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 377 દ્વારા કાયદેસર હોવા છતાં, અરજદારો દેશના કાયદા હેઠળ સમલૈંગિક લગ્નના મૂળભૂત અધિકારનો દાવો કરી શકતા નથી.

“લગ્ન, કાયદાની સંસ્થા તરીકે, વિવિધ કાયદાઓ હેઠળ ઘણા વૈધાનિક પરિણામો ધરાવે છે. તેથી, આવા માનવીય સંબંધોની કોઈપણ ઔપચારિક માન્યતાને માત્ર બે પુખ્ત વયના લોકો વચ્ચેની ગોપનીયતાના મુદ્દા તરીકે ગણી શકાય નહીં.'' કેન્દ્રએ કહ્યું કે ભારતીય બંધારણીય કાયદાના ન્યાયશાસ્ત્રમાં કોઈપણ આધાર વિના આ સંદર્ભમાં પશ્ચિમી ચુકાદાઓ આયાત કરી શકાય નહીં.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની તમામ હાઈકોર્ટમાં પેન્ડિંગ સમલૈંગિક લગ્ન સંબંધિત અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલ અને અરજદારોના વકીલ અરુંધતિ કાત્જુ મળીને તમામ લેખિત માહિતી, દસ્તાવેજો અને જૂના દાખલાઓ એકત્રિત કરે, જેના આધારે સુનાવણી આગળ વધશે.

ખંડપીઠે 6 જાન્યુઆરીના તેના આદેશમાં કહ્યું હતું કે, 'પક્ષોએ ફરિયાદોની સોફ્ટ કોપી કોર્ટને ઉપલબ્ધ કરાવવી. તમામ અરજીઓને એકસાથે સૂચિબદ્ધ કરી મામલાઓના સંદર્ભમા આગળની સુનવણી માટે તારીખ 13 માર્ચ, 2023 ના રોજ નક્કી કરવામાં આવે. વિવિધ અરજદારોના વકીલોએ આ મામલે સત્તાવાર નિર્ણય માટે તમામ બાબતોને તેની પાસે ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી.

કોર્ટે 14 ડિસેમ્બર, 2022ના રોજ કેન્દ્ર સરકાર પાસેથી સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની વિનંતી કરતી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓના ટ્રાન્સફર અંગે જવાબ માંગ્યો હતો. વર્ષ 2018 માં, જસ્ટિસ ચંદ્રચુડને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા જેણે ગે સેક્સને અપરાધની શ્રેણી માંથી બહાર કરવાનો ચુકાદો આપ્યો હતો.

6 સપ્ટેમ્બર, 2018 ના રોજ, સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે સર્વસંમતિથી ઐતિહાસિક ચુકાદામાં, દેશમાં ખાનગી જગ્યાએ પુખ્ત વયના લોકો વચ્ચે સહમતિથી સમલૈંગિક અથવા વિજાતીય સેક્સને અપરાધની શ્રેણીની બહાર જાહેર કર્યો હતો.
​​​​​​​

સોમવારે (13 માર્ચ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેન્દ્રએ તમામ 15 અરજીઓ પર જવાબ દાખલ કર્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં પરિવારનો ખ્યાલ પતિ-પત્ની અને તેમના બાળકો છે. સમલૈંગિક લગ્ન આ સામાજિક માન્યતાની વિરુદ્ધ છે. સંસદ દ્વારા પસાર કરાયેલ લગ્ન કાયદો અને વિવિધ ધર્મોની પરંપરાઓ આ પ્રકારના લગ્નને સ્વીકારતી નથી.

કેન્દ્રએ કહ્યું હતું કે, આવા લગ્નની માન્યતા સાથે, દહેજ, ઘરેલું હિંસા કાયદો, છૂટાછેડા, ભરણપોષણ, દહેજ મૃત્યુ જેવી તમામ કાયદાકીય જોગવાઈઓનો અમલ કરવો મુશ્કેલ બનશે. આ તમામ કાયદાઓ પુરુષને પતિ અને સ્ત્રીને પત્ની તરીકે વર્તે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી કેટલીક અરજીઓમાં સમલૈંગિક લગ્નોને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લાવીને રજીસ્ટ્રેશન કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application