આગામી ૨૫મી એપ્રિલે વિશ્ર્વ પ્રસિદ્ધ ગુજરાત આયુ. યુનિ.નો ૨૮મો પદવીદાન સમારોહ યોજાશે

  • April 22, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વની સૌપ્રથમ અને ગુજરાતની એકમાત્ર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તારીખ ૨૫ એપ્રિલના રોજ ૨૮ મો પદવિદાન સમારોહ યોજાશે.



આ સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાતની તમામ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ ગુજરાત રાજ્ય આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે.



પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્યમંત્રી આયુષ મંત્રાલય ભારત સરકારના ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ૠષિકેશભાઈ પટેલ, તથા લોકસભાના સાંસદ વૈદ્ય ભારતીબેન શિયાળ પણ ઉપસ્થિત રહેશે.



આ ઉપરાંત ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ તથા આઈ.ટી.આર.એ.ના નિયામક વૈદ્ય અનુપ ઠાકર સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે હાજરી આપશે.



ધનવંતરી મંદિર ઓડીટોરિયમ ખાતે યોજાનારા આ પદવિદાન સમારોહમાં કુલ ૭૩૭ વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવશે. ઉપરાંત ચાર વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોને ડી.લીટ ની પદવી એનાયત થશે.



વિદ્યાર્થીઓમાં ડિપ્લોમા, પી.જી. ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, એમ. ડી., એમ. એસ., અને પી.એચ.ડી. ના મળી કોલ ૭૪૧ વિદ્યાર્થીઓ હશે.



વધુમાં ચાર વિશેષ વ્યક્તિને ડોક્ટરેટ ઓફ લિટરેટર આયુર્વેદની ઉપાધિ નવાજવામાં આવશે. આ ચાર મહાનુભાવોમાં વૈદ્ય ગુરુદીપ સિંઘ, ડો. પરબાઇ મીનું હીરાજી, ઇન્દુમતિ કાટદરે, અને ડોક્ટર મનોરંજન સાહુ રહેશે. આ મહાનુભાવોને તેમની સમાજ પ્રત્યેની નિસ્વાર્થ વિશિષ્ટ સેવા અને અનન્ય સિદ્ધિઓ બદલ આ પદવી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા એનાયત થઈ રહી છે.



આ તબક્કે ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવશે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી નો આ ૨૮ મો પદવીદાન સમારોહ તારીખ ૨૫ એપ્રિલના રોજ સવારે ૧૧.૦૦ કલાકે રાજ્યપાલ શ્રી ના આગમન સાથે શુભારંભ થશે. મુખ્ય દ્વારથી મંચ સુધી તેઓને સન્માનપૂર્વક પ્રસ્થાન કરાવવામાં આવશે.



મંચ પર પ્રાર્થના અને યુનિવર્સિટીના ગીતાનો ગાન કરવામાં આવશે, અને તમામ મંચસ્થ મહાનુભાવોને સ્મૃતિચિન્હથી નવાજવામાં આવશે. ત્યારબાદ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય મુકુલ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવશે, ત્યારબાદ વિવિધ તબક્કામાં ડી.લીટથી માંડીને ડિપ્લોમા કેટેગરીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જ્યારે વધુમાં ઇનામો મેડલ અને એવોર્ડ પણ ઇનાયત થશે.આ વેળાએ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એમ.ઓ.યુ. અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની યૂ-ટ્યુબ ચેનલ નું લોન્ચિંગ પણ કરવામાં આવનાર છે.



ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર એચ.પી. ઝાલા દ્વારા આભાર દર્શન કરવામાં આવશે, અને અંતમાં રાષ્ટ્રગાન સાથે સમારોહ ની પૂર્ણાંહૂતી થશે.


અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટી જેવી કે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર, અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે આયુર્વેદને જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોધન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યા છે. આમ થવાથી આયુર્વેદ અને અન્ય વિદ્યાશાખાઓ સાથે મળી સમાજ ઉત્કર્ષ અને માનવ વિકાસના નૂતન દ્વાર ખોલશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application