જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે જીપીસીબીની કાર્યવાહી તેજ
શંકર ટેકરી, દરેડ જીઆઈડીસી અને ચેલા-ચંગા રોડ વિસ્તારમાં રાત્રિ તપાસ
બે એકમો સામે કાર્યવાહી માટે ગાંધીનગરને અહેવાલ: ત્રણ મહિનાની કાર્યવાહી દરમ્યાન ૨૧ કારણદર્શક નોટિસો, ૧૦ એકમોને દિશાનિર્દેશની નોટિસો તેમજ ૧૩ એકમોને બંધ કરવાના આદેશો
જામનગરમાં પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની પ્રાદેશિક કચેરી દ્વારા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં શનિવાર, રવિવાર અને બુધવારની રાત્રિના સમયે શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, દરેડ જીઆઈડીસી તથા ચેલા-ચંગા રોડ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.
ખાસ કરીને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગોમાંથી થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બે ઔદ્યોગિક એકમો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિર્ધારિત પ્રદૂષણ નિયંત્રણના ધોરણોનું પાલન કરતા ન હોવાનું સામે આવ્યું હતું.
આ બંને એકમો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેનો અહેવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મુખ્ય કચેરી, ગાંધીનગરને મોકલી આપવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનામાં પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે સઘન કાર્યવાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ૨૧ કારણદર્શક નોટિસો, ૧૦ એકમોને દિશાનિર્દેશની નોટિસો તેમજ ૧૩ એકમોને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.
જીપીસીબી દ્વારા આગામી સમયમાં પણ ઔદ્યોગિક વિસ્તારોમાં આવી ઓચિંતી તપાસ ચાલુ રાખી પર્યાવરણને નુકસાન પહોંચાડતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.