સોનીની દુકાન તોડનાર ગોંડલની ગીલોલ ગેંગ ૧૦ વર્ષથી મચાવે છે ઉત્પાત: જેલહવાલે

  • March 22, 2023 10:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચાંદીની ઇંટ,ગીલોલ,પથ્થર સહિત રૂ.૩.૫૦ લાખનો મુદામાલ કબજે: ચોરાઉ માલ ખરીદનારની પણ ઘરપકડ: કોઇ ચોરી કરતા અટકાવે તો ગીલોલથી હુમલો કરતા



હુડકો પોલીસ ચોકી નજીકના મારૂતીનગર મેઈન રોડ પર આવેલી ધનલક્ષ્મી જવેલર્સ નામની દુકાનનું શટર ઉચકાવી અંદરથી રૂા.૩.પ૦ લાખની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરનાર આંતર જિલ્લા ગીલ્લોલ ગેંગને ઝડપી લેવામાં ભકિતનગર પોલીસને મહત્વની સફળતા મળી છે.પોલીસે ગીલોલ ગેંગના ચાર તથા ચોરાઉ મુદ્દામાલ ખરીદનારને પોલીસે ઝડપી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં ગોંડલની આ ગીલોલ ગેંગ ૧૦ વર્ષથી ઉત્પાત મચાવતી હોવાનું માલુમ પડયું છે.પોલીસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ જેલહવાલે કર્યા હતાં.




જાણવા મળતી વિગતો મુજબ, ગત તા.૧૩ ના રોજ હુડકો પોલીસ ચોકી નજીક આ ચોરી થઈ હતી.જેથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયા ઇન્ચાર્જ પીઆઇ આઇ.એન.રાઠોડની રાહબરીમાં પીએસઆઇ એચ.એન.રાયજાદા તથા ટીમ આ બનાવનો ભેદ ઉકેલવા તપાસરમાં હતી.દરમિયાન કોન્સ. કરણભાઇ કોઠીવાલ,અરવિંદભાઇ ફતેપરા અને રાજદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા ગીલોલ ગેંગના ચાર સભ્યોને ઝડપી લીધા હતા.



જેમાં વિજય ઉર્ફે વિજલો અમરશી ચારોલા(રહે. ગોંડલ આશાપુરા ચોકડી, હાલ નાળોદાનગર શેરી નં-૩), રણજીત ઉર્ફે કાળીયો ધીરૂભાઈ સોલંકી (રહે. ગોંડલ આશાપુરા ચોકડી), જીતેશ ઉર્ફે જીતો સંજય ઉર્ફે ચંદુ વાઘેલા અને કરણ ઉર્ફે દડુ મનસુખ ઉર્ફે અતુલ વાઘેલા (રહે. બંને આજી ડેમ ચોકડી, ભારતનગર મ.પરા) નો સમાવેશ થાય છે. આ ટોળકીએ ચોરાઉ મુદ્દામાલ જીતેશ બાબુભાઈ નાળોદા (રહે. ગોંડલ આશાપુરા ચોકડી પાસે, નદીના કાંઠે) ને વેંચી દીધાનું ખુલતા તેની પણ પોલીસે ધરપકડ કરી હતી.


આરોપીઓ પાસેથી પોલીસે ચાંદીના સાંકળા, બંગળીઓ, ભગવાનની મુર્તિઓ, કડલીઓ, તુલશીનો નાનો કયારો, નાની ગાય, કંકાવટીનું છત્તર, નાની મોટી વિટીઓ, ચાંદીની આંઠ કીલો થી વધુ વજનની ઈંટ, રોકડા રૂા.ર૦ હજાર, બે ગીલ્લોલ વગેરે મળી કુલ રૂા.૩.પ૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.




ઝડપાયેલી ગીલોગ ગેંગ દુકાનના શટર ઉચકાવી અને મકાનના દરવાજા તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે. જો કોઈ વ્યકિત જોઈ જાય કે સામનો કરે તો તેની ઉપર ગીલોલ વડે હુમલો કરવાની ટેવ ધરાવે છે. છેલ્લા દસ વર્ષથી આ ગેંગ આ રીતે ઉત્પાત મચાવતી હોવાનું માલુમ પડયું છે. ટોળકીના સભ્યો લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. ટોળકીના બે સભ્યો વિજય અને રણજીત સામે ગોંડલ તાલુકા, સીટી, કોટડાસાંગાણી, જુનાગઢ, જસદણ, ભાવનગર, પાટણ, કાલાવડ, આટકોટ સહિતના શહેરોમાં ચોરીના રર થી વધુ ગુના નોંધાયેલા છે. જયો જીતેશ સામે કોઈ ગુનો નોંધાયો નથી. કરણ સામે અકસ્માતનો એક માત્ર ગુનો નોંધાયેલો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application