BREAKING NEWS

આઈ.ટી.આઈ. જામનગર ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો માટે "ટેકનિકલ શિક્ષણમાં જનરેટિવ AI" વિષય પર વિશેષ સેમિનાર યોજાયો

  • July 07, 2026 06:21 PM 

આઈ.ટી.આઈ. જામનગર ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો માટે "ટેકનિકલ શિક્ષણમાં જનરેટિવ AI" વિષય પર વિશેષ સેમિનાર યોજાયો

ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા સુધારવા આધુનિક ટેકનોલોજી અનિવાર્ય: ચાલુ વર્ષથી સંસ્થામાં નવો "AIPA" કોર્ષ પણ શરૂ કરાશે

જામનગર તા.૦૭, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર ખાતે "ટેકનિકલ શિક્ષણમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ" વિષય પર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો માટે એક વિશેષ લેકચર તથા પ્રાયોગિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બદલાતા સમય સાથે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ બને તેવા હેતુ સાથે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સરકારી પોલિટેકનિક, રાજકોટ ખાતે કાર્યરત અંજના નગરિયા અને માધવી વસાએ નિષ્ણાત વક્તા તરીકે ઉપસ્થિત રહીને ટેકનિકલ શિક્ષણમાં જનરેટિવ AI ના વધતા મહત્વ અને તેના વ્યવહારુ ઉપયોગો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ વિવિધ આધુનિક AI ટૂલ્સ અને સાધનોનો ઉપયોગ કરીને અભ્યાસક્રમની ઉત્કૃષ્ટ તૈયારી, શિક્ષણ પ્રક્રિયામાં નવીનતા, વિદ્યાર્થીઓનું સચોટ મૂલ્યાંકન, સંશોધન કાર્ય તેમજ કૌશલ્ય વિકાસને વધુ અસરકારક અને સમયાનુકૂળ કેવી રીતે બનાવી શકાય તે અંગે જીવંત પ્રસ્તુતિઓ દ્વારા ખૂબ જ સરળ શૈલીમાં સમજાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વર્તમાન સમયમાં AI ના જવાબદારીપૂર્વકના તથા વિવેકપૂર્ણ ઉપયોગ અંગેની પાયાની અને મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. કાર્યશાળાના અંતે તમામ તાલીમાર્થીઓ અને ઉપસ્થિતોએ આ સેમિનારને વર્તમાન સમયની તાતી જરૂરિયાત અને અત્યંત ઉપયોગી ગણાવીને બંને નિષ્ણાત વક્તાઓના પ્રેરણાદાયી માર્ગદર્શનની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે સંસ્થાના આચાર્યશ્રી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવવામાં આવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષથી આઈ.ટી.આઈ. જામનગર ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કૌશલ્ય વર્ધન માટે એક નવો અદ્યતન કોર્ષ "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ"(AIPA) પણ શરૂ કરવામાં આવી રહ્યો છે, જે સ્થાનિક સ્તરે ટેકનોલોજીકલ કૌશલ્ય વધારવામાં મદદરૂપ થશે.

કાર્યક્રમના સમાપન અવસરે આઈ.ટી.આઈ. જામનગરના આચાર્યએ બંને આમંત્રિત નિષ્ણાત વક્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, આવા અત્યાધુનિક વિષયો પરના રચનાત્મક કાર્યક્રમો શિક્ષકોને નવીનતમ ટેકનોલોજી સાથે જોડીને રાજ્યના ટેકનિકલ શિક્ષણના સ્તર અને તેની ગુણવત્તામાં વ્યાપક વધારો કરવામાં આગામી સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application