↵જામનગરમાં ગેસ આધારીત બ્રાસ એકમો શટડાઉનની કગારે..!
બ્રાસઉધોગની માઠી: ગલ્ફના દેશોમાંથી કાચા માલની આયાત હજુ બંધ હોય નવા ઓર્ડર મળતા નથી, ફોર્જીંગ અને એકસ્ટ્રુઝન પ્લાન્ટધારકોને કમરતોડ ફટકો
ગેસ કનેકશન ન ધરાવતા ઔધોગીક એકમોના કારીગરોના બળતણ માટે ફાંફા: લાકડા પર ભોજન બનાવાની ફરજ પડતા ઔધોગીક વિસ્તારમાંથી બાવળીયા દૂર થઇ ગયા
ગલ્ફ વોરના કારણે ગેસની આયાતમાં જબ્બર ઘટાડાથી જામનગરમાં ગેસ આધારીત બ્રાસ એકમો શટડાઉનની કગારે પહોંચ્યા છે. ગલ્ફના દેશોમાંથી હજુ પણ કાચા માલની આયાત હજુ બંધ હોય નવા ઓર્ડર મળતા નથી. ખાસ કરીને ગેસ આધારતી ફોર્જીંગ અને એકસ્ટ્રુઝન પ્લાન્ટધારકોને કમરતોડ ફટકો પડયો છે. ગેસ કનેકશન ન ધરાવતા ઔધોગીક એકમોના કારીગરોને બળતણ માટે ફાંફા મારવા પડી રહ્યા છે. આટલું જ નહીં લાકડા પર ભોજન બનાવવાની ફરજ પડતા ઔધોગીક વિસ્તારમાંથી મોટાભાગના બાવળીયા દૂર થઇ ગયા છે.
ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચે છેલ્લાં ૨૫ દીવસથી યુઘ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે આયાત-નિકાસ માટે મહત્વની હોર્મુઝની દરિયાની ખાડીમાંથી જહાજોનું આવાગમન અનિશ્ર્ચિત બનતા વિશ્ર્વના અનેક દેશોના અર્થતંત્રને ફટકો પડયો છે. જેમાંથી ભારત પણ બાકાત નથી. ખાસ કરીને ગેસ તથા પેટ્રોલ,ડીઝલ અને ક્રુડ ઓઇલની આયાતમાં ધરખમ ઘટાડાથી ભારતમાં સપ્લાય ચેઇન ખોરંભે ચડી છે. જેમાંથી જામનગરનો બ્રાસ ઉધોગ પણ બાકાત નથી. કારણ કે, યુઘ્ધ શરૂ થયાના બે-ત્રણ દીવસ પછી ગલ્ફના દેશોમાંથી બ્રાસઉધોગ માટે જરૂરી કાચામાલની આવક બંધ થઇ છે. જે હજુ પણ ઠપ્પ છે. બીજી બાજુ ગેસની આયાત ઘટતા ગેસ આધારીત બ્રાસ એકમોને કમરતોડ ફટકો પડ્યો છે. જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઇ ગઢીયાએ જણાવ્યું હતું કે, હાલમાં શહેરના ઔધોગીક વિસ્તારમાં ૪૦૦૦થી વધુ બ્રાસપાર્ટના એકમો કાર્યરત છે. જે પૈકી ગેસ આધારીત ફોર્જીંગ અને એકસ્ટ્રુઝન પ્લાન્ટ એટલે કે સળીયા ગરમ કરતા હોયો તે ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા ઔધોગીક એકમો છેે. કોર્મશીયલ ગેસની અછત પ્રર્વતી રહી છે ૫૦ ટકાથી વધુ ગેસના વપરાશ બાદ કંપનીઓ દ્રારા બમણા ભાવ લેવામાં આવે છે. આથી ગેેસ આધારીત ફોર્જીંગ અને એકસ્ટ્રુઝન પ્લાન્ટમાંથી મોટાભાગના એકમો શટડાઉનની કગારે ઉભા છે.
આટલું ઓછું હોય તેમ કાચામાલની હજુ પણ અછત છે અને નવા ઓર્ડર ઔધોગીક એકમોને મળતા નથી. આથી ઘણા કારખાનેદારો સાંજે પોતાના એકમો વહેલા બંધ કરી રહ્યા છે. બીજી બાજુ બ્રાસપાર્ટના એકમોમાં કામ કરતા પરપ્રાંતીય સહીતના કારીગરો કે જેઓ પાસે ગેસ કનેકશન ન હોય તેઓ બળતણ માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલમાં મોટાભાગના કારીગરો લાકડાના ચૂલા પર ભોજન બનાવવા મજબૂર બન્યા છે. જો આ સ્થિતિ રહી તો મોરબી સીરામીક ઉધોગની જેમ કારીગરોને હીજરત કરવાની ફરજ પડશે. આમ, ગેસની સપ્લાય ચેઇનમાં વિક્ષેપથી જામનગરના ફોર્જીંગ અને એકસ્ટ્રુઝન પ્લાન્ટના બ્રાસ એકમોના આસામીઓને કમરતોડ ફટકો પડયો છે.