ગાંધીનગર:  વૈજ્ઞાનિકો દ્વારા મંગળ પર 20 ગલી સાઇટ્સની શોધ, મળ્યા પાણી હોવાના અવશેષ

  • September 11, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલ ગ્રહ પર વહેતા પાણીની સંભાવના

'ગ્લેશિયલ લેન્ડફોર્મ્સ એન્ડ ગલી ફોર્મેશન ઓન માર્સ' ડોક્ટરલ રિસર્ચના કારણે મળી નવી આશા   



ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિક દ્વારા આઇઆઇટી ગાંધીનગર ખાતે ડોક્ટરલ અભ્યાસમાં મંગળ પર ૨૦ નવી જગ્યાઓ મળી છે જ્યાં પૃથ્વી પર મળી આવતી પાણી દ્વારા કોતરવામાં આવેલી ચેનલો જેવી રચના સામે આવી છે. અભ્યાસનો ઉદ્દેશ આ રચનાઓને સમજાવવાનો છે, જેનું તારણ છે કે, ભૂતકાળમાં મંગળ પર ભૂમિ સ્વરૂપની રચનામાં પાણી હોવાની સંભાવના છે.


મંગળ પર મળી આવેલી ગલીઓમાં એ ભૂસ્તરશાસ્ત્રીય લક્ષણો છે જેમાં પાણી અથવા જમીનના ધોવાણ દ્વારા થતા નિશાન દર્શાવે છે. મંગળ પર ગલીઓની શોધ સાથે, ખાસ કરીને છેલ્લા ૨૦ વર્ષોમાં લાલ ગ્રહ પર વૈજ્ઞાનિક મિશન પછી, વૈજ્ઞાનિકો એવા સ્થળોએ તેમની રચનાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાં કોઈ વહેતું પાણી મળ્યું નથી.


આઇઆઇટી ગાંધીનગર ખાતે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના વૈજ્ઞાનિક ઋષિતોષ કુમાર સિન્હા દ્વારા ડોક્ટરલ સંશોધન દર્શાવે છે કે મંગળ પર જ્યારે 'સક્રિય' ગલીઓ આજે મોસમી પરિવર્તન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બરફની હિલચાલને કારણે આકાર બદલે છે, ત્યારે ત્યાં ભૂતકાળમાં પાણી હોવાની સંભાવના છે. આ ગલીઓ છેલ્લા કેટલાક મિલિયન વર્ષોમાં રચાઈ હોવાનું અનુમાન છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના સહયોગી પ્રોફેસર ડૉ દ્વિજેશ રેના માર્ગદર્શન હેઠળ 'ગ્લેશિયલ લેન્ડફોર્મ્સ એન્ડ ગલી ફોર્મેશન ઓન માર્સ' નામનું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.


સંશોધનએ બિંદુથી શરૂ થયું હતું કે મંગળની સપાટી પર પાણીની શોધ ચાલી રહી છે. અને જો ભૂતકાળમાં ત્યાં પાણી હતું તો તે ક્યાં ગયું? શું તે બાષ્પીભવન થયું હતું અથવા સપાટીની અંદર જતું રહ્યું. વર્ષ ૨૦૦૦માં માર્સ ગ્લોબલ સર્વેયરએ મંગળ પર પ્રથમ વખત ગલીની રચનાઓ દર્શાવી હતી.


નિષ્ણાતોના મતે પાણી પછી કાર્બન ડાયોક્સાઇડ બરફ મામલે પણ રીસર્ચ થયા છે. સબ્લિમેશન પ્રક્રિયા – જેમાં નક્કર અવસ્થા પ્રવાહી સ્વરૂપને બાયપાસ કરીને વાયુ સ્વરૂપમાં સીધી રૂપાંતરિત થાય છે - બરફની સાથે સપાટી પરથી ગેસ છોડવામાં આવે છે જેના કારણે ગલીની રચના આગળ વધી હોય તેમ પણ બની શકે છે.


ઋષિતોષ કુમાર સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે, "આ સંદર્ભમાં, અભ્યાસમાં આ ગલીઓના નિર્માણમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડની સંભવિત ભૂમિકાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. રસપ્રદ બાબત એ હતી કે આમાંના ઘણા ગલીઓ વિસ્તરણ અથવા પરિવર્તનના સંકેતો દર્શાવે છે. જો આપણે પાણી હોવાની વાતને નકારી કાઢીએ, તો એક માત્ર અવશેષ કાર્બન ડાયોક્સાઈડ છે. પરંતુ માત્ર કાર્બન ડાયોક્સાઈડ જ ગલીઓના સમગ્ર ક્લસ્ટરની રચનાને સમજાવી શકતું નથી. આમ, આ ગલીઓની રચનામાં પાણીની અગાઉની અસરને ધ્યાનમાં લેવી જોઈએ. જો કે, વર્તમાન ફેરફારો કાર્બન ડાયોક્સાઇડને આભારી હોઈ શકે છે. કદાચ ભાવિ મંગળ મિશન આ ગલીઓમાં બરફના સ્વરૂપમાં પાણીના અવશેષો શોધી શકે છે."



તેમના અભ્યાસે મંગળ પર ૨૦ અલગ-અલગ ગલી રચનાઓની શોધ કરી છે. પ્રથમ વખત, માર્સ રિકોનિસન્સ ઓર્બિટર માંથી હાઈ રીઝોલ્યુશન ઈમેજનો ઉપયોગ કરીને ગલીઓનું વૈશ્વિક મોર્ફોલોજિકલ વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું અને મંગળની ગલીઓમાં પુરાવા સાથે ૨૦ નવી સાઇટ્સની જાણ કરવામાં આવી હતી. અગાઉ માત્ર છ સ્થળોએ આ પ્રકારના પુરાવા મળ્યા હતા.



આ ૨૦ સાઇટ્સ મંગળના મધ્ય અક્ષાંશોમાં છે અને પૃથ્વી પર જે જોવા મળે છે તેના જેવા જ કાટમાળના પ્રવાહની રચના તરફ નિર્દેશ કરે છે. સિન્હાએ જણાવ્યું હતું કે સંશોધનનો અર્થ એવો નથી કે માત્ર પાણી જ આનું કારણ હોઈ શકે, કેમ કે અન્ય પરિબળો પણ હોઈ શકે છે, પરંતુ વહેતા પાણીની ભૂમિકાને અવગણી શકાય નહીં. તેમણે ઉમેર્યું હતું કે એકલા કાર્બન ડાયોક્સાઇડ બરફના કારણે આ તમામ ગલીઓની રચના થઇ હોવાનું સમજી શકાતું નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application