ભવનાથમાં ગુંજશે ‘ભોળાનાથ’નો ગગનભેદી નાદ, કાલથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

  • February 14, 2023 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવનાથ ચોસઠ જોગણીઓ ચોર્યાસી સિદ્ધો ના જ્યાં બેસણા છે અને ૩૩ કરોડ દેવતાઓનો જ્યાં વાસ છે એવા ગરવા ગિરનારની ગોદમાં ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભરાતા મહાશિવરાત્રીના પારંપરિક મેળાનો મહા વદ ૯ના ૧૫ ફેબ્રુઆરી થી શુભારંભ થશે. આ મેળામાં ભાગ લેવા માટે દેશના ખૂણે ખૂણેથી ભાવિકોનો અભૂતપૂર્વ ધસારો થશે. ‘ભજન ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાશે’ તા.૧૮ મહાવદ તેરસ અને મહાશિવરાત્રીની રાત્રિએ દિગંબર સાધુઓના મૃગીકુંડમાં સ્નાન અને ભવનાથ મહાદેવ ની મહા આરતી સાથે મેળો સંપન્ન થશે  


ભવનાથ ખાતે યોજાનારા મહા શિવરાત્રીના મેળાનો શુભારંભ મહા વદ ૯ ને  શુક્રવાર ના રોજ ભવનાથ મંદિરના મહંત હરી ગીરીબાપુ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ના ઇન્દ્રભારતી બાપુ, ભારતી આશ્રમ ના હરિહરાનંદ બાપુ મહાદેવ ભારતી બાપુ, મોટા પીર બાવા તન સુખ ગીરી બાપુ જયશ્રીકાનંદગીરી માતાજી ,શૈલજા દેવી  ઉપરાંત ના સંતો મહંતો તથા  ધારાસભ્ય સંજયભાઈ  કોરડીયા, મેયર ગીતાબેન પરમાર ,ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઇ પરસાણા, કલેકટર રચિત રાજ,  કમિશનર રાજેશ તન્ના સહિતના  અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના રાજકીય આગેવાનો ની હાજરીમાં ભવનાથ મંદિર ઉપર ધાર્મિક વિધિથી ધ્વજા રોહણ કરી પારંપરિક અને ભાતીગળ મેળાનો શુભારંભ કરવામાં આવશે આ સમયે ભવનાથ મંદિર નું વાતાવરણ હર હર મહાદેવ - જય ભવનાથ, જય ગિરનારી  ના નાદ થી ગુંજી ઉઠશે.
​​​​​​​
સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે પાંચથી સાત લાખ લોકોનો ધસારો રહે છે. મહા વદ ૯ થી શિવરાત્રી સુધી એટલે કે પાંચ દિવસ સુધી ચાલનાર આ મેળામાં લોકમેળામાં ભજન ,ખાદ્ય ચીજો ઠંડાં પીણાં તથા અન્ય ચીજોનું વેચાણ માટે અવનવા સ્ટોલો આ વર્ષે પણ ખાસ આકર્ષણ જમાવશે. 

ભવનાથ મેળામાં નાગાબાવા, અખાડાના સંતોનું મહત્વ
મહાશિવરાત્રીના મેળા નું ખાસ આકર્ષણ નાગા બાવા ની જમાત અને સરઘસનું છે આ સરઘસમાં સૌથી આગળ ગુરુ દત્તાત્રેયની પાલખી હોય છે. આ પછી ગણપતિજીની પાલખી અગ્નિ અખાડાની પાલખી તથા અન્ય અખાડાની પાલખી પાછળ નાગા બાવાઓ ચાલીને નીકળે છે. અને સરઘસ આકારે આખા ભવનાથના મેળામાં ફરે છે. સરઘસમાં વિવિધ અંગ કસરતો કરે છે., મેળામાં હાજર રહેલા લાખો લોકો આ ભવ્ય સરઘસ સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ સરઘસ તેના નિષ્ઠાને થી નીકળી મૃગી કુંડ તરફ સરઘસ સ્વરૂપે નીકળે છે અને હર હર ભોલે હર હર મહાદેવના ગગનભેદી નાદ ગજવતા વિવિધ અંગ કસરતના હેરતભર્યા પ્રયોગો નાગા સાધુ સંતો કરી બતાવે છે. આ સરઘસ જોવા માટે મુખ્ય રસ્તાની બંને બાજુએ ભાવિકો સાંજથી જ ગોઠવાઈ જાય છે અને રાત્રીના આ સરઘસ ના દર્શન કરી નાગા સાધુ સંતોના દર્શન કરી ભાવિકો ધન્ય અનુભવે છે. આવ સરઘસ ભવનાથ મહાદેવના મંદિરે થઈ મહાશિવરાત્રીના દિવસે ભવનાથ મહાદેવના મંદિરમાં ભોળાનાથ શિવજીની પૂજા કરી નાગાબાવાઓ સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ એવી એક માન્યતા પ્રવર્તે છે કે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે ખુદ ભગવાન શંકર નાગાબાવાના સ્વરૂપે સ્નાન કરવા માટે આવે છે અને પ્રથમ સ્નાન શિવજી કરે છે. કોઈ અલૌકિક આત્મા દર્શન કરી શકે છે. મૃગીકુંડમાં સ્નાન કરીને ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરી બહાર નીકળતા સાધુ-સંતો ક્યાં અલોપ થઇ જાય છે તેનું રહસ્ય આજદિન સુધી કોઇ મેળવી શક્યું નથી અને મેળવી શકશે પણ નહીં તેઓ ભાવિકોમાં અતૂટ વિશ્વાસ છે. નાગાબાવાઓ સાધુ-સંતો શિવરાત્રિની રાત્રે મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન કરે છે તેની સાથે જ મહાશિવરાત્રિના મેળાની પૂર્ણાહુતિ થાય છે.

ભજન, ભોજન, ભક્તિનો સમન્વય
મહાશિવરાત્રીના મેળામાં અનેક જગ્યાએ લોકસાહિત્ય ના ડાયરા, ભજન સંધ્યા લોકસાહિત્યના નામે અનામી અનેક કલાકારો ભજન દુહા છંદ લોકગીતોની રસલ્હાણ પીરસી આ વર્ષે મેળાને ચાર ચાંદ લગાવશે. મહાશિવરાત્રીના મેળામાં લાખો લોકો ભજન ભોજન અને ભકિતનો આનંદ માણી ધન્યતા અનુભવે છે. મહાશિવરાત્રીનો મેળો અને નાગા બાવા સાધુ સંતોનું સરઘસ જોવુ અનેરો લ્હાવો છે. જેને જોયું છે તે ક્યારેય ભૂલી શક્યા નથી જિંદગીનો અલૌકિક સંભારણું બની જાય છે. મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે સાત લાખ કરતાં પણ વધુ લોકોનો ધસારો રહે છે આ વર્ષ પણ સારું હોવાથી વધુ માત્રામાં સંખ્યા ઉમટી પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ મેળા
ગુજરાતમાં યોજાતા ૩ મેળા માનવ જીવનની ત્રણ વર્ષ નું રહસ્ય છતું કરે છે જેમાં પેલું તરણેતરનો મેળો માધવપુરનો મેળો અને મહાશિવરાત્રીનો મેળો માનવીની ઉંમર સાથે અનેરા નાતા થી બંધાયેલ છે. તરણેતરનો મેળો યુવાનો નો મેળો છે આ મેળો જીવનસાથીની પસન્દગીનો મેળો છે જ્યારે માધવપુરનો મેળો લગ્નગ્રંથિથી જોડાયા બાદ નવદંપતીઓને રાધાકૃષ્ણ જેવું જીવન જીવવાના સંકલ્પ ની યાદ અપાવે છે અને ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો જીવનની આથમતી સંધ્યાએ જીવ અને શિવની ઉપાસના કરવાની શુભભાવના સાથે જોડાયેલો છે.

ભવનાથમાં મેળા દરમિયાન કાગડા દેખાતા નથી
આશ્ચર્ય અને નવાઈની વાત તો એ છે કે દર વર્ષે ભરાતા આ મહા શિવરાત્રીના મેળામાં ભાગ લેવા માટે લાખો લોકો આવે છે જેના માટે અનેક જગ્યાએ હેઠળ શરૂ કરાય છે તો દરરોજ લાખોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લે છે પરંતુ આ વિસ્તારમાં એક પણ કાગડો જોવા મળતો નથી આમ કેમ બને છે છતાં પણ બને છે વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.

ત્રણ દિવસ સુધી સંતવાણી, લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો
વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં  વિવિધ લોકડાયરાના કાર્યક્રમ સંતવાણી તથા હાસ્ય રસ ના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શિવ ભજન, સંગીત ગીત સોરઠી લોકસાહિત્ય, દુહા છંદ ભજન તબલા સહિતના વાદનો દ્વારા કલાકારો પ્રસ્તુતિ કરશે. તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ લોકસાહિત્યકાર  અમુદાનભાઈ ગઢવી, હાસ્ય કલાકાર  જીતુભાઈ દ્વારકાવાળા, લોકગાયિકા  મંજુલાબેન ગૈાસ્વામી, લોકગાયક  મિતુલભાઈ જીલડીયા,તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ સરસ્વતી લોકસંગીત અને નૃત્ય કલાવૃંદ(શારદાબેન બારોટ) દ્વારા હુડો રાસ, લોકસાહિત્યકાર  શિવરાજભાઈ વાળા, લોક ગાયક  હેતલબેન વાઢીયા, ભજનીક નરેશભાઈ રાવલ, લોક ગાયક  સાગરભાઇ કાચા, લોકગાયક  જયદીપભાઇ ગઢવી,તારીખ ૧૭ ના રોજ કથક નૃત્ય જશોદાબેન પટેલ નૃત્યાલય એકેડેમી, અમદાવાદ, લોકસાહિત્યકાર  રાજભા ગઢવી, ભજનીક દિવ્યેશભાઈ જેઠવા, લોકસાહિત્યકાર જીતુભાઈ દાદ, પાશ્વ ગાયક  દિપકભાઈ જોશી દ્વારા લોક સાહિત્યની વિવિધ  કૃતિઓ રજૂ કરવામાં આવશે.


ભરડાવાવ ગિરનાર દરવાજાથી ભવનાથ જવા માટે રસ્તાને પ્રવેશબંધી
મહાશિવરાત્રિના મેળા દરમિયાન તારીખ ૧૫  ફેબ્રુઆરીથી૧૮ સુધી ભરડાવાવ ગિરનાર દરવાજાથી ભવનાથ જવા માટે વાહનોને પ્રવેશબંધી ફરમાવાઈ જોકે એસ.ટી.બસ મીની બસ તથા રીક્ષા ચાલકો માટે જવાની પરવાનગી આપવામાં આવી છે. તો આ ઉપરાંત મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ એકઠા થવાના હોય જેથી ગીરનાર તળેટી માં જવા માટે ભરડાવાવ થઈ સ્મશાન પાસેથી તથા ભવનાથ ગ્રાઉન્ડ સુધી વાહનો જઈ શકશે. ભવનાથ ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગ પોઇન્ટ માં તમામ પ્રકારના વાહનો પાર્કિંગ કરી શકશે.મેળા દરમિયાન પાજ નાકા પાસે   નો-પાર્કિંગ ઝોન કરાયો અને ભવનાથના મેળામાં બળદગાડી અને ઘોડાગાડી જેવા વાહનો લઇ જવા પર પ્રતિબંધ: - ભવનાથમાં લાખો ભાવિકોના આગમનને પગલે પાજ નાકા પુલ પુલ પર ના રસ્તાને નો-પાર્કિંગ ઝોન કથા ટ્રાફિક નિયમન માટે ૧૫ ફેબ્રુઆરી થી૧૮  ફેબ્રુઆરી   સુધી ઊટ ગાડી ઘોડા ગાડી બળદગાડી જેવા વાહનો લઈ જવા માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી.

પ્રાથમિકથી લઇ આઇસીયુ સુધીની સારવાર વ્યવસ્થા
મહાશિવરાત્રિના મેળા દરમિયાન લાખો ભાવિકોના આરોગ્ય અને સુખાકારી માટે આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે મુખ્યત્વે ૪ સ્થળોએ જરૂરી મેડિકલ દવાખાનાઓમાં તથા ટીમ તથા લાખો ભાવિકોના આરોગ્યની સુખાકારી માટે જિલ્લા આરોગ્ય શાખા તથા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ની ટીમ દ્વારા મુખ્યત્વે ૩ સ્થળોએ કામ ચલાવ દવાખાના દ્વારા દવાઓ તથા સાધનો સાથે સ્ટેન્ડબાય રહેશે જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો  શિલ્પા જાવિયા ના માર્ગદર્શન નીચે    જેમાં મેડિકલ ઓફિસરોની ટીમ ખડેપગે રહેશે .આરોગ્ય વિષયક સવલત આપવા ૬ એમ્બ્યુલન્સ ભવનાથ મંદિર મેઈન દવાખાના ઝોનલ ઓફિસ ખાતે,ભવનાથ રેસ્ટ હાઉસ દવાખાના, અને પ્રેરણા ધામ ખાતે  એમ ૩ દવાખાના શરૂ થશે. જેમાં ચોવીસ કલાક મેડિકલ ઓફીસરો,ફાર્માસીસ્ટ  ફરજ બજાવશે. જેથી  કોઈ પણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી શકાય. વધુમાં એક ટીમ ગિરનાર પર્વત ઉપર દેરાસર  ખાતે હાજર રહેશે.મેળા દરમિયાન  યાત્રાળુઓની જાહેર સુખાકારી અને  આરોગ્ય જળવાઈ રહે એ માટે મેળા વિસ્તારમાં પાણીમાં ક્લોરીનેશન અને સેનિટેશન ની કામગીરી માટે દવાખાના અને મોબાઇલ યુનિટમાં ૨-૨ પેરામિડિકલ સ્ટાફ ને રખાશે. ભવનાથ તળાવની પાળી સામે જુના પેટા કેન્દ્રમાં , ભવનાથ રેસ્ટ હાઉસ ની બાજુમાં, પ્રેરણા ધામ, અને મોબાઈલ દવાખાનુ એમ ૪  સ્થળોએ કામચલાઉ દવાખાના તેમજ ગિરનાર પર્વત પર ૨ તબીબોની ટીમોને ૨ખાશે.દરેક ટીમોમાં મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ સહિતની ટીમ ને ઈમરજન્સી દવા, સાધનો, ઓક્સિજન સિલિન્ડર અને સ્ટ્રેચર સહિતની સારવારલક્ષી સુવિધાઓ સાથે ખડેપગે રહેશે.સિવિલ હોસ્પિટલ  ની ટીમ દ્વારા ભવનાથ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ અથવા નાકોડા આરોગ્ય કેન્દ્ર ખાતે આઈસીયુ વેન્ટિલેટર સાથે સારવારલક્ષી સુવિધા કાર્યરત કરાશે. આકસ્મિક પરિસ્થિતિમાં દર્દી ને સારવાર મળી રહે તે માટે ભવનાથ તળેટીમાં કામચલાઉ દવાખાના માં ૨ અને રેસ્ટ હાઉસમાં ૨ મળી ૪ એમ્બ્યુલન્સ અને ૨ રિઝર્વ એમ્બ્યુલન્સ મળી કુલ ૬  એમ્બ્યુલન્સ. આ ઉપરાંત દામોદર કુંડ, પાજનાકા પુલ, મજેવડી દરવાજા, ભવનાથ તળેટી  સહિતના વિસ્તારોમાં ૧૦૮ ની એમ્બ્યુલન્સ પણ ખડેપગે રાખવાની કામગીરી ની તૈયારી કરવામાં આવી  છે . 


જેમાં કામ ચલાવ દવાખાનામાં ભારતી આશ્રમ પાસે, જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ પાસે, ભવનાથ નાકોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ ત્રણ સ્થળે  મોબાઇલ મેડિકલ વાન કાર્યરત, ગિરનાર પર્વત પર જૈન દેરાસર ખાતે એમ  અલગ-અલગ સ્થળોએ જરૂરી દવાઓ આપવામાં આવશે જિલ્લા.આરોગ્ય વિભાગની ટીમ સાથે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ડો  શૈલેષ ચુડાસમા પણ તેની ટીમ સાથે સ્ટેન્ડબાય રહેશે.    

સવા બસો સફાઇ કામદારો
શિવરાત્રીના મેળામાં રાઉન્ડ ધી ક્લોક સફાઇની કામગીરી કરવામાં આવશે. આ માટે ૨૨૫ સફાઇ કામદાર, ૧૭ સુપરવાઈઝર, ૨ જનરલ સુપરવાઈઝર અને ૧ લાઈઝીનીંગ અધિકારીને ફરજ સોંપવામાં આવશે. ભવનાથમાં કુલ-૯ સફાઇ રૂટ નિયત કરાયા છે. અન્નક્ષેત્રોમાંથી ૬ ડોર ટૂ ડોર વાહન મારફત ત્રણ દિવસ કચરો એકત્રિત કરાશે.  નાયબ મ્યુ. કમિશનર જયેશ વાજા ના માર્ગદર્શન  હેઠળ સેનિટેશન સુપ્રીડેન્ટ  કલ્પેશ ટોલિયા ના નિદર્શન નીચે ભવનાથ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ સ્ટેન્ડબાય રહેશે તો આ ઉપરાંત ઉતારાઓ પાસે પણ તથા દુકાનો ધર્મશાળાઓ પાસે પણ ગંદકી ન ફેલાય તે માટે મહાનગરપાલિકાની સેનિટેશન શાખાની ટીમ ખડે પગે રહેશે

મહાપાલિકા દ્વારા રસ્તા, લાઇટ, પાણી, સફાઇ વ્યવસ્થા
તા. ૧૫થી ૧૮  ફેબ્રુઆરી સુધી શિવરાત્રિના મેળા દરમ્યાન મહાનગર પાલિકા તંત્ર દ્વારા   ભાવિકોના આગમનને પગલે રસ્તા ,લાઈટ, પાણી, સફાઈ, સહિતને વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કમિશનર રાજેશ તન્ના અને મેયર ગીતાબેન પરમાર ,ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા અને સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઇ પરસાણા ના માર્ગદર્શન નીચે કરવામાં આવતી કામગીરીમાં વોટરવર્કસ ઇજનેરને અલ્પેશ ચાવડા  ના માર્ગદર્શન નીચે યાત્રાળુઓને શુદ્ધ પાણી મળી રહે તે માટે અલગ-અલગ સ્થળોએ  ભવનાથ ક્ષેત્રમાં આવેલ ૫ કુવા તથા ૧૧ બોરના પાણીનુ કલોરીનેશન કરવામાં આવ્યુ છે. ભવનાથ ક્ષેત્રમાં ખાનગી માલીકીના કુલ-૩૬ કુવા તેમજ ૧૬ બોરના પાણીને કલોરીનેશન કરવામાં આવ્યા છે. ભવનાથ ક્ષેત્રમાં મેળા દરમિયાન ૫૦૦૦ લીટરની ક્ષમતાવાળી કુલ ૬૦ પીવાના પાણીની પી.વી.સી. ટાંકીઓ મુકવામાં આવશે. આ ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે સુપરવિઝન પણ કરાશે.
ભવનાથ ક્ષેત્રમાં ૫૦૦૦ લીટરની કુલ-૫૬ પી.વી.સીની ટાંકીઓ જૂદા જૂદા સ્થળે મુકવામાં આવી છે. તેમજ હાઈડન પણ ફીટ કરવામાં આવેલ છે. ભવનાથ ક્ષેત્રમાં આવેલ તમામ શૌચાલોયમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉતારા મંડળોને પાણીના કનેકશનો આપવામાં આવેલ છે.

ભવનાથ-જૂનાગઢમાં આરોગ્ય પોલીસ, પાલિકા, વનખાતું, કલેકટર તંત્ર ખડેપગે
ગરવા ગિરનારની ગોદમાં ભરાતા મહાશિવરાત્રીના મેળામાં ઉમટી પડતા લાખો ભાવિકોની મેદની ના જાનમાલનું રક્ષણ માટે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, મહાનગર પાલિકા તંત્ર અને વનતંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરીને ઓપ આપી રહ્યા છે.    

સ્પેશ્યલ ટ્રેનોમાં પણ પોલીસ બંદોબસ્ત
જુનાગઢ માં તા ૧૫ થી ૧૮ સુધી યોજાનારા મહાશિવરાત્રી મેળાને લઇ મુસાફરોના પરિવહન માટે રેલ્વે દ્વારા બે વધારાની  મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે આ ઉપરાંત જૂનાગઢ સ્ટેશન પર આવતી દૈનિક ૨૦ ટ્રેનોમાં પણ વધારાના બે કોચ વધારવામાં આવશે. રેલવે પર ચડી મુસાફરી કરતા રોકવા ટ્રેનમાં જ આરપીએફ અને જી.આર.ડી ની ટીમો સ્કોર્ડીંગ કરશે અને બંદોબસ્ત માટે વધારા ગરવા ગિરનારની ગોદમાં નો સ્ટાફ મુકાશે. 


તા ૧૫થી ૧૯ દરમિયાન જૂનાગઢ રાજકોટ અને  જુનાગઢ કાસિયા મીટર ગેજ ટ્રેન મળી બે વધારાની ટ્રેનો શરૂ કરાશે આ ઉપરાંત રેલવે સ્ટેશન પર આવતી ૨૦ દૈનિક ટ્રેનમાં ૨ ડબ્બાઓ વધારવામાં આવશે. રેલવે સ્ટેશનમાં ટ્રાફિકને પગલે મુસાફરોને ટીકીટ લેવા મુશ્કેલી ન પડે તે માટે બે વધારાની ટિકિટ બારીઓ શરૂ કરાશે. શિવરાત્રી મેળાને લઇ  રેલ્વેસ્ટેશને આવતા પ્રવાસીઓની  સુરક્ષા અને સલામતી માટે ૫૦ થી વધુ આરપીએફ અને૧૦૦ થી વધુ જીઆરડીના જવાન અલગ અલગ શિફ્ટમાં ખડે પગે રહેશે. આ ઉપરાંત રેલવે સ્ટેશને ડોગ અને બોમ્બ સ્કવોડની ટીમ મેટલ ડિટેક્ટર સાથે ખડેપગે રહેશે અને  બેગ સ્કેનર દ્વારા મુસાફરોના સામાન ચકાસણી સહિતની સુરક્ષાલક્ષી કામગીરી કરવામાં આવશે.  જીવના જોખમે ટ્રેન ઉપર બેસીને  આવતા યાત્રીકોને અટકાવવા  મીટરગેજ ટ્રેન સહિતની ટ્રેનોમાં બે જીઆરડી અને બેઆરપીએફ ના સ્ટાફની ટીમ ટ્રેનમાં સ્કોડિંગ માટે તેૈનાત રહેશે.

વોકી ટોકીથી સજ્જ પોલીસની ચાંપતી નજર
મહાશિવરાત્રીના મેળામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા શહેર તથા ભવનાથના વિવિધ રૂટ ઉપર ૪૦ થી વધુરાવટી તથા વોકી ટોકી થી સજ્જ પોલીસ જવાનો તેમજ સીસીટીવી અને કંટ્રોલ રૂમની બાજનજર રહેશે મહાશિવરાત્રીના મેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને આઈજી  મયંકસિંહ ચાવડા ના માર્ગદર્શન નીચે એસ.પી રવિ તેજા વાસમ સેટી, નાનીદર્શન નીચે ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એલસીબી પીઆઈ સિંધવ ,એસઓજી પીઆઇ ભાટી ,પી.એસ.આઇ બડવા ભવનાથ પોલીસનાં ચુડાસમા તથા ટ્રાફિક પોલીસ અને વિવિધ પોલીસ મથકના પીઆઈ ઉપરાંત ૧૪૦૦ થી વધુ પોલીસ જવાનો સ્ટેન્ડબાય રહેશે. તો આ ઉપરાંત સમગ્ર મેળામાં ૩૬ સીસીટીવી કેમેરા દ્વારા વિવિધ સ્થળો પર ચાંપતી નજર રાખવામાં આવશે.ત્રણ કંટ્રોલરૂમ ૨૪ કલાક કાર્યરત રહેશે. 
 ટ્રાફિક બંદોબસ્ત માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવ્યો છે જે અંતર્ગત  પાસ વગરના વાહનોને  ભરડાવાવ અને સોનાપુરી થી આગળ જવા દેવામાં નહીં આવે તેમ જ મેળા દરમિયાન ટ્રાફિક બંદોબસ્ત જળવાય તે માટે બહારથી આવતા વાહનો માટે વિવિધ સ્થળોએ પાર્કિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે તેમાં શશીકાંતભાઈ દવેની વાડી ,ડોલરભાઈ કોટેચા ની વાડી, કાળુભાઈ સુખ વાણી ની વાડી , નીચલા દાતાર પાર્કિંગ ઉપરાંત વૃદ્ધાશ્રમ અપના ઘર ની સામે તથા જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે 

બસ સ્ટેન્ડ-ભવનાથ વચ્ચે એકસ્ટ્રા મિનિબસ સેવા
- એસટી વિભાગ દ્વારા  
- ૫૬મીની બસો જુનાગઢથી ભવનાથ માટે 
- ૧૭૩  ડીલક્ષ બસ   
 એસ.ટી.ના ડિવિઝનલ કન્ટ્રોલર  શ્રીમાળી ના માર્ગદર્શન નીચે નાયબ પરિવહન અધિકારી  ધામા ના નિદર્શન નીચે ડેપો મેનેજર ચૌધરી તેમજ તેની ટીમ દ્વારા મેળા દરમિયાન એસટી બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધી માં ૨૦ રૂપિયા ટીકીટ દર સાથે સવારે છ થી રાત્રે દસ વાગ્યા સુધી બસ કાર્યરત રહેશે તેમજ રાઉન્ડ ધ ક્લોક ઓનલાઈન બુકિંગની સુવિધા પણ શરૂ કરવામાં આવેલ છે

ફાયર વિભાગની ૪ ટીમ ૪ સ્થળે તૈનાત
સંભવિત આગજનીના બનાવો ને ટાળવા કમિશનર રાજેશ તન્ના ના માર્ગદર્શન નીચે ફાયર સુપ્રીડેન્ટ જાની ના નિદર્શન નીચે ફાયરની ટીમ  અલગ-અલગ ૪ સ્થળોએ ખડે પગે રહેશે જેમાં ભવનાથ ઝોનલ ઓફિસ ખાતે, ભવનાથ પોલીસ ચોકી પાસે, રીંગરોડ, જીલ્લા પંચાયત રેસ્ટ હાઉસ પાસે ચાર અલગ-અલગ સ્થળોએ ફાયરની ટીમ જરૂરી ફાયર ફાયટર સાથે સ્ટેન્ડબાય રહેશે, તો આ ઉપરાંત ધોરાજી અને કેશોદની ફાયરની ટીમ પણ સ્ટેન્ડબાય રહેશે. ફાયર વિભાગ દ્વારા સંભવિત આગજની માટે કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૫ (૨૬ ૨૦ ૮૪૧) પર સંપર્ક કરવા જણાવ્યું છે તો ફાયરની ટીમ સાથે જરૂરી એમ્બ્યુલન્સ તથા બે બુલેટ પર ફાયરના જવાનો ખડેપગે રહેશે.

અવિરત વીજ પુરવઠો જાળવવા ૧૦૦ વીજ કર્મીઓ ફાળવાયા
 ભવનાથ તળેટી ખાતે યોજાનાર મહાશિવરાત્રીના મેળામાં અવિરત વીજ પુરવઠો જાળવવા પીજીવીસીએલની જરૂરીયાત મુજબ ૨૯ ટીમો ખડેપગે રહી વીજ વ્યવસ્થા સંભાળશે. જેમાં નાયબ ઇજનેર, લાઇન સ્ટાફ, હેલ્પર સહિત કુલ ૧૦૦ જેટલા વીજ કર્મીઓ વીજ વ્યવસ્થા સંભાળશે. જૂનાગઢ પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર પરમાર ના માર્ગદર્શન હેઠળ  કાર્યપાલક ઇજનેર કરંગીયા, વસાવા, ભીમાણી સહિતના ઇજનેરો ના માર્ગદર્શન નીચે, લાઇન સ્ટાફ, હેલ્પર સહિત ૧૦૦ વીજ કર્મીઓ મેળામાં વીજ વ્યવસ્થા સંભાળશે.જુદા-જુદા સ્થળો પર કુલ ૨૯ ટીમો  જેમાં ગિરનાર દરવાજા તથા ૧૩૨ કે.વી.ભવનાથ સબ સ્ટેશનથી લઇ ભવનાથ તળેટી  સુધીના સબ સ્ટેશન , તળેટી વિસ્તારમાં ૨ નવા સબ સ્ટેશન, ૧૩ અન્ન ક્ષેત્ર અને૧૨ હંગામી સ્ટોલ માં વીજ જોડાણ તથા પાવર ચેન્જ ઓવર માટે જુદા જુદા સ્થળોએ એક દિવસની ત્રણ શીફ્ટ એમ ૪ દિવસો માટે જુદા-જુદા પેટા વિભાગીય કચેરીઓના અનુભવી કર્મચારીઓ તથા અધિકારીઓની ટુકડીઓ ફરજ પર રહેશે. 

૧૫ હાઇમાસ્ટ લાઇટિંગ ટાવર, એલઇડી બિગસ્ક્રીન
રવેડીના સમયે લાઈટીંગ વ્યવસ્થા કરવામાં આવશે. જે અંતર્ગત હાઈમાસ્ટ ટાવર-૧૫, ટયુબ લાઈટ-૩૦૦૦, એલ.ઈ.ડી. ફલ્ડ લાઈટ-૭૦૦તેમજ પાંચ સ્થળે જનરેટર(સોનાપુર, જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, શનિદેવ મંદિર પાસે, ભવનાથ પ્રાથમીક શાળા પાસે, રૂપાયતન રોડ પાસે)ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જીવંત પ્રસારણ અર્થે એલ.ઈ.ડી. સ્ક્રીન(મંગલનાથ જગ્યા ઉપર, દત્ત ચોક, ઇન્દ્રભારથી ગેઈટ પાસે, ભગીરથ વાડી પાસે, પોલીસ ચોકી સામે) તેમજ સાઉન્ડ સીસ્ટમ રાખવામાં આવેલ છે.

ભવનાથમાં મોબાઇલ ફ્રિકવન્સી વધારાશે
ભવનાથ મેળામાં લાખો ભાવિકો આવતા હોય કોમ્યુનિકેશન જળવાય રહે તેમજ યાત્રિકોને મોબાઈલ નેટવર્ક મળી રહે તે માટે મોબાઈલ કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ છે. જેમાં મોબાઈલ કોલની ફ્રિકવન્સીમાં વધારો કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી 

પાંચ સ્થળે મોબાઇલ ટોઇલેટ
મહાશિવરાત્રીના મેળામાં ગંદકી ન થાય તે માટે તંત્ર દ્વારા લોક સહયોગ મેળવી ઝુંબેશ હાથ ધરાશે. જરૂરિયાત મુજબ ભારતી આશ્રમ ગ્રાઉન્ડ, મંગલનાથબાપુની જગ્યા પાસે, જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ અને કચ્છી ભવન પાસે ૫ મોબાઈલ ટોઇલેટ મુકવામાં આવશે.

બે પ્રવાસી માહિતી કેન્દ્ર
લાખો ભાવિકો ને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને જરૂરી માહિતી મળી રહે તે માટે તેમજ પરિવાર સાથે વિખુટા થવાના બનાવમાં મહાનગરપાલિકા દ્વારા બે પ્રવાસી માહિતી કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે . એક માહિતી કેન્દ્ર દત ચોક ખાતે અને અન્ય ભવનાથ ઝોનલ ઓફિસ પાસે કાર્યરત રહેશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application