જામનગર પંથકમાં શરાબની હેરાફેરી કરતા ચાર પકડાયા : ૩ ફરાર
ગ્રેઇન માર્કેટમાં ૮૪ બોટલ અને ૫૬૫ ચપલા કબ્જે : રડાર રોડ, રણજીતસાગર રોડ, કાલાવડ અને ધુંવાવમાં દરોડા
જામનગર શહેર-જીલ્લામાં દેશી વિદેશી દારૂ અંગે પાંચ સ્થળોએ દરોડા પાડીને ૪ને પકડી લેવાયા હતા, ૩ ફરાર થઇ ગયા હતા, પોલીસ દ્વારા શરાબની નાની મોટી બોટલો અને કાર કબ્જે કરવામાં આવી છે. ગ્રેઇન માર્કેટ, રડાર રોડ, રણજીતસાગર રોડ અને કાલાવડ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગરના પટેલપાર્ક શેરી નં. ૩માં રહેતા મોબાઇલ રીપેરીંગનું કામ કરતા હિતેન ગોવિંદ ટાંક નામના શખ્સને ઇંગ્લીશ દારૂની હાફ બોટલ સાથે રણજીતસાગર રોડ ગુટી કોમ્પ્લેક્ષ પાસેથી પકડી લીધો હતો. જયારે નવાગામ ઘેડ માતૃ આશિષ સોસાયટીમાં શેરી નં. ૩માં રહેતા કુલદીપસિંહ બહાદુરસિંહ ઝાલા અને જામનગરના વિશાલ હોટલ પાસે રહેતા દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ નામના શખ્સો ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરે છે એવી બાતમીના આધારે સીટી-બી પોલીસ દ્વારા ગ્રેઇન માર્કેટના શુલભ સૌચાલય પાસે દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે દરોડા દરમ્યાન અલગ અલગ કંપનીની વિદેશી દારૂની ૮૪ બોટલ અને ૫૬૫ ચપટા મળી કુલ ૧.૫૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો, રેઇડ દરમ્યાન આરોપીઓ નાશી ગયા હતા. બંનેની સામે ફરીયાદ નોંધી તપાસ આગળ ધપાવી છે.
આ ઉપરાંત શહેરના ગોકુલનગરમાં આવેલ મથુરા સોસાયટીમાં રહેતા કલ્પેશ અમુ પરમાર અને ગોકેલનગરના દલવાડી નગરમાં રહેતા શાંતી દયાળજી સોનગરા આ બંને શખ્સોને કાર નં. જીજે૩એફકે-૩૬૭૬માં ઇંગ્લીશ દાની નાની મોટી બોટલ લઇને રડાર રોડ પરથી નીળકતા સીટી-સી પોલીસે દબોચી લીધા હતા કુલ એક લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.
જયારે કાલાવડના કુંભનાથપરામાં રહેતા અમીર બાકીલભાઇ સીરમાન નામના શખ્સને ઇંગ્લીશ દારૂના ૧૨ ચપટા સાથે ગામના બસ સ્ટેન્ડ રોડ પરથી ટાઉન પોલીસે પકડી લીધો હતો. તેમજ અલીયા ગામમાં રહેતા અજય રામ મકવાણા નામનો શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે એવી બાતમીના આધારે પંચ-એ પોલીસે દરોડો પાડીને આરોપીના ધુંવાવ ખાતેના ભોગવટાના મકાનેથી ૮ લીટર આથો, ૩ લીટર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.