જામનગર: રોટરી ક્લબ 'છોટી કાશી' દ્વારા જી.જી. હોસ્પિટલને અંદાજે ₹70 લાખના 17 અદ્યતન CPAP સ્ટેશન અને મલ્ટીપેરા મોનિટરનું અનુદાન
સૌરાષ્ટ્રના હજારો નવજાત શિશુઓ માટે જીવનદાયી ભેટ
અષાઢી બીજના પાવન દિવસે માનવસેવાનું અનોખું ઉદાહરણ; તબીબોએ કહ્યું – "આ ભેટ અસંખ્ય નવજાત બાળકોને નવું જીવન આપશે"
સમાજસેવા, આરોગ્ય અને માનવતાના ક્ષેત્રે સતત નોંધપાત્ર કામગીરી કરતી રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગર દ્વારા અષાઢી બીજના પાવન અવસરે સૌરાષ્ટ્રના નવજાત શિશુઓ માટે એક ઐતિહાસિક અને જીવનદાયી ભેટ અર્પણ કરવામાં આવી છે. જામનગરની ગુરુ ગોવિંદસિંહજી (જી.જી.) હોસ્પિટલના બાળરોગ વિભાગના નવજાત શિશુ સઘન સારવાર એકમ (NICU)ને અંદાજે રૂ. 70 લાખના ખર્ચે 17 અદ્યતન Neonatal Bubble CPAP Stations with Multi Parameter Monitorનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે ભવિષ્યમાં હજારો નવજાત બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે ઓળખાતી જી.જી. હોસ્પિટલમાં દર વર્ષે જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતના અનેક જિલ્લાઓમાંથી ગંભીર હાલતમાં જન્મેલા નવજાત શિશુઓ સારવાર માટે આવે છે. સમય પહેલાં જન્મેલા બાળકો, ઓછા વજનના નવજાત શિશુઓ તેમજ શ્વાસની ગંભીર તકલીફ ધરાવતા બાળકો માટે CPAP મશીન અત્યંત મહત્વપૂર્ણ સાધન ગણાય છે.
રોટરી ક્લબ 'છોટી કાશી'ના સેક્રેટરી (વર્ષ 2025-26) ચેતન બાકરાણિયાએ જણાવ્યું હતું કે જી.જી. હોસ્પિટલમાં કાર્યરત જૂના CPAP મશીનો તેમની કાર્યક્ષમ અવધિ પૂર્ણ કરી રહ્યા હોવાનું જાણવા મળતા, દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ક્લબ દ્વારા માત્ર જરૂરી મશીનો જ નહીં પરંતુ ભવિષ્યમાં કોઈ મશીન મેન્ટેનન્સમાં જાય તો પણ સારવારમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે વધારાના સ્પેર મશીનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે કુલ 17 અત્યાધુનિક CPAP સ્ટેશન હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે NICU ઇન્ચાર્જ ડૉ. મૌલિક શાહે જણાવ્યું હતું કે જી.જી. હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્ર માટે નવજાત શિશુઓની સારવારનું મુખ્ય કેન્દ્ર છે. ખાસ કરીને પ્રિમેચ્યોર બાળકોના ફેફસાં પૂરતા વિકસેલા ન હોવાથી તેમને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે. આવા સમયે CPAP મશીન બાળકના ફેફસાંમાં સતત હકારાત્મક વાયુ દબાણ જાળવી રાખીને શ્વાસોચ્છ્વાસ સરળ બનાવે છે અને અનેક વખત બાળકનો જીવ બચાવવામાં નિર્ણાયક સાબિત થાય છે. તેમણે ઉમેર્યું કે આ નવા સાધનો હોસ્પિટલની સારવાર ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને અસંખ્ય નવજાત બાળકોને નવી જિંદગી આપશે.
બાળરોગ વિભાગના વડા ડૉ. સોનલ શાહે પણ રોટરી ક્લબ અને તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકારી હોસ્પિટલમાં આવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખાનગી હોસ્પિટલ જેવી ગુણવત્તાયુક્ત સારવાર સરળતાથી મળી શકશે.
જી.જી. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. વિજય પોપટે આ અનુદાનને હોસ્પિટલ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સમાજસેવી સંસ્થાઓ અને તબીબી સંસ્થાઓ વચ્ચેનો આવો સહયોગ આરોગ્યસેવાઓને વધુ મજબૂત બનાવે છે અને દર્દીઓ સુધી આધુનિક સારવાર પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવે છે.
આ સમગ્ર પ્રોજેક્ટનું આયોજન અને અમલીકરણ રોટરી વર્ષ 2025-26 દરમિયાન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટના ચેરમેન તરીકે ચેતન બાકરાણિયા, જયેશ પતિરા અને જસ્મિન પટેલે સતત મહેનત કરીને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું. જ્યારે રોટરી વર્ષ 2025-26ના પ્રમુખ વત્સલ ખીમસિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ ગ્રાન્ટનું પેપરવર્ક તથા આંતરરાષ્ટ્રીય સંકલનની મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેના પરિણામે આ મહત્ત્વાકાંક્ષી સેવાકીય પ્રોજેક્ટ સાકાર બની શક્યો છે.
આ પ્રોજેક્ટને સાકાર બનાવવામાં રોટરી ઇન્ટરનેશનલ ડાયરેક્ટેડ ગિફ્ટ અંતર્ગત માતૃશ્રી ઇલાબેન રસીકલાલ શેઠ અને પરિવાર, ભરૂચનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આ અદ્યતન સાધનોનું હસ્તાંતરણ પરાગ શેઠ, રોટરી ઇન્ટરનેશનલ ગ્લોબલ લીડરશીપ એડવાઇઝર – આરોગ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન અને સહયોગથી સમગ્ર પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે મજબૂત આધાર મળ્યો હતો.
આ ઉપરાંત દયાલજીભાઈ પ્રાગજીભાઈ નકુમ અને પરિવાર દ્વારા રોટરી ક્લબ 'છોટી કાશી'ના સભ્ય વિજય નકુમ (સુજાતા ગ્રુપ ઓફ કંપનીઝ) મારફતે ઉદાર સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ મારુહર ફાઉન્ડેશન તરફથી પારસ શાહ દ્વારા, સ્પર્શ બાયો-ટેક પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી પણ આ માનવસેવાના પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
રોટરી ક્લબના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ માત્ર સાધનોનું દાન નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવસેવાના મૂલ્યોનું જીવંત પ્રતિબિંબ છે. ભવિષ્યમાં પણ આરોગ્ય, શિક્ષણ અને સમાજકલ્યાણના ક્ષેત્રે આવા લોકઉપયોગી પ્રોજેક્ટો દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવાનો સંકલ્પ સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તબીબોના જણાવ્યા મુજબ આ નવા CPAP સ્ટેશન અને મલ્ટીપેરા મોનિટરની મદદથી નવજાત શિશુઓની સારવાર વધુ ઝડપી, વધુ સચોટ અને વધુ અસરકારક બનશે. સમય પહેલાં જન્મેલા બાળકો માટે આ સાધનો અનેક વખત જીવન અને મૃત્યુ વચ્ચેનો મહત્વપૂર્ણ તફાવત સાબિત થાય છે. તેથી આ અનુદાન માત્ર જી.જી. હોસ્પિટલ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના હજારો પરિવારો માટે આશાનું કિરણ અને નવજાત શિશુઓ માટે સાચા અર્થમાં સંજીવની સમાન ભેટ બની રહેશે.
રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગરની આ પહેલ સમાજમાં સેવાભાવ, સંવેદના અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે. સરકારી હોસ્પિટલમાં આધુનિક આરોગ્યસુવિધા ઉપલબ્ધ કરાવવાની આ પહેલને તબીબો, દર્દીઓના પરિવારજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ હૃદયપૂર્વક આવકારી હતી અને તેને આરોગ્યક્ષેત્ર માટે અત્યંત ઉપયોગી તથા પ્રેરણાદાયી ગણાવી હતી.