જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાને જાનથી મારી નાખવાની ધમકી
અશોક દેવશી અકબરી સામે ફરીયાદ નોંધાવતા કાસમભાઇ ખફી : ભાગીદારીમાં ચાલતા ધંધામાં વાંધો પડયા બાદ કોર્ટમાં પણ કેસ ચાલુ છે : રાજકીય આલમમાં ભારે ચકચાર
જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ ખફીને જાનથી મારી નાખવાની ધમકી દીધાનો મામલો પોલીસ મથકે પહોચતા રાજકીય આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે, આ અંગે તેમણે અશોક અકબરી નામના શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે,ભાગીદારીના ધંધા અને અગાઉ થયેલી ફરીયાદ અરજીઓ બાબતનો ખાર રાખીને આ ધમકી દેવામાં આવી હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે.
જામનગરના કનસુમરા રોડ મસીતીયા વાડી વિસ્તાર ખાતે રહેતા જમીન લે-વેચ, ખેતીનું કામ કરતા અને જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ નુરમામદભાઇ ખફી (ઉ.વ.૫૩) એ ગઇકાલે પંચકોશી-બીમાં જામનગરના અશોક દેવશી અકબરી તથા તપાસમાં જે ખુલે તે તમામ સામે બીએનએસ કલમ ૩૫૧(૩) મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદની વિગત અનુસાર ફરીયાદી કાસમભાઇની અલગ અલગ જગ્યાએ આવેલ મિલકતમાં આરોપી અશોક અકબરી જેઓ પાર્ટનર હોય અને જાન્યુઆરી ૨૦૨૩થી આજ સુધી પોતાના ધંધાની ભાગીદારી અને વહિવટ બાબતે વાંધો તકરાર ચાલતો હતો અને આ બાબતે અગાઉ આરોપી તથા ફરીયાદીએ સામ સામે પોલીસ ફરીયાદ/અરજીઓ કરી હતી તેમજ કોર્ટમાં દાવાઓ દાખલ કરેલ હોય જે બાબતનો ખાર રાખીને આરોપી અશોકે ગત તા. ૧૪-૬-૨૬ પહેલાના સમયગાળામાં મસીતીયા રોડ ન્યુ એરા સાઇટ ખાતે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇને મારી નાખવાની ધમકી દીધાનો મામલો પોલીસ મથકે પહોચતા રાજકીય આલમમાં ચકચાર વ્યાપી છે, ફરીયાદ અનુસંધાને પંચ-બીના પીઆઇ રાઠોડની સુચનાથી એએસઆઇ વાય.બી. જાડેજા તપાસ ચલાવી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય ઓથ ધરાવતા આ કામના આરોપી અશોક અકબરી સામે તાજેતરમાં જ પંચકોશી-બી અને સીટી-બી ડીવીઝનમાં કેફી પ્રવાહી પીધેલાની બે ફરીયાદો દાખલ થઇ ચુકી છે દરમ્યાનમાં આરોપી સામે વધુ એક ફરીયાદ નોંધાવવામાં આવી છે.