કૃષિ મંત્રીના જામનગર જિલ્લામાં યુરિયા માટે ખેડુતો હેરાન: ચકકાજામ

  • July 25, 2023 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ મેઘરાજાએ અતિવૃષ્ટિ જેવી હાલત કરી છે અને ખેડુતોનું વાવેલું બિયારણ પણ હવે મોટેભાગે નાશ થઇ ગયું છે ત્યારે હાલમાં ખેડુતોને યુરિયા ખાતરની ખુબ જ જરૂરીયાત હોય આવા સમયે જ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં યુરિયા ખાતરનો જથ્થો ખલાસ થઇ જતાં યુરિયાના મુદે આજે લાલપુર બાયપાસ ચોકડી ખાતે ચકકાજામ કરીને વાહનો રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, બીજી તરફ કૃષિ મંત્રી પણ જામનગરના હોય તેઓએ ગઇકાલે જ એવું નિવેદન આપ્યું છે કે, રાજયમાં યુરિયા ખાતરની કોઇ તંગી નથી, આ નિવેદન બાદ ખેડુતો રોષે ભરાયા છે.


યુરિયા ખાતર બજારમાં ઉપલબ્ધ નથી તેવું ખેડુતોનું કહેવું છે, આ અંગે અઠવાડીયા પહેલા જ તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ આજ સુધી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી, યુરિયા ખાતર ન હોવાથી ખેડુતોને ખુબ જ તકલીફ પડી રહી છે અને ખરા ટાંકણે યુરિયા ખાતરની તંગી વર્તાઇ રહી છે ત્યારે સરકાર શા માટે ખોટા નિવેદનો કરે છે તેવો પણ ખેડુતોએ આક્ષેપ કર્યો હતો.


આજ સવારથી લાલપુર બાયપાસ ચોકડી પાસે આજુબાજુના ગામડાઓમાંથી ખેડુતો એકત્ર થયા હતાં જયારે યુરિયા ખાતર ઉપલબ્ધ છે તેવું કહેનારા સાચા કોણ ? શાસનકર્તા કે ફરિયાદ કરનાર ખેડુતો ? 


લાલપુર બાયપાસ નજીક જીટીએલ કંપનીના સરદાર સુવિધા કેન્દ્ર ખાતે આજે ૧૫૦થી વધુ ખેડુતોએ હલ્લાબોલ મચાવ્યો હતો, ખેડુતો કહે છે કે, ૧૦-૧૦ દિવસથી અમો રોજ ધકકા ખાઇએ છીએ અને અમોને યુરીયા ખાતરની એક પણ થેલી મળતી નથી, આ કેન્દ્ર ઉપર ખાતરની એક જ ગાડી આવે છે, જેને પરીણામે ખેડુતોને ડીમાન્ડ મુજબ ખાતર મળતું નથી અને આ વાવણીના કિંમતી સમયમાં ખેડુતોને ધકકા થાય છે.


બીજી તરફ કૃષિ સેવા કેન્દ્રના સંચાલકોના જણાવ્યા અનુસાર ખાતરની અછત છે અને કંપનીમાંથી જરૂરીયાત મુજબ ખાતર મળતું નથી અને ગઇકાલે પણ ખાતરનો ટ્રક આવ્યો ન હતો જેને કારણે ખેડુતો ભારે ગુસ્સામાં જોવા મળ્યા હતાં, અમોને ખાતર આપો તેવું કહીને સુત્રો બોલાવ્યા હતાં અને ટ્રાફિક જામ કરી દેતા તાત્કાલીક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો, જો કે કોઇપણ જાતની અનિચ્છનીય ઘટના બની ન હતી, પરંતુ આજે લાલપુર બાયપાસ ચોકડી પાસે આ આંદોલન થયું હતું.


પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળતા ખેડુતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તાત્કાલીક ખાતરનો પુરવઠો નહીં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું, જો વાવણીના સમયે જ યુરીયા ખાતરની અછત હોય તો અમો શું કરીએ ? બીજી તરફ પુરવઠો ઓછો આવતો હોય ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર આપી શકાતું નથી તેવો દાવો પણ સંચાલકોએ કર્યો છે, આમ કૃષિમંત્રીના ગામમાં ખેડુતોએ ચકકાજામ કરીને ભારે હલ્લાબોલ કર્યુ હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application