લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આવશ્યક સેવાકર્મીઓ(Absentee Voters on Essential Service(AVES))ને અપાશે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા

  • March 22, 2024 09:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા સામાન્ય ચૂંટણી-2024

આવશ્યક સેવાકર્મીઓ(Absentee Voters on Essential Service(AVES))ને અપાશે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા
........................... 
•    ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી વીજળી વિભાગ, રેલવે, આરોગ્ય વિભાગ અને ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ સહિત વિવિધ 12 જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી

•    આવશ્યક સેવાકર્મીઓએ ફોર્મ-12Dમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે
................................
Each Vote Counts.લોકશાહીમાં દરેક મત મહત્વનો છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વસમાવેશી બનાવવાના ભાગરૂપે સમાજના તમામ વર્ગો સુગમપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. 

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનયમ-1951 ની કલમ-60(C) અન્વયે મતદાનના દિવસે આવશ્યક સત્તાવાર ફરજોને કારણે મતદાન કરી શકે તેમ ન હોય તેવા મતદારો (Absentee Voters on Essential Service(AVES))માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની સુવિધા આપવામાં આવી છે. 

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.19.03.2024 ના જાહેરનામા ક્રમાંક-52/2024/SDR/Vol.I થી વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, ગુજરાતના આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. 

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવતા કર્મચારીઓ કે જેઓ મતદાર યાદીમાં નોંધાયેલા છે અને જેમને મતદાનના દિવસે તેમની આવી આવશ્યક સત્તાવાર ફરજોને કારણે ફરજ પર હોવાનું પ્રમાણિત કરવામાં આવશે અને મતદાનના દિવસે તેઓ મતદાન માટે મતદાન મથકમાં હાજર રહી શકશે નહીં ફકત તેવા જ મતદારો આવશ્યક સેવા શ્રેણીમાં ગેરહાજર મતદારો તરીકે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર બનશે. 

પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઈચ્છતા ગેરહાજર મતદારે તમામ જરૂરી વિગતો આપીને ફોર્મ-12Dમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. તેમની અરજી સંબંધિત સંસ્થા દ્વારા નિયુક્ત નોડલ અધિકારી દ્વારા પ્રમાણિત કરેલી હોવી જરૂરી છે. પોસ્ટલ બેલેટની સુવિધા માંગતી આવી અરજી સંબંધિત ચૂંટણીની જાહેરાતની તારીખથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી પાંચ દિવસમાં ચૂંટણી અધિકારી સુધી પહોંચાડવી જોઈશે.

ચૂંટણી અધિકારી આવા મતદારોને પોસ્ટલ બેલેટ પેપર આપવા અને મતદાન કરવા માટે પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC) તરીકે યોગ્ય સ્થળ નકકી કરશે. આવશ્યક સેવાઓની કક્ષા માટે અરજી કરનાર લાયક તમામ વ્યક્તિઓને પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC)નું સંપૂર્ણ સરનામું, મતદાનની તારીખો અને સમયની જાણ કરવામાં આવશે. જ્યાં ફોર્મ-12D માં મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરવામાં  આવ્યો હોય તો મોબાઇલ નંબર ઉપર અને અન્ય કિસ્સામાં પોસ્ટ અને/અથવા BLO દ્વારા આ અંગેની જાણ કરવામાં આવશે.

 મતદારોને નિર્ધારિત કરેલા ત્રણ દિવસ પૈકી કોઈપણ દિવસે નિર્ધારિત કલાકો દરમિયાન મત આપવા આવી શકશે. તેઓએ તેમની સાથે પોતાનું સેવા ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની મંજૂરી આપવામાં આવી છે, તેઓ નિર્ધારિત કરેલા પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC) પર જ મતદાન કરી શકશે, અન્ય કોઈ રીતે મતદાન કરી શકશે નહીં. સંબંધિત મતવિભાગના હરિફ ઉમેદવારોને પણ આ અંગે અગાઉથી જાણ કરવામાં આવશે કે જેથી તેઓ ઇચ્છે તો, PVC માં કાર્યવાહી જોવા માટે એજન્ટોની નિમણૂક કરી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application