BREAKING NEWS

હોર્મુઝની ખાડી બંધ થવાના કારણે આડ અસર : જામનગરની ઇલેક્ટ્રોનીક્સ બજાર અસ્તવ્યસ્ત

  • July 04, 2026 12:44 PM 

​​​​​​​

હોર્મુઝની ખાડી બંધ થવાના કારણે આડ અસર : જામનગરની રૂ

યુદ્ધ પૂર્ણ પણ આફત અકબંધ: છેલ્લા ૪ મહિનામાં એસી-ફ્રીઝમાં ૧૦ ટકાથી વધુનો ભાવ વધારો : મોંઘવારીના કારણે ગ્રાહકો ગાયબ, સેમી ક્નડકટર ચીપની અછત અને સપ્લાય ચેન ખોરવાતા વેપારીઓ ચિંતાતુર

ફેબ્રુઆરીથી લઇને લગભગ ૪ મહિના સુધી ઇરાન અને ઇઝરાઇલ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું તેની વૈશ્ર્વિક લેવલે આર્થિક રીતે ઘણું નુકશાન થયું હતું, વિશ્ર્વના ઘણા દેશોને યુદ્ધને કારણે નુકશાની ભોગવવી પડી હતી, જેમાં ખાસ કરીને ભારતને પણ આર્થિક રીતે ઘણું નુકસાન થયું હતું. જેમાં ખાસ કરીને જામનગરની ઇલેકટ્રોનીક બજારમાં માઠી અસર થઇ છે. હાલના આધુનિક ઇલેકટ્રોનીક આઇટમોમાં વપરાતી સેમી ક્નડકટર ​​​​​​ ચીપની અછતને કારણે ઇલેકટ્રોનીક વસ્તુઓમાં ધરખમ ભાવ વધારો થયો છે, જામનગરના વેપારીઓ દ્વારા જણાવ્યા મુજબ છેલ્લા ચાર મહિનાની અંદર લગભગ ૧૦થી ૧૨ ટકા જેટલો કંપનીઓ દ્વારા ભાવ વધારો ઠોકી દેવાયો છે જેના કારણે ગ્રાહકોનાં બજેટ ખોરવાઇ ગયા છે અને હાલ ૨૦ ટકા જેટલો ગ્રાહકોની ખરીદીમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. 

ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે સર્જાયેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક તણાવનો અંત આવી ગયો હોવા છતાં તેની આર્થિક આફતની સીધી અને માઠી અસર સમગ્ર વિશ્વ સહિત ભારતના ક્નઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ માર્કેટ પર લાંબા સમય સુધી લંબાઈ રહી છે.

આ વૈશ્વિક ભૌગોલિક-રાજકીય કટોકટીના પગલે જામનગરના સ્થાનિક ઇલેક્ટ્રોનિક બજારમાં પણ અંધાધૂંધી અને ભારે નુકસાનીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં થયેલા અસહ્ય ઉછાળાથી પ્લાસ્ટિક, પોલિમર અને રેઝિન જેવા કાચા માલના ભાવો ૨૫ ટકા સુધી વધી ગયા હતા, જેની સીધી અસર હોમ એપ્લાયન્સિસના ઉત્પાદન ખર્ચ પર પડી છે. આ સાથે જ ભારતીય રૂપિયાના અવમૂલ્યનને કારણે ડોલર સામે ‚પિયો નબળો પડતાં વિદેશથી આયાત થતા સ્પેરપાર્ટ્સ વધુ મોંઘા બન્યા છે, જેના કારણે સ્થાનિક બજારોમાં મોંઘવારીનો નવો દોર શરૂ થયો છે.

આજકાલ સાથેની ખાસ વાતચીતમાં જામનગરના ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વર્ષોથી મોટી નામના ધરાવતા કેતન ઇલેક્ટ્રોનિકના માલિક દિલીપભાઈ મક્કીમે જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી ઇલેક્ટ્રોનિક આઇટમોના ભાવમાં સતત અને કમરતોડ વધારો થઈ રહ્યો છે. યુદ્ધ શરૂ​​​​​​​ થયું ત્યારથી લઈને આજદિન સુધીમાં બજાર પર સરેરાશ ૧૦ થી ૧૫ ટકા જેટલો અસહ્ય ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આજના સમયમાં આવી રહેલી અત્યાધુનિક અપડેટેડ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં સૌથી મહત્વની ગણાતી સેમીક્નડક્ટર ચિપ આખા વિશ્વમાં માત્ર અમેરિકા, સાઉથ કોરીયા અને તાઇવાન જેવા દેશો જ બનાવે છે, જેમાં ખાસ કરીને સાઉથ કોરિયા અને તાઇવાન વૈશ્વિક ઉત્પાદનનો પચાસ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. યુદ્ધ દરમિયાન ઉભી થયેલી કટોકટીને કારણે આ ચિપની ભારે અછત સર્જાઈ છે અને સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. આ સપ્લાય ચેઈન બ્લોક થવાના કારણે ઇલેક્ટ્રોનિક આઇટમોના સ્પેરપાર્ટ્સની તીવ્ર અછત ઊભી થઈ, જે ભાવ વધારા માટેનો મુખ્ય સ્ત્રોત સાબિત થઈ છે.

કેતન ઇલેકટ્રોનીક્સવાળા દિલીપભાઇએ વધુમાં જણાવતા કહ્યું કે ૧લી જુલાઈથી કંપનીઓ દ્વારા બજારમાં ફરી પાછો ધડખમ ભાવ વધારો ઠોકી દેવામાં આવ્યો છે. આ આર્થિક ફટકાના કારણે જામનગરની બજારમાં અત્યારે ભારે નુકસાની વર્તાઈ રહી છે અને રોજિંદા ગ્રાહકોની સંખ્યામાં અંદાજે ૧૫ થી ૨૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, તેમણે એક અનિવાર્ય સ્થાનિક પરિબળ નોંધતા ઉમેર્યું હતું કે હાલ જામનગર સહિતના સમગ્ર વિસ્તારોમાં આ વર્ષે અસહ્ય અને કાળઝાળ ગરમી પડી રહી હોવાથી માત્ર જરૂ​​​​​​​રિયાત ખાતર ગરમીમાં વપરાતી પ્રોડક્ટ્સ જેવી કે એસી અને ફ્રિજ વગેરેનું વેચાણ ગત વર્ષની સરખામણીએ થોડું વધારે જોવા મળ્યું છે.

બીજી તરફ, જામનગરના ગ્રાહકોમાં વર્ષોથી અતુટ વિશ્વાસ અને પ્રતિષ્ઠા ધરાવતા મહાવીર ઇલેક્ટ્રોનિકના માલિક અર્શ મહેતા જોડે થયેલી ખાસ વાતચીતમાં નવો ખુલાસો થયો છે કે, ભારત સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં આયાત કરમાં કરવામાં આવેલા વધારાથી બળતામાં ઘી હોમાયું છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધની ભલે વૈશ્વિક સ્તરે શાંતિ થઈ ગઈ હોય, પરંતુ તેની ઘેરી અસરો હજુ સુધી જામનગરના સ્થાનિક બજારોમાંથી ભૂંસાઈ નથી. આયાત કરમાં વધારો થવાને કારણે દરેક નાની-મોટી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર તાત્કાલિક અસરથી ૮ થી ૧૨ ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે.

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના દરમાં જે સતત વધારો આવતો હતો, તેના કારણે લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં ઇલેક્ટ્રોનિક બજારને બહુ મોટી માઠી અસર પહોંચી છે. અર્શ મહેતાએ જણાવ્યું કે સેમીક્નડકટર ​​​ચિપની વૈશ્વિક અછત જ આ અનિયંત્રિત ભાવ વધારાનું મુખ્ય અને મૂળ કારણ છે. યુદ્ધના કારણે દરિયાઈ માર્ગે એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી આવતા માલવાહક જહાજો અટકી પડ્યા હતા અને આખી સપ્લાય ચેઈન ઠપ્પ થઈ ગઈ હતી. તેને કારણે જે ઇલેક્ટ્રોનિક આઇટમોનું એસેમ્બલિંગ કે ઉત્પાદન ભારતમાં થતું હતું, તેમાં વપરાતા મહત્વના ચાવીરૂ​​​​​​​પ પાર્ટ્સ બહારના દેશોમાંથી સમયસર ન મળવાને કારણે સ્થાનિક ઉત્પાદકોએ પણ કિંમતોમાં ધરખમ વધારો કરવો પડ્યો છે.

વધુમાં જણાવ્યું કે વેપારીઓને ચાલુ વર્ષે એવી આશા હતી કે રેકોર્ડતોડ ગરમીને કારણે એસી, ફ્રિજ અને કૂલર જેવા સાધનોનું રેકોર્ડ બ્રેક વેચાણ થશે, પરંતુ આ ભયંકર ભાવ વધારાએ વેપારીઓની આશા પર પાણી ફેરવી દીધું છે અને મોંઘવારીના કારણે ગ્રાહકો બજારમાંથી ૧૫ થી ૨૦ ટકા ઓછા થઈ ગયા છે. ગત માર્ચ મહિનાથી શરૂ કરીને અત્યાર સુધીના માત્ર ૪ મહિનાના ટૂંકા ગાળામાં જ એસી અને રેફ્રિજરેટર જેવી પ્રોડક્ટ્સની મૂળ કિંમતોમાં ૧૦ ટકાથી વધુનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. સામાન્ય રીતે દર વર્ષે ઉનાળો આવતા જ સામાન્ય મધ્યમવર્ગીય ગ્રાહકો એવી આશા રાખતા હોય છે કે એસી-ફ્રિજમાં કંપનીઓ કોઈ આકર્ષક ડિસ્કાઉન્ટ સ્કીમ કે એક્સચેન્જ ઓફર આપશે જેથી તેઓ ખરીદી કરી શકે, પરંતુ આ વર્ષે યુદ્ધ અને મોંઘવારીના કારણે બજારમાં તદ્દન ઉંધી અને વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે. આ અણધાર્યા બદલાવથી માત્ર ગ્રાહકો જ નારાજ થયા છે એવું નથી, પરંતુ મોટો સ્ટોક લઈને બેઠેલા સ્થાનિક વેપારી આલમમાં પણ ભારે નિરાશા અને નારાજગી ફેલાઈ ગઈ છે. 
​​​​​​​
આગામી ૬ મહિના સુધી એટલે કે ચાલુ આખા વર્ષ દરમિયાન હવે કોઈપણ પ્રકારે આ ઇલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સિસના ભાવો ઘટવાની દૂર-દૂર સુધી કોઈ સંભાવના દેખાતી નથી, જેના કારણે હાલ સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ બજાર સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત અને અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. હાલ ગ્રાહકોને માત્ર સાતમ-આઠમના તહેવારો અને દિવાળી તેમજ નવા વર્ષની આકર્ષક ઓફરો પર નિર્ભર રહેવું પડશે તેવું જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application