સલાયા, વાડીનાર સહિતના વિસ્તારોમાં વીજતંત્રની ટીમો ત્રાટકી
એક જ દિવસમાં રૂ.૩૩.૭૦ લાખનો દંડ ફટકાર્યો: વિજ ચોરોમાં ફફડાટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. કેતન જોશી, સુપ્રી.ઇજનેર હસીત વ્યાસ તથા કાર્ય. ઇજનેર કેસૂર કરમુરના માર્ગદર્શનમાં ખંભાળીયા ગ્રામ્યના ઇન્ચાર્જ ડેપ્યુટી ઇજનેર સંદીપ રામજીભાઈ નકુમ દ્વારા એક જ દિવસમાં એક સાથે ઢગલાબંધ ટીમોને સલાયા, વાડીનાર જેવા માથાભારે ગણાતા વિસ્તારોમાં વીજ ચેકીંગ માટે મોકલીને કુલ ૪૩ વીજ જોડાણોમાં વીજ ચોરી પકડીને ૩૩.૭૦ લાખનો વીજચોરીનો દંડ વસૂલવા વીજ બિલો અપાતા ગ્રામ્ય પી.જી.વી.સી.એલ.માં સોંપો પડી ગયો હતો.
ડાયરેક્ટ છેડા મારીને તેમજ વીજ મીટરમાં છેડા મારીને વીજ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. ખંભાળીયા ગ્રામ્યમાં તો ડેપ્યુટી ઇજનેર રજા પર હોય, જુનિયર ઇજનેર સંદીપ નકુમ દ્વારા ચાર્જમાં હોવા છતાં હિંમતપૂર્વક સ્ટાફ સાથે કામગીરી કરીને એક જ દિવસમાં ૪૩ વીજ ચોરીના કેસો પકડીને સપાટો બોલાવતા આ યુવાન સતવારા અધિકારીની કડક કાર્યવાહી પ્રશંસાપાત્ર બની છે. પીજીવીસીએલની કડક કામગીરીથી વીજચોરોમાં ફફડાટ જોવા મળી રહી છે.