જામનગર : લાલપુર તાલુકાના ખટીયા-સમાણા હાઈવે પર દીપડો દેખાતા વાહનચાલકો સ્તબ્ધ
કાર ચાલકે વીડિયો કેમેરામાં કેદ કરી સોશ્યલ મીડિયામાં કર્યો વાયરલ: વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ: સાવધાન રહેવા અપીલ
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવો દ્વારા માનવ વસ્તી તરફ સ્થળાંતર કરવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લાલપુર તાલુકામાંથી ભયનો માહોલ પેદા કરતો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. લાલપુર તાલુકાના ખટીયા ગામ નજીકથી પસાર થતા વ્યસ્ત સમાણા હાઈવે રોડની બિલકુલ નજીક દીપડો ખુલ્લેઆમ લટાર મારતો જોવા મળ્યો છે.
આ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારમાં સવાર મુસાફરોની નજર અચાનક રોડ કિનારે ઉભેલા આ હિંસક વન્યજીવ પર પડી હતી. કાર ચાલકે તકેદારીના ભાગરૂપે વાહન ધીમું કર્યું હતું અને કારની અંદર સુરક્ષિત રહીને જ દીપડાની હિલચાલનો પોતાના મોબાઈલ કેમેરામાં વિડીયો શૂટ કરી લીધો હતો. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે દીપડો કોઈ પણ જાતના ડર વગર રોડની સાઈડમાં આવેલી ઝાડીઓ અને પથરાળ વિસ્તારમાં આરામથી ફરી રહ્યો છે.
આ વિડીયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયુવેગે વાયરલ થતાં જ સમગ્ર લાલપુર પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાઈવે પર સતત વાહનોની અવરજવર હોવા છતાં દીપડાની આવી બેખોફ હાજરીને કારણે સ્થાનિક ગ્રામજનો, સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતો અને ખાસ કરીને રાત્રિના સમયે પસાર થતા દ્વિચક્રી વાહનચાલકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ખેડૂતોમાં પોતાના પશુધનની સુરક્ષાને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે.
હાઈવે પર દીપડો દેખાયો હોવાની પાકી માહિતી અને વિડીયો સામે આવતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શૂટર્સ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગ દ્વારા દીપડાના સગડ મેળવવા માટે ટોર્ચ અને આધુનિક સાધનોની મદદથી હાઈવેની આસપાસની ઝાડીઓમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ મોડી રાત સુધી લોકેશન પર હાજર રહીને પેટ્રોલિંગ કર્યું હતું અને દીપડો ફરીથી માનવ વસ્તી તરફ ન આવે તે માટેના ચક્ર ગતિમાન કર્યા છે.
આ સાથે જ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા તે વિસ્તારમાં પાંજું ગોઠવવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓએ સ્થાનિક લોકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે ખેતરોમાં કે અવાવરુ જગ્યાએ એકલા જવાનું ટાળવું અને જો દીપડો ક્યાંય પણ નજરે પડે તો તેની છેડતી કરવાને બદલે તાત્કાલિક વન વિભાગની કંટ્રોલ રૂમ ટીમને જાણ કરવી.