જામનગરની જિલ્લા સરકારી લાયબ્રેરી થશે કોમ્પ્યુટરાઇઝડ

  • March 02, 2023 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતભરની સરકારી લાયબ્રેરીઓના આધુનિકરણ માટે રાજ્યના બજેટમાં ફાળવણી કરવામાં આવી છે ત્યારે પ્રશ્ર્નકાળ દરમ્યાન શહેરના ધારાસભ્યએ ઉઠાવેલા પ્રશ્ર્નના જવાબમાં જવાબદાર મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતભરના પગલે જામનગરની જિલ્લા સરકારી લાયબ્રેરીનું પણ આધુનિકરણ થશે અને રૂ. એક કરોડના ખર્ચે કોમ્પ્યુટરાઇઝડ કરવામાં આવશે.


મંગળવારે વિધાનસભામાં પ્રશ્ર્નકાળ દરમ્યાન ૭૯-વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ પ્રશ્ર્ન કર્યો હતો કે, ગુજરાતની તમામ લાયબ્રેરીઓને કોમ્પ્યુટરાઇઝડ કરવાની મહત્વની જાહેરાત રાજ્યના અંદાજપત્રમાં કરવામાં આવી છે, જે આવકારદાયક છે, કારણ કે લાયબ્રેરી એવું સ્થળ કે જ્યાં વાંચનના શોખીનો અને વિદ્યાર્થીઓ બન્ને લાભ મેળવી શકે છે તથા સાહિત્યથી માહિતગાર થઇ શકે છે.


જામનગર જિલ્લાની સરકારી લાયબ્રેરી પણ આધુનિકરણ માંગે છે, ત્યારે વન-પર્યાવરણ સહિતના ખાતા સંભાળતા કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ ધારાસભ્યના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, તળાવની પાળે આવેલી જિલ્લા સરકારી લાયબ્રેરીના આધુનિકરણ માટે રૂ. એક કરોડની ફાળવણી કરવામાં આવી છે અને આખી લાયબ્રેરી કોમ્પ્યુટરાઇઝડ કરવામાં આવશે.
આમ તો રાજ્યના બજેટમાં દ્વારકાને નવું એરપોર્ટ આપવા સહિતની મહત્વની જાહેરાતો જે તે સમયે બજેટ દરખાસ્ત રજૂ કરતી વખતે સામે આવી હતી, આ સિવાય પણ રાજ્યની સાથે સાથે જામનગરને કેટલાક લાભ મળ્યા છે, જે પૈકી લાયબ્રેરી સંબંધેનો મહત્વનો સવાલ ધારાસભ્યએ ઉઠાવ્યા બાદ જિલ્લા સરકારી લાયબ્રેરીનું પણ ટુંક સમયમાં આધુનિકરણ થશે એ બાબત સ્પષ્ટ થઇ હોવાથી લાયબ્રેરીના શોખીનો તથા વાંચન માટે લાયબ્રેરી પસંદ કરતા લોકોમાં સ્વાભાવિક રીતે આનંદની લાગણી ફેલાઇ છે.


તળાવની પાળે આવેલી લાયબ્રેરીમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ દરરોજ આવે છે, અહેવાલની સાથે આજની અપાયેલી તસ્વીરમાં વિદ્યાર્થીઓ વાંચન કરતા નજરે પડે છે, આજ રીતે દેશ દુનિયાની ખબરોથી વાકેફ થવા માટે અખબારનું વાંચન કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે, જરૂરી છે કે સરકારી લાયબ્રેરીને વધુ સુવિધાપ્રદ કરવામાં આવે આ સંજોગોમાં રાજ્ય સરકારની મળનારી ગ્રાન્ટમાંથી ખાસ કરીને લાયબ્રેરીને કોમ્પ્યુટરાઇઝડ કરવાની જે વાત થઇ છે તેનાથી વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે.
બજેટમાં જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ સામાન્ય રીતે અમલીકરણ ધીમી ગતિએ થાય છે ત્યારે જરૂરી છે કે તળાવની પાળ જેવા મહત્વના સ્થળે આવેલી જિલ્લા સરકારી લાયબ્રેરીના આધુનિકરણના કામમાં ગતિ રાખવામાં આવે, તાત્કાલિક અસરથી કામ શ‚ થાય. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application