જામનગર: ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું: ૧૦ શખ્સોની અટકાયત
સામસામે ફરિયાદો નોંધાવાઈ: સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી
જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને ધિંગાણાના બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. તપાસ દરમિયાન બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવતા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદો નોંધી કુલ ૧૦ શખ્સોને ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસ મુજબ તા. ૧૭ જૂનના રોજ રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે ગોકુલનગર જકાતનાકા પાસે મોટરસાયકલ અડી જવાની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં બંને પક્ષના લોકો એકત્ર થઈ જતાં મામલો ઉગ્ર બન્યો હતો, અને જાહેરમાં મારામારી સર્જાઈ હતી.
એક ફરિયાદમાં હાપા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા પરેશ અરવિંદભાઈ ધોકીયા (ઉ.વ. ૩૪) એ ડાંગર નરેશ, રાહુલ ડાંગર, સાગર બેડીયાવદરા, અમિત આંબલીયા, રોહિત સોલંકી અને ચિની કોળી સામે ગેરકાયદેસર મંડળી રચી લાકડાના ધોકાથી હુમલો કરવો, ઈજાઓ પહોંચાડવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ રોકડ રકમ અને વાહનની ચાવી બળજબરીથી લઈ જવાના આક્ષેપો સાથે ગુનો નોંધાવ્યો છે, જેમાં જણાવ્યું હતું કે, જકાત નાકા પાસે આરોપી નરેશનું મોટર સાયકલ ફરિયાદી પરેશને અડી જતાં બોલાચાલી થઇ હતી, જેનો ખાર રાખીને આરોપીઓએ અન્યને બોલાવી ગેરકાયદે મંડળી રચી ફરિયાદી તથા તેના મિત્રો પર ધોકા વડે હુમલો અને ઝપાઝપી કરી હતી. આ બબાલમાં પેન્ટના ખિસ્સામાંથી ૯૦૦ રૂપિયા તેમજ બાઇકની ચાવી કાઢી એકબીજાને મદદગારી કરી હતી.
જ્યારે સામા પક્ષે મયુર એવન્યુ ખાતે રહેતા નરેશ રાજશીભાઈ ડાંગર (ઉ.વ. ર૭) એ પરેશ ધોકીયા, હસનભાઈ સાતીર, પૃથ્વીરાજસિંહ ક્યોર, મનસુખભાઈ શીંગળ અને હરપાલસિંહ જાડેજા સામે મારામારી, ગાળો આપી હુમલો કરવા અને ઈજાઓ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીનું બાઇક આરોપી પરેશને અડી જતાં બોલાચાલી અને ધોલધપાટ કરેલ, તેમજ ફરિયાદીએ તેના મિત્રોને બોલાવતા આરોપીઓએ એકસંપ થઇ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો, તેમજ રાહુલને અને બીજા મિત્રોને ઇજા પહોંચી હતી.
બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભી અને સર્વેલન્સ સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ બનાવમાં સંડોવાયેલા તમામ ૧૦ શખ્સોની ઓળખ કરી ઝડપી પાડ્યા હતા.
પોલીસ દ્વારા પરેશ ધોકીયા, હસન સાતીર, પૃથ્વીરાજસિંહ કયોર, મનસુખ શીંગળ, હરપાલસિંહ જાડેજા, નરેશ ડાંગર, રાહુલ ડાંગર, સાગર બડીયાવદરા, અમિત આંબલીયા અને એક કાયદાથી સંઘર્ષિત કિશોરની અટકાયત કરીને આગવી ઢબે કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.