BREAKING NEWS

જામનગર: ધ્રોલ તાલુકામાં તલાટીઓની હડતાલથી ગ્રામીણ વ્યવસ્થા અને મહેસુલી કામગીરી ઠપ્પ

  • July 11, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલ તાલુકામાં તલાટીઓની હડતાલથી ગ્રામીણ વ્યવસ્થા અને મહેસુલી કામગીરી ઠપ્પ

ચોમાસાની સીઝનમાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં: જોબચાર્ટના વિવાદને તાત્કાલિક ઉકેલવા માંગ

રાજ્યભરમાં તલાટી-કમ-મંત્રી અને રેવન્યુ તલાટીના જોબ ચાર્ટના મુદ્દે ચાલી રહેલી હડતાલના ઘેરા પ્રત્યાઘાતો હવે ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપકપણે જોવા મળી રહ્યા છે. તલાટીઓ સરકારી કામગીરીથી અળગા રહેતા ગ્રામ પંચાયતોનો વહીવટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેને કારણે ગ્રામ્ય જનતા અને ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ પંચાયતોમાં મહેસુલી કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હોવાથી ગ્રામીણ વ્યવસ્થા પડી ભાંગી છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને ધ્રોલ તાલુકા અખિલ ભારતીય પંચાયત સંગઠન દ્વારા જામનગરના જિલ્લા વિકાસ અધિકારીને એક લેખિત રજૂઆત પાઠવીને આ સળગતા પ્રશ્નનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે. સંગઠનના પ્રમુખ રામજી મુંગરા દ્વારા કરવામાં આવેલી આ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં તલાટી-કમ-મંત્રીઓની કામગીરી અંગે ચોક્કસ જોબ ચાર્ટ નક્કી ન હોવાને કારણે હાલમાં જે હડતાલ ચાલી રહી છે, તેના લીધે ગ્રામ પંચાયતોમાં મહેસુલી કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ સમયગાળો ખેડૂતો માટે ખેતીવાડીના ધિરાણ તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટેનો મુખ્ય સમય છે. આવા કપરા સમયે જ બેંક ધિરાણ અને સબસિડી માટે જરૂરી એવા અલગ-અલગ દાખલાઓ તેમજ સરકારી કાગળો મેળવવામાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ચોમાસાની સીઝન અને ખેતીના કામો છે, ત્યારે બીજી તરફ જરૂરી કાગળો માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંચાયત સંગઠન દ્વારા જોબ ચાર્ટના વિવાદનો સત્વરે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News