જન્મથી જ હોઠ અને તાળવાની ખામી : એક પણ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન કરાયું, ‘વિશ્વા’ના ચહેરા પર સ્મિત ફરક્યું

  • September 22, 2023 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હોઠ અને તાળવાની ખોડખાંપણ દુનિયાની બીજા નંબરની સૌથી વધુ દેખાતી જન્મજાત ક્ષતિ છે. રાજકોટ વોર્ડ નં-૧માં રહેતા રાજેશભાઈ વાઘેલાની દીકરી વિશ્વા જન્મથી જ હોઠ તથા તાળવાની ખામી ધરાવતી હતી. જો કે એકપણ રૂપિયાના ખર્ચ વિના ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિશ્વાનું ઓપરેશન સફળતાપૂર્વક કરાયું છે. હાલ વિશ્વા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, અને તેનું સુંદર સ્મિત પરિવારને ખુશીઓથી ભરી દે છે. 
    

વિશ્વાનો જન્મ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં થયો હતો. એ દિવસોમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સાથે સંકળાયેલા (આર.બી.એસ.કે.)ટીમે તેની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે તેને હોઠ તથા તાળવામાં જન્મજાત ખોડ  છે. ‘ફાટેલા હોઠ તથા તાળવું’ એટલે કે તબીબી પરિભાષામાં તેને ‘કલેફ્ટ લીપ એન્ડ ક્લેફ્ટ પેલેટ’ કહે છે, તે ક્ષતિ આ બાળકીને હતી. ફાટેલા તાળવાના કારણે બાળક પૂરતો ખોરાક ન લઈ શકે. જેના લીધે બાળકનું વજન ન વધે. ઉપરાંત ખોરાક કે દૂધ આપ્યા બાદ પાછું નાક વાટે નીકળી જાય. જેના કારણે વારંવાર ન્યુમોનિયા પણ થઈ શકે. આ સ્થિતિના કારણે વિશ્વાના માતા-પિતા દુઃખી થતા હતા. 
    

જ્યારે વિશ્વાની આ ખોડ દૂર થઈ જશે અને તે માટે કોઈ ઓપરેશન કે રિપોર્ટના ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી તથા વિશ્વાને સામાન્ય બાળકની જેમ હસતું-રમતું કરવાની જવાબદારી અમારી છે તેવી સમજણ આર.બી.એસ.કે.ની ટીમે આપી ત્યારે પરિવારમાં નવી આશા જન્મી હતી.
    

એ પછી વિશ્વાના ‘કલેફ્ટ લીપ એન્ડ ક્લેફ્ટ પેલેટ’ના ઓપરેશનની પ્રક્રિયા શરૂ થઈ હતી. ઓપરેશન કરવા માટે શરૂઆતમાં બાળકનું વજન તથા હિમોગ્લોબીન તેની ઉમર પ્રમાણે ઓછું જણાયું હતું. જેથી આર.બી.એસ.કે. ટીમ દ્વારા પોષણક્ષમ સમતોલ આહાર વિશે સમજણ આપી બાળકના વજન તથા હિમોગ્લોબીન વધારવાની સારવાર કરાઈ હતી. વિશ્વાની ઉમર,વજન,તથા હિમોગ્લોબીનનું પ્રમાણ યોગ્ય થયું ત્યારે ગુજરાત સરકાર અને (આર.બી.એસ.કે.) રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સાથે સંલગ્ન સ્માઇલ ટ્રેન સંસ્થા અંતર્ગત ધ્રુવ હોસ્પિટલ –રાજકોટ ખાતે તાજેતરમાં ફાટેલા હોઠ તથા ફાટેલા તાળવા( કલેફટ લીપ એન્ડ ક્લેફટ પેલેટ’)નું ઓપરેશન સફળતાપૂર્વક વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.
    

અત્યારે બાળકી હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને ભવિષ્યમાં ફાટેલા હોઠ તથા તાળવાના કારણે થતા નુકશાનથી મુક્ત રહેશે. બાળકને ખોરાક અને દૂધ આપવાની પદ્ધતિ સમજાવવામાં આવી છે, તે પ્રમાણે માતા-પિતા તેની ખૂબ જ ચીવટ રાખે છે. ઓપરેશન બાદ વિશ્વાને RBSK ટીમ દ્વારા DEIC ખાતે લઇ જઈને તેની સ્પીચ થેરાપી શરુ કરવામાં આવી. જેના પરિણામે વિશ્વા બોલતા પણ શીખી રહી છે.
    

આ બાળકને સામાન્ય અને સંપૂર્ણ સ્વસ્થ બનાવવાની સમગ્ર કામગીરીમાં રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વંકાણી, આર.સી.એચ.ઓ. ડૉ.લલિત વાંજા, નાયબ આરોગ્ય અધિકારી ડૉ.ભૂમી કામાણીના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે. ટીમના ડૉ.તૃપ્તીબા ઝાલા, ડૉ મિહિર જોષી,  ફાર્માસિસ્ટ કાજલ કપુરીયાએ સતત મુલાકાત લઇને બાળકના પરિવારજનોને માર્ગદર્શન અને હૂંફ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application