BREAKING NEWS

જામનગરમાં ૪૪ વર્ષમાં ૭ ટીપી સ્કીમ, શહેર વિકાસમાં દસકો પાછળ

  • July 09, 2026 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ૪૪ વર્ષમાં ૭ ટીપી સ્કીમ, શહેર વિકાસમાં દસકો પાછળ

અડચણ: શહેરમાં ૬ ટીપી સ્કીમની સંપૂર્ણ અમલવારી, ૯ ટીપીનો ડ્રાફટ મંજૂર પરંતુ સરકારના ટીપીઓ પાસે એકથી દોઢેક વર્ષથી પડી હોય આખરી મંજૂરી બાકી

વર્ષ ૧૯૮૧માં મહાનગરપાલીકા અસતિત્વમાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૭-૧૮ સુધી ટીપી સ્કીમની કામગીરી ગોકળગાયની ગતિએ થઇ હતી: ટીપીના અભાવે શહેરમાં ટ્રાફીક સહીતની સમસ્યા

વર્ષ ૧૯૮૧માં નગરપાલીકામાંથી જામનગર મહાનગરપાલીકા બન્યા બાદ એટલે કે ૪૪ વર્ષમાં ફકત ૭ ટીપી એટલે કે ટાઉન પ્લાનીંગ સ્કીમ બનતા અને તેમાંથી ૬ની સંપૂર્ણ અને એક ટીપી સ્કીમની ૮૦ ટકા અમલવારી થઇ હોય રાજયના અન્ય શહેરોની સરખામણીએ જામનગર વિકાસમાં દસકો પાછળ ચાલી રહ્યું છે. નવાઇની વાત એ છે કે, ૯ ટીપી સ્કીમ મનપાએ બનાવી રાજય સરકારમાં મોકલી દીધી છે. આ તમામ ટીપીનો ડ્રાફટ મંજૂર થઇ ગયો છે, પરંતુ સરકારના ટીપીઓ પાસે એકથી દોેઢેક વર્ષથી પડી હોય આખરી મંજૂરી બાકી છે. મનપાના અસતિત્વ બાદ વર્ષ ૨૦૧૭-૧૮ સુધી ટીપી સ્કીમની કામગીરી ગોકળગાયની ગતિએ થતા ફકત બે ટીપી સ્કીમની અમલવારી થઇ હતી. ત્યારબાદ ટીપી સ્કીમ બનાવવામાં ગતિ આવી છે પણ આખરી મંજૂરીની પ્રક્રીયામા ગતિ ન આવતા જામનગરવાસીઓ ટ્રાફીક સહીતની સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે.

જામનગર ૧૯૮૦ સુધી નગરપાલીકા હતી. ૧૯૮૧માં નગરપાલીકામાંથી જામનગર મહાનગરપાલીકા બની હતી. આમ જામનગર મહાનગરપાલીકા બન્યાને આજે ૪૪ વર્ષ થઇ ગયા છે. પરંતુ રાજયના અન્ય શહેરોની સરખામણીએ જામનગર  શહેરમાં આજે પણ એક વિકસિત ગામડાની સ્થિતિ જોવા મળી રહી છે. તે પૈકીનુ એક મુખ્ય કારણ ટીપી સ્કીમની ગોકળગાયની ગતિએ થયેલી કામગીરી અને મંજૂરીનો અભાવ છે. કારણ કે જામનગર મનપા બન્યાને ૪ દાયકાથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી ફકત ૬ ટીપી સ્કીમની સંંપૂર્ણ તો એક ટીપી સ્કીમની ૮૦ ટકા અમલવારી થઇ છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ-૨૦૧૪માં મહાનગરપાલીકાની હદમાં જાડાના વિસ્તારો ભળ્યા હતાં. મનપામાં ભળ્યા તે પહેલા જાડા દ્વારા ૭ ટીપી સ્કીમ બનાવી હતી. પરંતુ તેમાંથી મોટાભાગની ટીપી સ્કીમ કાગળ સુધી સીમીત રહી હતી એટલે કે તેની અમલવારી થઇ ન હતી. બીજી બાજુ જામનગર મહાનગરપાલીકા અસતિત્વમાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૭-૧૮ સુધી ટીપી સ્કીમ બનાવવાની કામગીરી ખૂબજ ધીમી રહેતા ફકત બે ટીપી સ્કીમ બની હતી. ત્યારબાદ મનપા દ્વારા ટીપી સ્કીમ બનાવવાની કામગીરીએ ગતિ પકડી હતી અને ૯ ટીપી સ્કીમ બનાવી છે. જયારે અન્ય ૩ ટીપી સ્કીમની કામગીરી ચાલી રહી છે.

શહેરમાં જે ટીપી સ્કીમની સંપૂર્ણ અમલવારી થઇ છે તેમાં મનપાની ટીપી સ્કીમ નં.૧,૨, ૩ અ અને બ તથા જાડાની ટીપી સ્કીમ નંબર ૧,૨ અને ૮૦ ટકા અમલવારીમાં ટીપી સ્કીમ નંબર ૫ નો સમાવેશ થાય છે. જયારે મનપાએ બનાવેલી ટીપી સ્કીમ નં.૬,૭,૧૧,૨૦,૨૧,૨૩,૨૫,૨૬ અને ૨૭નો ડ્રાફટ મંજૂર થઇ ગયો છે. પરંતુ આ નવ ટીપી સ્કીમ સરકારના ટીપીઓમાં એક થી દોઢેક વર્ષથી પડી હોય આખરી મંજૂરી બાકી છે. અત્રે નોંધનીય છે કે, ટીપીની આખરી મંજૂરી મળે ત્યારબાદ મનપાને જગ્યા અને પ્લોટના કબ્જો મળે છે. આથી મનપા જે વિસ્તારમાં ટીપી સ્કીમ મંજૂર થઇ હોય તેમાં રોડ-રસ્તા, શાળા, એમ્યુઝમેન્ટ પાર્ક, આરોગ્ય કેન્દ્વ સહીતની સુવિધા ઉભી કરી શકે છે. મેહુલનગર સહીતના જે વિસ્તારોમાં ટીપી સ્કીમનું અમલીકરણ થયું છે તેે વિસ્તારાનો વિકાસ તેનું ઉતમ ઉદાહરણ છે. પરંતુ ૯ ટીપી સ્કીમને આખરી મંજૂરી બાકી હોય શહેરીજનો પહોળા રસ્તા, આરોગ્ય, રહેઠાણ, મનોરંજનના લાભથી વંચિત છે. બીજી બાજુ જામનગર શહેરના ગીચ વિસ્તારો વધુ ગીચ બનતા ટ્રાફીક સહીતની સમસ્યાઓ વકરી રહી છે. 

આથી ટીપી સ્કીમને સરકાર કક્ષાએથી ઝડપથી મંજૂરી મળે તે જરૂરી છે. હાલમાં મનપા દ્વારા ટીપી સ્કીમ નં.૩૫,૩૬ અને ૩૭ ની કામગીરી ચાલી રહી છે. ટીપી સ્કીમ નં.૩૫ માં લાલપુર રોડ દરેડ ખોડીયાર મંદીર પાછળનો વિસ્તાર, ટીપી સ્કીમ નં.૩૬ માં જિલ્લા પંચાયત કર્મચારી નગર પાછળનો તથા હાઇવે વિસ્તાર તથા ટીપી સ્કીમ નં.૩૮માં ધોરીવાવ નજીકના વિસ્તારનો સમાવેશ થાય છે.
​​​​​​​અન્ય શહેરોની સરખામણીએ જામનગરની ટીપી સ્કીમની મંજૂરી ઉચ્ચકક્ષાએથી ઝડપથી ન મળતા અન્ય શહેરોની સરખામણીએ જામનગર શહેર વિકાસમાં દસકો પાછળ હોવાનું જાણકારોએ જણાવ્યું છે.

ટીપી સ્કીમમાં સર્વેથી મંજૂરી સુધીની આ છે પ્રક્રીયા:
-સૌ પ્રથમ ટીપી સ્કીમ માટે સર્વે કરવામાં આવે છેે.
-વાંધા સૂચનો મંગાવવામાં આવે છે.
-સરકારના ગેઝેટમાં પ્રસિઘ્ધ કરવામાં આવે છે.
-વર્તમાન પત્રોમાં જાહેર કરવામાં આવે છે.
-સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવે છે.
-સરકાર ખાસ ટીપીઓની નિમણૂંક કરે છે.
-ટીપી સ્કીમની આખરી મંજૂરી આપવામાં આવે છે.

ટીપી સ્કીમના અમલમાં અવરોધ અને અભાવથી સમસ્યા:
જામનગરમાં ટીપી સ્કીમમાં અવરોધના કારણે અમલીકરણમાં વિલંબ થતો હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું છે. જેમાં લોકજાગૃતિનો અભાવ, સરકાર જમીન લઇ લેશે તેવો ભય, જમીનનું પુરતું વળતર નહીં મળે, અમુક તત્વો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોય તે મુખ્ય કારણો છે. જયારે શહેરમાં ટીપી સ્કીમના અભાવે શહેરના ગીચ વિસ્તારો વધુ ગીચ બની રહ્યા છે. માર્ગો સાંકડા રહેતા ફાયરબ્રિગેડ,૧૦૮ની સેવા પહોંચી શકતી નથી. તંત્રને જમીન ઉપલબ્ધ ન થતાં લોકોને આરોગ્ય, શિક્ષણ અને રહેઠાણ જેવી મહત્વની સુવિધા મળતી નથી.​​​​​​​

શહેરનો વિસ્તાર ૩૪.૧૦ કીમીમાંથી વધીને ૧૨૮.૪૦ કીમી થયો છતાં હજુ સુધી ૭ ટીપી સ્કીમ:
જામનગર મહાનગરપાલીકાનો વિસ્તાર વર્ષ-૨૦૧૩ સુધી ૩૪.૧૦ કીલોમીટરનો હતો. પરંતુ વર્ષ-૨૦૧૪માં મહાનગરપાલીકામાં નવા વિસ્તારો ભળતાં શહેરનો  વિસ્તાર ૩૪.૧૦ કીમીથી વધીને ૧૨૮.૪૦ કીલોમીટર થયો છે. જેની સામે જામ્યુકો દ્વારા વર્ષ ૧૯૮૮ અને ૧૯૯૦માં ફકત બે ટીપી સ્કીમ ૧ અને ૨ બનાવી તેનું અમલીકરણ કરાયું હતું. શહેરમાં વર્ષ ૨૦૧૭-૧૮ સુધી ટીપી સ્કીમ બનાવવાની તથા અમલીકરણની કામગીરી ખૂબજ ધીમી રહી હતી. પરંતુ ત્યારબાદ આ કામગીરી વેગવાન બની છે. જો કે, સરકારના ટીપીઓ કક્ષાએ આખરી મંજૂરીમાં હજુ વિલંબ થઇ રહ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News