યમનમાં ભારતીય નર્સ પર લટકતી મોતની તલવાર, માતાએ હાઈકોર્ટમાં કરી ‘બ્લડ મની’ની માંગ

  • November 18, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નિમિષાએ એક યમન નાગરિકને આપ્યું હતું એનેસ્થેટિક ઈન્જેક્શન પરંતુ ઓવરડોઝના કારણે થયું મોત, યમનની સુપ્રીમ કોર્ટે દયાની અરજી ફગાવી




યમનમાં એક ભારતીય નર્સને મોતની સજા સંભળાવવામાં આવી છે. નર્સ નિમિષા પ્રિયા પર યમનના નાગરિકની હત્યા કરવાનો આરોપ છે. નિમિષાને બચાવવા માટે તેની માતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આમાં તેણે કહ્યું છે કે તે પોતાની દીકરીને બચાવવા માટે વળતર લઈને યમન જવા માંગે છે. આ માટે તેમણે કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી મળવી જરૂરી છે.


દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નિમિષાની માતાની અરજી પર એક સપ્તાહમાં નિર્ણય લેવા જણાવ્યું છે. નિમિષા પ્રિયા ગલ્ફ કન્ટ્રીમાં નર્સ તરીકે કામ કરતી હતી. તેના પર એક નાગરિકની હત્યા કરવાનો આરોપ છે. નિમિષાની માતાની અરજી એવા સમયે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે જ્યારે ૧૩ નવેમ્બરે યમનની સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે મૃત્યુદંડની સજા હટાવવાની વિનંતી કરી હતી.


આ વર્ષની શરૂઆતમાં નિમિષાની માતા હાઈકોર્ટમાં પહોચ્યા હતા, જ્યાં તેણે યમન જવાની પરવાનગી માંગી હતી. ભારતીય નાગરિકોને યમન જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોતાની અરજીમાં નિમિષાની માતાએ કોર્ટને કહ્યું હતું કે તે 'બ્લડ મની' (આરોપી દ્વારા પીડિત પરિવારને આપવામાં આવતા પૈસા) આપીને તેની પુત્રીનો જીવ બચાવવા માંગે છે. સરકારે તેમને આ કરવા માટે યમન જવાની મંજૂરી આપવી જોઈએ.


વકીલ સુભાષ ચંદ્રન કેઆર મારફત કોર્ટમાં હાજર થયેલી નિમિષાની માતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રીને ફાંસીથી બચાવવાનો એકમાત્ર રસ્તો મૃતકના પરિવારને પૈસા આપીને વાટાઘાટો કરવાનો હતો. આ માટે તે યમન જવા માંગે છે, પરંતુ ટ્રાવેલ પ્રતિબંધને કારણે તે તેમ કરી શકતી નથી. કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે મુસાફરી પ્રતિબંધમાં રાહત આપવામાં આવી શકે છે. ભારતીય નાગરિકોને અમુક કારણોસર અને સમયસર યમન જવાની પરવાનગી મળી શકે છે.


શું છે સમગ્ર મામલો?


નિમિષા પ્રિયા નર્સ તરીકે કામ કરવા યમન ગઈ હતી. પરંતુ અહીં તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે. તેના પર યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાનો આરોપ છે. જુલાઈ ૨૦૧૭માં મહદીનું અવસાન થયું હતું. મહદી પાસેથી તેનો પાસપોર્ટ મેળવવા નિમિષાએ તેને એનેસ્થેટિક ઈન્જેક્શન આપ્યું હતું. તેણીએ વિચાર્યું કે એકવાર તે બેભાન થઈ જશે, તે તેનો પાસપોર્ટ લઈને ભાગી જશે. પરંતુ ઓવરડોઝના કારણે મહદીનું મોત થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application