ભારે વરસાદથી જામનગર મહાપાલિકાના રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રકચરને રૂ.૩ કરોડનું નુકશાન

  • August 08, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ દે ધનાધન કરીને અત્યાર સુધીમાં આશરે ૫૦ ઇંચ જેટલો વરસાદ વરસાવતા મહાપાલિકાના રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રકચર થઇને કુલ રૂા.૩ કરોડનું નુકશાન થયું છે તેમ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 


તેમણે કહ્યું હતું કે, લાંબા સમય બાદ જામનગરમાં ભારે વરસાદ પડયો હતો, જેને કારણે પીવાના પાણીની સમસ્યા દુર થઇ ગઇ છે, પરંતુ ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય રાજમાર્ગોમાં સારૂ નુકશાન થયું છે, એટલું જ નહીં રણમલ તળાવની બે તરફની પાળ પણ તુટી પડતા ત્યાં પણ સારૂ નુકશાન થયું છે ત્યારે આગામી દિવસોમાં પેચવર્કના કામો પણ શરૂ થઇ જશે, કેટલાક રસ્તાઓમાં પેચવર્કના કામ ચાલુ થઇ ગયા છે.


એકીસાથે જામનગરમાં ભારે વરસાદ થવાથી કોર્પોરેશનને સારૂ નુકશાન થયું છે તેની સાથે પીજીવીસીએલને સારૂ નુકશાન થયું છે, જો કે જામનગરમાં આગામી દિવસોમાં વરસાદ બાદ કેટલાક રસ્તાઓ ઉપર પેચવર્ક કરવું પડશે, જામનગરમાં પટેલકોલોની, ગાંધીનગર મેઇન રોડ, સાતરસ્તા પાસે, ખોડીયાર કોલોની રોડ, ગુલાબનગર રોડ, અન્નપૂર્ણા મંદિર રોડ એમ કેટલાક રોડનું સારૂ એવું નુકશાન થયું છે, વરસાદી નુકશાની અંગે કોર્પોરેશનના અધિકારીઓએ સરકારમાં પણ રીપોર્ટ મોકલ્યો હોવાનું જાણવા મળે છે. 


ડીએમસી ભાવેશ જાનીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, જયાં વધુ ખાડા પડયા છે ત્યાં રસ્તા ઉપર ટ્રાયલ બેઝથી પેચવર્કના કામ શરૂ કરી દેવામાં આવ્યા છે અને ચોમાસુ પૂર્ણ થયા બાદ તરત જ મુખ્ય રસ્તાના પેચવર્કના કામો શરૂ કરી દેવામાં આવશે. આમ જામનગર મહાપાલિકાને રૂ.૩ કરોડનું નુકશાન થયાનો પ્રાથમિક અંદાજ વ્યકત કરાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application