સાયબર ફ્રોડ, 1.27 લાખ ગુજરાતીઓએ ત્રણ વર્ષમાં ગુમાવ્યા રૂ. 815 કરોડ !

  • February 27, 2023 09:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

CIDએ 30,000 સિમકાર્ડ કર્યા બ્લેકલિસ્ટ, મોટાભાગના નંબર રાજ્ય બહારના 

લોભ અને લાલચના કારણે લોકો ગુમાવી રહ્યા છે પોતાની જીવનભરની કમાણી


લોભ અને લાલચને લીધે છેલ્લા ૩ વર્ષમાં અંદાજીત 1.27 લાખ ગુજરાતીઓએ તેમની મહેનતની કમાણીમાંથી 814.81 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ અંગેની દિવસમાં કુલ 115 ફરિયાદ આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં, CID સાયબર ક્રાઈમ યુનિટે ટેલિકોમ વિભાગ ને સ્કેમર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા 30,019 મોબાઈલ નંબરને બ્લોક કરવાની જાણ કરી છે. એટલે કે દરરોજના 27 મોબાઈલ નંબર. CID ક્રાઈમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આમાંના મોટાભાગના નંબર મેવાત, અલવર, ભરતપુર, મેરઠ, ગાઝિયાબાદ, નાદિયા અને પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયેલા છે.

રાજ્યના સાયબર ક્રાઈમ યુનિટે ટેલિકોમ વિભાગના ડાયરેક્ટર સુમિત મિશ્રાએ જણાવ્યું હતું કે, "ગયા વર્ષે જ ગુજરાતમાંથી નોંધાયેલા લગભગ 30,000 શંકાસ્પદ મોબાઇલ નંબરો માટે પુનઃ-ચકાસણી પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાંથી 75%થી વધુ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. આમાંથી મોટાભાગના નંબરો રાજ્યની બહાર નોંધાયેલા હતા. 2022માં, ગુજરાતમાંથી નોંધાયેલા લગભગ 1,500 ફોન નંબરો ટેલિકોમ વિભાગ દ્વારા કાઢી નાખવામાં આવ્યા હતા. ભારતભરના શંકાસ્પદ મોબાઇલ નંબરોની વિગતો ગુજરાતના સાયબર ક્રાઇમ સેલ સાથે શેર કરવામાં આવી રહી છે."

સાયબર-ઓપ્સ નિષ્ણાત અને સાયબર ક્રાઈમ પર રાજસ્થાન પોલીસના સલાહકાર મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કેમર્સ અન્ય રાજ્યની ગેંગ પાસેથી પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ ખરીદે છે અને પછી બીજા રાજ્યમાં કાર્યરત ગેંગ પાસેથી તેમને ઈ-મેઈલ કરે છે. તેઓ જાણે છે કે 30,000 રૂપિયાની છેતરપિંડી માટે પોલીસ 1,000 કિલોમીટરની મુસાફરી નહીં કરે. કોરોના વર્ષ 2020 દરમિયાન, નાગરિકો દ્વારા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) હેલ્પલાઈન '1930' અને વિવિધ રાજ્ય પોલીસ સ્ટેશનો પર 23,055 ફરિયાદો નોંધવામાં આવી હતી. જેમાં આશરે 95.29 કરોડ રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. તે પછીના વર્ષે, ફરિયાદોની સંખ્યા વધીને 28,908 થઈ અને છેતરપિંડીની રકમ રૂ. 366.88 કરોડ હતી. જો કે, 2022 માં, ફરિયાદો બમણાથી વધુ વધીને 66,997 થઇ અને છેતરપિંડીની રકમ 306.4 કરોડ રૂપિયા સુધી પહોચી.

પોલીસ માટે સૌથી મોટો પડકાર હાલનો કાયદો છે જે સાયબર નાણાકીય છેતરપિંડીના ગુનાને અલગ ગુનો તરીકે વર્ગીકૃત કરતો નથી. આ જ કારણ છે કે માત્ર થોડી જ એફઆઈઆર નોંધાઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના 2020 અને 2021 ના અહેવાલો અનુસાર, ફોન સ્કેમર્સ મામલે અનુક્રમે 583 અને 783 FIR સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધવામાં આવી હતી. વર્ષ 2023ના પ્રથમ 34 દિવસમાં, ગુજરાતે સાયબર ગુનેગારોના હાથે રૂ. 1.37 કરોડ ગુમાવ્યા છે જયારે 2022 માં, અનુરૂપ આંકડો રૂ. 83.94 લાખ હતો.
​​​​​​​

સીઆઈડી ક્રાઈમના સાયબર સેલના ડીવાયએસપી બીએમ ટાંકે જણાવ્યું હતું કે, "આ નાનકડી છેતરપિંડીઓની મસમોટી સંખ્યાનું કારણ છે માણસોનો લોભ અને ડિસ્કાઉન્ટ દ્વારા વધુ મેળવવાની લાલચ. આ સાયબર ક્રૂક્સએ છેતરવાનો માર્ગ શોધી કાઢ્યો છે.

તો એડિશનલ ડીજીપી, સીઆઈડી (ક્રાઈમ એન્ડ રેલ્વે), આરબી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમને રોકવા માટે લોકોમાં જાગૃતિ જ એકમાત્ર રસ્તો છે. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસ સાયબર ક્રાઈમના કેસો વિશે સતત જાગૃતિ ફેલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application