BREAKING NEWS

અધિક માસના પાવન પ્રારંભ સાથે દ્વારકામાં ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ

  • May 23, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અધિક માસના પાવન પ્રારંભ સાથે દ્વારકામાં ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ

યાત્રાધામ દ્વારકા ખાતે પવિત્ર પુરૂષોત્તમ માસને લઈને ભક્તિમય માહોલ સર્જાયો છે. હાલમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશન અને અધિકમાસના સંયોગને કારણે આગામી એક માસ દરમિયાન મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી ભાવિકો તથા પ્રવાસીઓ દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકામાં ઉમટી પડી  છે.
પુરૂષોત્તમ માસ દરમિયાન ગોમતી સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું હોવાથી દરરોજ વહેલી સવારથી જ ગોમતી ઘાટ વિસ્તારમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળે છે. આ વખતે યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા જોતા જિલ્લા તંત્ર, પોલીસ વિભાગ તથા ફાયર વિભાગ દ્વારા આગોતરા સુરક્ષા અને વ્યવસ્થાના વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

ગોમતીઘાટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાનોની ખાસ તૈનાતી કરવામાં આવી છે. તેમજ પાણીમાં કોઈપણ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ સર્જાય નહીં તે હેતુસર ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમોને સતત સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આધુનિક તકનીકનો ઉપયોગ કરીને ગોમતી ઘાટ ખાતે રેસ્ક્યુ કામગીરી માટે વિશેષ રેસ્ક્યુ રોબોટ પણ તૈનાત કરવામાં આવ્યો છે, જેથી પાણીમાં ફસાયેલા અથવા ડૂબતા લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.

તંત્ર દ્વારા યાત્રાળુઓને ગોમતી સ્નાન દરમિયાન સાવચેતી રાખવા, નિર્ધારિત સ્થળોએ જ સ્નાન કરવા તેમજ બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, દ્વારકામાં હોટેલ, ધર્મશાળા, પાર્કિંગ તથા ટ્રાફિક વ્યવસ્થાને પણ વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધવામાં આવી રહ્યું છે. પવિત્ર અધિકમાસ દરમિયાન સમગ્ર દ્વારકા નગરીમાં ધાર્મિક કાર્યક્રમો, ભજન-કીર્તન અને વિશેષ પૂજા-અર્ચનાના આયોજનોથી ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application