BREAKING NEWS

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટેની મતગણતરીનો પ્રારંભ: વિવિધ કેન્દ્રો બહાર ઉમેદવારોના ટેકેદારોની ભીડ

  • April 28, 2026 09:41 AM 

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટેની મતગણતરીનો પ્રારંભ: વિવિધ કેન્દ્રો બહાર ઉમેદવારોના ટેકેદારોની ભીડ



જામનગર જિલ્લાના કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યા  મતગણતરી ની વ્યવસ્થા નિહાળવાના ભાગરૂપે હરિયા કોલેજના મત ગણતરીના સ્થળે આવી પહોંચ્યા



જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતગણતરી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થયો છે. સવારે ૯:૦૦ વાગ્યાથી વિવિધ મતગણતરી કેન્દ્રો પર ગણતરી શરૂ કરવામાં આવી છે.


જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની મતગણતરી હરીયા કોલેજ ખાતે ચાલી રહી છે. 


જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર પરિમલ પંડ્યા આજે વહેલી સવારે હરીયા કોલેજના મત ગણતરી સ્થળે આવી પહોંચ્યા હતા, અને સમગ્ર મતગણતરી ની વ્યવસ્થા નું બારીકાઈથી મોનિટરિંગ કરીને નિરીક્ષણ કર્યું હતું જેની રાહબરી હેઠળ તમામ ચૂંટણી સ્ટાફ દ્વારા મત ગણતરીનો પ્રારંભ કરાયો છે, જ્યારે પોલીસ વિભાગ દ્વારા હોમગાર્ડ તથા અર્ધ લશ્કરી દળ ના જવાનોની મદદ લઈને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.


આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની મતગણતરી ઓસવાળ ઇંગ્લિશ એકેડેમીમાં યોજાઈ રહી છે.


જ્યારે તાલુકા પંચાયતની કેટલીક મતગણતરી લાલપુર, જામજોધપુર, કાલાવડ, ધ્રોળ, જોડીયા સહિતના તાલુકા મથકો પર પણ હાથ ધરવામાં આવી છે. સિક્કા નગરપાલિકાની મતગણતરી ડીસીસી ટેકનિકલ હાઈસ્કૂલ, દિગ્વિજય ગ્રામ (સિક્કા) ખાતે કરવામાં આવી રહી છે.


મતગણતરી કેન્દ્રોની બહાર વિવિધ વિસ્તારના ઉમેદવારોના ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચહલપહલભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે, અને પરિણામોને લઈને ઉમેદવારો તથા ટેકેદારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application