રસોયો અને રિક્ષાચાલક તમંચો વેચવા ખરીદદારની શોધમાં હતા અને દબોચાયા

  • February 13, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુ.પી.ના કેટરર્સ ધંધાર્થીને કમિશન પર તમંચો આપી જનાર ત્રીજાની શોધ




શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતો રિક્ષાચાલક અને યુ.પી.નો વતની પરપ્રાંતિય રસોયો બન્ને તમંચો વેચવા ખરીદદારની શોધમાં હતા અને કોઈ ગ્રાહક મળે એ પૂર્વે જ એસઓજીનો ભેટો થઈ જતાં બન્નેની દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરાઈ હતી. હથિયાર આપનાર ત્રીજા શખસની શોધ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.





રૈયાધાર સ્લ કવાર્ટર પ્લોટ નં.૮૯૨માં રહેતા મચ્છો ઘેલાભાઈ ચાવડિયા ઉ.વ.૨૨ તથા મુળ ઉત્તરપ્રદેશના ફિરોજાબાદ કોટલા મહોલ્લામાં રહેતા અને રાજકોટ તથા જામનગરમાં રહી કેટરિંગ કામ કરતા અમન અશ્ર્વરી પાઠક શર્મા ઉ.વ.૨૧ નામના બન્ને ઈસમોને એસઓજીના જમાદાર ફિરોજ રાઠોડ તથા હાદિર્કસિંહ પરમારની બાતમી આધારે પીઆઈ જે.ડી.ઝાલા તથા એએસઆઈ વિરમભાઈ ધગલ સહિતના સ્ટાફે તમંચા સાથે દબોચી લીધા હતા.





પોલીસની પ્રાથમિક પૂછતાછમાં અમન ચાઈનીઝ, પંજાબી ખાધ ચીજો બનાવવાનો કારીગર રસોયો છે. અગાઉ તે રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતો હતો. જયારે મચ્છો ચાવડિયા રિક્ષા ચલાવે છે, કેટરિંગ કામમાં જવા આવવા માટે વસ્તુઓ લઈ જવા મચ્છાની રિક્ષા ભાડે બાંધતો હતો જેને લઈને બન્ને વચ્ચે સંપર્કેા વધ્યા હતા.





લોકડાઉન વખતે અમન વતન ફિરોજાબાદ પરત ચાલ્યો ગયો હતો. ત્યારબાદ રાજકોટ, જામનગર અને વતનમાં આવતો જતો રહેતો હતો. અમનનો મોટો ભાઈ જામનગરમાં રહે છે. અમન જામનગરમાં એક ફેકટરીમાં રસોયા તરીકે કામ કરે છે. વતનથી અમનને એક વ્યકિતએ સસ્તામાં તમંચો વેચવા આપ્યો હતો. અમને સ્થાનિ કોઈ ખરીદદાર શોધવા ઓળખાણ વાળા રિક્ષાચાલક મચ્છા ચાવડિયાને વાત કરી હતી. બન્ને તમંચો વેચી કમિશન કમાવાની ફિરાકમાં હતા એ પૂર્વે જ એસઓજીએ ઝડપી પાડયા છે.




બન્નેએ આવી રીતે પહેલા કોઈ હથિયાર વેચ્યા છે કે, નહીં? ખરેખર બન્ને તમંચો વેચવા માટે જ કોઈની શોધમાં હતા કે અન્ય કોઈ ઈરાદો? તમંચો કમિશન વેચવા આવનાર ત્રીજો શખસ કોણ સહિતના મુદે તપાસનીસ એએસઆઈ વીરમભાઈ ધગલ દ્રારા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application