જીએસટી મુદ્દે નિકાલ નહીં આવે તો ગાંધી જયંતીથી ગુજરાતમાં પાણી પુરવઠો બંધ કરવા કોન્ટ્રાકટરોની ચીમકી

  • September 27, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં જીએસટીના મુદ્દે પાણી પૂરવઠા વિભાગના કોન્ટ્રાકટરોની વારંવાર રજૂઆત છતાં જીએસટી પ્રશ્ર્નનો કોઇ ઉકેલ નહીં આવતા તા.૨જી ઓકટોબર ગાંધી જયંતીના દિવસથી સમગ્ર ગુજરાતમાં પાણી પુરવઠો ઠપ્પ કરી દેવાની ચીમકી ગઇકાલે કોન્ટ્રાકટરોએ યોજેલ પત્રકાર પરિષદમાં રાજકોટ મુકામે આપેલ છે. કેન્દ્ર સરકારના જાહેરનામાથી તા.૧-૧-૨૦૨૨થી જીએસટી રેટમાં ફેરફાર થયો હોવાથી કોન્ટ્રાકટરોને અનેક સમસ્યાઓ ઉભી થયેલ છે. જાન્યુઆરી ૨૦૨૨થી મરામત અને નિભાવણીના કામોમાં ૧૮ ટકા જીએસટી પ્રમાણે તથા ટ્રર્ન કી પ્રોજેકટમાં ૫.૩૫ ટકા તફાવત પ્રમાણે ચુકવણું તાત્કાલીક થાય તેવી માગ કરી રહ્યા છે. આ અંગે કોન્ટ્રાકટર એસોસિએશન રજૂઆત કરતા હોવા છતાં લાંબા સમયથી કોઇ નિરાકરણ ન આવતા હવે કોન્ટ્રાકટરો ગાંધી ચીંધ્યા માર્ગે ગાંધી જયંતીના દિવસથી સમગ્ર ગુજરાતમાં તમામ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ના છુટકે પાણી પુરવઠો બંધ કરવાની ફરજ પડશે. જેના માટે જવાબદાર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ રહેશે તેઓ કોન્ટ્રાકટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવેલ છે. કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા જણાવ્યા મુજબ જીએસટીના રેટમાં ફેરફારથી દરેક કોન્ટ્રાકટરને જાન્યુઆરી ૨૦૨૨થી મરામત અને નિભાવણીના કામમાં વધારાના ૧૮ ટકા જીએસટી ભરવા પડે છે જે ખરેખર ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે કોન્ટ્રાકટરને ચૂકવવાનો થાય છે તેમ છતાં ૨૦ મહિના જેવો સમય થવા છતાં અને વારંવાર કોન્ટ્રાકટર એસોસિએશન રજૂઆત કરવા છતાં આ બોર્ડના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઇ નિર્ણય કરેલ નથી. જયારે ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા જીએસટીની રકમનું ચુકવણુ અલગથી થઇ ગયેલ છે. મરામત અને નિભાવણીના કામોમાં પાણી પૂરવઠા વિભાગે આજ સુધી ૧૮ ટકા જીએસટી ચૂકવવા કોઇ પરિપત્ર પણ જારી કરેલ નથી.


છેલ્લા ૨૦ મહિનાથી જીએસટીના બાકી કરોડો રૂપિયા ફસાઇ જતાં કોન્ટ્રાકટરો આર્થિક મુશકેલીમાં આવી ગયેલ છે. જો ચુકવણું તાત્કાલીક નહીં થાય તો ગાંધી જયંતીથી તમામ પાણી પૂરવઠા વિભાગના કોન્ટ્રાકટરો દ્વારા પાણીનું પમ્પીંગ તેમજ અન્ય ઉપકરણો બંધ કરવાની ચીમકી આપી છે.પાણી પૂરવઠા વિભાગના કોન્ટ્રાકટરો દ્વારા ચેરમેન તેમજ મેમ્બર સેક્રેટરીને અમારા દ્વારા પાંચ-પાંચ વખત ગુજરાતના અલગ અલગ વિસ્તારના કોન્ટ્રાકટરો મળવા જવા છતાં મળવા માટે એકપણ વખત મળેલ નથી તથા મળવાનો સમય પણ આપેલ નથી.
​​​​​​​
આખરે કંટાળી અમે અમારા પાણી પૂરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને મળીને રજૂઆત કરેલ. મંત્રીને પણ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ યોગ્ય નિર્ણય ન આવવાથી આખરે અમે તા.૭ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળેલ. મુખ્યમંત્રીને અમારી રજૂઆતને ખુબ જ ગંભીરતાથી સાંભળીને સમજીને તેમના અગ્રસચિવને પંકજભાઇ જોષીને સદર રજૂઆત તદ્ન યોગ્ય હોવાથી આ રજૂઆત સત્વરે નિરાકરણ લાવવા સૂચના આપેલ જે અન્વયે જોષી દ્વારા ૨૭-૮, ૫-૯ તથા ૧૨-૯ના રોજ ચેરમેન તથા એમએસને સૂચના આપેલ તેમ છતાં ગુજરાત પાણી પૂરવઠા બોર્ડ આટલી અતિ ગંભીર બાબતને છેલ્લા ૨૧ મહિનાથી ધ્યાને લેતા નથી. આથી ના છુટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application