BREAKING NEWS

વરસાદ ખેંચાતા ખંભાળિયા પર જળ સંકટના વાદળ: ત્રણ દિવસે પાણી વિતરણની શકયતા

  • July 08, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદ ખેંચાતા ખંભાળિયા પર જળ સંકટના વાદળ: ત્રણ દિવસે પાણી વિતરણની શકયતા

૨૪ ગામોને પુરૂ પાડતું ઘી ડેમની સ્થિતી દયનીય: ડેમમાં માત્ર ૫ ફૂટ કરતાં પણ ઓછું પાણી બચ્યું 

જળસ્ત્રોતોમાં પાણીની આવક ન થતાં સ્તર તળીયે બેઠા: પાલિકા તંત્ર હાલ ઘી ડેમ સ્થાનિક કુવા અને બોરના સહારે ગાડુ ચલાવી રહ્યું છે

ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ હોવા છતાં ચાલુ વર્ષે મેઘરાજાની ભારે ખેંચ જોવા મળી રહી છે. ચાલુ માસનું પ્રથમ સપ્તાહ મહદઅંશે કોરૂધાકોડ વીત્યા બાદ હવે જળસ્ત્રોતો પણ તળીયે બેસી ગયા છે, જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા પર આગામી દિવસોમાં ગંભીર જળ સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. વરસાદ લંબાવાના કારણે જો આગામી દિવસોમાં સ્થિતિ ન સુધરે તો અત્યાર સુધી એકાંતરા અપાતું પાણી હવે ત્રણ દિવસે વિતરણ કરવાની ફરજ પડી શકે છે, તેવી ભીતિ સેવાઈ રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ છ નગરપાલિકાઓ પૈકી માત્ર ખંભાળીયા નગરપાલિકા જ એકમાત્ર એવી પાલિકા છે જ્યાં વર્ષોથી એકાંતરા (એક દિવસ છોડીને એક દિવસ) પાણી વિતરણની ખૂબ જ સરાહનીય અને સુદ્રઢ વ્યવસ્થા જળવાઈ રહી છે. જ્યારે જિલ્લાના અન્ય શહેરોની સ્થિતિ એટલી હદે વિકટ છે કે ત્યાં કયાંક પાંચ દિવસે તો કયાંક બાર-બાર દિવસે લોકોને પીવાનું પાણી નસીબ થાય છે. જો કે, આ વર્ષે ચોમાસું લંબાતા અને જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીમાં સમગ્ર મોસમનો માંડ એકાદ ઇંચ જેટલો જ વરસાદ પડતાં હવે ખંભાળીયાની આ આદર્શ વ્યવસ્થા પણ જોખમાય તેવી સ્થિતિ ઉભી થઈ છે અને શહેરમાં જળ કટોકટી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

હાલના ઉનાળા જેવા માહોલમાં એક તરફ પાણીની માગ સતત વધી રહી છે, તો બીજી તરફ સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણીની આવક ન થતાં સ્તર સતત ઘટી રહ્યા છે. જો આ જ પ્રકારની પરિસ્થિતિ આગામી થોડા દિવસો સુધી યથાવત રહેશે તો પાલિકા તંત્ર પાસે પાણી કાપ મૂકવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે અને સ્થાનિક લોકોને બે દિવસના બદલે દર ત્રણ દિવસે પાણી મેળવવાનો વારો આવી શકે છે. અત્યારની સ્થિતિએ પાલિકા તંત્ર ઘી ડેમ, સ્થાનિક બોર-કુવા અને નર્મદાના પાણીના સહારે જેમ-તેમ કરીને ગાડું ગબડાવી રહ્યું છે, પણ વરસાદ ખેંચાવાના કારણે હવે ભૂગર્ભ જળ પણ સાથ છોડી રહ્યા છે અને બોર ડૂકવા લાગ્યા છે. નગરપાલિકા હસ્તકનો જડેશ્વર પાસે આવેલો બોર સાવ ખાલી થઈ ગયો છે, જ્યારે વાસવાળો બોર અને પ્રજાપતિ વાડી પાસેના બોરોમાં પાણીના સ્તર ચિંતાજનક રીતે ઘટી ગયા છે. આ સંજોગોમાં જો નર્મદા લાઇન વાટે અપાતું પાણી વહેલી તકે વધારવામાં નહીં આવે અથવા તો ડેમની આસપાસના વિસ્તારોમાં નવા બોર બનાવવાનું આગોતરું આયોજન અત્યારથી હાથ ધરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખંભાળિયાવાસીઓ માટે સ્થિતિ અત્યંત વિકટ અને ચિંતાજનક બની જશે.

ખંભાળીયા શહેર સહિત આસપાસના ૨૪ ગામોની જીવાદોરી સમાન ઘી ડેમની સ્થિતિ પણ અત્યારે અત્યંત દયનીય બની ચૂકી છે. આખું વર્ષ આ વિસ્તારની તરસ છિપાવતા આ ડેમના હેઠવાસમાં આવેલા હોજ કુવાઓ અત્યારે સાવ ખાલીખમ થઈ ગયા છે. હાલની ઘડીએ ડેમમાં માત્ર ૫ ફૂટ કરતાં પણ ઓછું પાણી બચ્યું છે. આ સીમિત જથ્થો માત્ર ખંભાળીયા શહેર માટે જ નહીં, પરંતુ તેના પર નિર્ભર ૨૪ ગ્રામ્ય વિસ્તારોની તરસ છિપાવવા માટે પણ વાપરવાનો હોવાથી તંત્રના જીવ અધ્ધર થઈ ગયા છે અને ચિંતાની લકીરો ખેંચાઈ છે.

આ પૂર્વે ભૂતકાળમાં જ્યારે પણ અછત કે દુષ્કાળ જેવી કપરી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે કુદરતી સ્ત્રોત સમાન આ ઘી ડેમની અંદરના ભાગમાં આવેલા ભરપૂર પાણીવાળા બોર, કુવાઓ તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતી ત્રભાની વાવ હંમેશા શહેર માટે સંકટમોચન સાબિત થઈ ચૂકી છે અને લોકોને પાણી પૂરું પાડ્યું છે. પરંતુ ચાલુ વર્ષે મુશ્કેલી એ છે કે ડેમમાં હાલના તબક્કે ભારે ગારો અને કીચડ જમા થયેલો હોવાથી તે સંકટમોચન સ્ત્રોતો સુધી પહોંચવું તંત્ર માટે અત્યંત મુશ્કેલ બન્યું છે. 

આથી જ, પાણીના સ્થાનિક જાણકારો અને બુદ્ધિજીવીઓ એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે પાલિકા તંત્રે હવે જાગવાની જરૂર છે અને છેલ્લી ઘડીની રાહ જોયા વિના અત્યારથી જ ડેમ આસપાસના બિન-કીચડવાળા વિસ્તારોમાં નવા બોર સત્વરે ખોદવાનું આગોતરું પ્લાનિંગ અને અમલીકરણ શરૂ કરી દેવું જોઈએ જેથી કરીને આગામી સમયના સંભવિત મોટા જળ સંકટમાંથી શહેરને ઉગારી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News