મ્યુનિ.ભાજપ કાર્યાલયમાં નેતા-ઇજનેર વચ્ચે ધબધબાટી

  • July 13, 2023 05:40 PM 

ગ્રાન્ટમાંથી કરવાના વોર્ડના સામાન્ય કામો માટે અમારે તમને ભાઇ સાહેબ બાપા કરવાના ? તેમ કહીને

વોર્ડમાં કામ કેમ થતા નથી, એકની એક વાત કેટલી વખત કહેવી પડે, ગ્રાન્ટમાંથી સૂચવેલા કામ કેમ ન થાય, કોન્ટ્રાકટર કામ ન કરે તો બ્લેક લિસ્ટ કરો, સ્ટાફ કામ ન કરતો હોય તો બદલી કરો: શાસક નેતા વિનુ ધવા વિફર્યા




રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અને વોર્ડ નં.૧૭ના ભાજપના સિનિયર કોર્પોરેટર વિનુ ધવાએ તેમના વોર્ડમાં તદ્દન સામાન્ય કક્ષાના પરચુરણ કામો પણ થતા ન હોય આજે સેન્ટ્રલ ઝોનના સિટી ઇજનેરને કાર્યાલયમાં બોલાવી અરજદારોની હાજરીમાં જ શાબ્દિક તડાફડી બોલાવી હતી.



વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર શાસક પક્ષના નેતા વિનું ધવાના વોર્ડ નં.૧૭માં તેમની ગ્રાન્ટ તેમજ તેમના ત્રણ સાથી કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી વિવિધ કામો કરવા એક મહિનાથી વધુ સમયથી સૂચવ્યું હોવા છતાં તે કામ આજ દિવસ સુધી શરૂ જ થયા ન હોય અને લતાવાસીઓ તરફથી વિવિધ અસુવિધાઓ અંગે સતત ફરિયાદો, રજૂઆતો અને માંગણીઓ ચાલુ રહેતા આજે શાસક નેતાએ મિજાજ ગુમાવ્યો હતો અને કાર્યાલયમાં આવતાની સાથે જ કાર્યાલય મંત્રી જયંત ઠાકરને કહ્યું હતું કે સિટી એન્જીનિયરને ફોન કરો અને જ્યાં હોય ત્યાંથી ૧૫ મિનિટમાં શાસક પક્ષના કાર્યાલયમાં બોલાવો.



દરમિયાન સિટી એન્જીનિયર ફિલ્ડમાંથી તુરંત કાર્યાલયમાં દોડી આવ્યા હતા ત્યારબાદ તેમને જોતા સાથે જ શાસક નેતા અરજદારોની હાજરીમાં જ વિફર્યા હતા અને કહ્યું હતું કે અમારી ગ્રાન્ટમાંથી કરવાના થતા વોર્ડના પરચુરણ સામાન્ય કામો માટે પણ અમારે તમને ભાઇ સાહેબ બાપા કરવાના ? તેમ કહીને ધબધબાટી બોલાવી હતી. મારા વોર્ડ નંબર ૧૭માં કામ કેમ થતા નથી તેમ કહીને વિનુ ધવાએ સિટી ઇજનેર સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી. જો ગ્રાન્ટમાંથી સૂચવેલા સામાન્ય કામો પણ સમયસર કરવામાં સક્ષમ ન હોય તો કોન્ટ્રાકટરને તતત્કાલિક બ્લેક લીસ્ટ કરવા આદેશ કરો તેમ જણાવ્યું હતું. તદ્દઉપરાંત જો વોર્ડનો સ્ટાફ કામ ન કરે તો તેની બદલી કરો, ઘર ભેગો કરો જે કરવું પડે તેમ હોય તે કરો પણ સૂચવેલા સમયમર્યાદામાં કામ થવા જ જોઇએ.


વોર્ડ નં.૧૭માં ગ્રાન્ટમાંથી સુચવેલા કયા કામો નહીં થતા માથાકૂટ થઇ ?

(૧) વિવિધ વિસ્તારોમાં બાંકડા મૂકવા

(૨) વિવિધ વિસ્તારોમાં સાઇન બોર્ડ મૂકવા

(૩) આંગણવાડીમાં કલરકામ- વોટર પ્રૂફિંગ

(૪) બગીચામાં જરૂરી રીપેરીંગ

(૫) વિવિધ સોસાયટીમાં પેવિંગ બ્લોક નાખવા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application