જામનગરમાં સાઇટ્રસ કાફેમાંથી મંગાવેલા વેજ પાસ્તામાંથી નોનવેજના ટુકડા નીકળ્યા: રૂ.૧૦૦૦૦ નો દંડ
ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલીકાની ફુડ શાખા દ્વારા ચેકીંગ કરી કાર્યવાહી:ઓનલાઇન ઓર્ડર કરનાર ગ્રાહકો માટે ચેતવણીરૂપ કિસ્સો: સંચાલકોએ ચૂક થઇ હોવાનું સ્વીકાર્યું
જામનગરમાં આવેલા સાઇટ્રસ કાફેમાંથી મંગાવેલા વેજપાસ્તામાંથી નોનવેજના ટુકડા મળી આવ્યાની ગ્રાહકની ફરિયાદ બાદ મનપાની ફુડશાખાએ ચેકીંગ કરી કાફેને રૂ.૧૦૦૦૦નો દંડ ફટકાર્યો છે. ગ્રાહકે વેજપાસ્તાનો ઓનલાઇન ઓર્ડર કર્યો હોય આ કિસ્સો અન્ય ગ્રાહકો માટે ચેતવણીરૂપ બન્યો છે. જો કે, સંચાલકોએ ચૂક થઇ હોવાનું સ્વીકાર્યું હતું.
જામનગરની ભાગોળે ન્યુ જામનગર સોસાયટીમાં રહેતા પરેશભાઇ ચુડાસમાના પરિવારના એક વ્યકિતએ તા.૨૬ જૂનના દિગ્જામ સર્કલ પાસે આવેલા સાયટ્રસ કાફેમાંથી ઝોમેટો મારફત ઓનલાઇન વેજીટેબલ પાસ્તા મંગાવ્યા હતાં. આથી કાફે દ્વારા પાસ્તા ઝોમેટો મારફત મોકલવામાં આવ્યા હતાં. પરંતુ પાસ્તાનું પેકેટે ખોલતા પરેશભાઇના પરિવારજનો ચોંકી ઉઠયા હતાં. કારણ કે, તેમણે કાફેમાંથી મંગાવેલા વેજપાસ્તામાંથી નોનવેજના ટુકડા મળી આવ્યા હતાં. આથી તેમણે આ બનાવ અંગે મહાનગરપાલીકાની ફુડશાખાને ફરિયાદ કરી હતી. આથી મનપાના ફુડ સેફટી ઓફીસર નીલેશ જાસોલીયાએ કાફેમાં થઇ ચેકીંગ કર્યું હતું. આટલું જ નહીં કાફેના સંચાલકોને આ બનાવ અંગે પૂછયું હતું.
કાફેના સંચાલકોએ વેજીટેબલ પાસ્તાના પાર્સલમાં કર્મચારીઓની ભૂલ થઇ હોવાનું સ્વીકાર્યું હતું. આથી ફુડશાખાએ કાફેના સંચાલકોને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. અત્રે નોંધનીય છે કે, વર્તમાન સમયમાં વિવિધ માઘ્યમો દ્વારા ઓનલાઇન ભોજન, નાસ્તો મંગાવવાનું પ્રમાણ દીનપ્રતીદીન વધી રહ્યું છે ત્યારે આ કિસ્સો અન્ય ગ્રાહકો માટે ચેતવણીરૂપ બન્યો છે. બીજી બાજુ આ બનાવે શહેરભરમાં ચકચાર જગાવી છે.