આવી શાળા હોય તો બાળકોને પડી જાય મોજ, જ્યાં નથી સ્કુલબેગ,પરિક્ષા કે હોમવર્ક, માત્ર અપાય છે અનુભવ દ્વારા શિક્ષણ

  • April 17, 2023 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાર વગરના ભણતરની તો ખુબ વાતો સાંભળી પણ બાળકોને જોઈએ એટલે સાથે બેગ તો હોય જ.જેમાં પુસ્તકોનો ભાર હોય છે.નાના બાળકો થી મોટા વિદ્યાર્થીઓ સુધી બધા જ પરિક્ષા,હોમવર્ક,ટ્યુશન વગેરેના ભારથી કંટાળી જતા હોઈ છે.ત્યારે સુરતમાં એવી શાળા છે જે બાળકોને ભાર વગરનું ભણતર આપે છે. આવી શાળાઓ ખુલે તો વિદ્યાર્થીઓ ભણતરના ભારથી મુક્ત બને.


No photo description available.

સુરતમાં એક એવી શાળા છે જેમાં એડમિશન સમયે વાલીઓને કહેવામાં આવે છે કે, આપના બાળકને શાળામાં દફ્તર, નાસ્તો કે વોટરબેગ મોકલશો નહીં. તમે બાળકને ટ્યૂશને મોકલશો નહીં. તમારે પણ ઘરે ભણાવવાનું નથી. શાળામાંથી કોઇ હોમવર્ક આપવામાં આવશે નહીં. શાળામાં બાળકની કોઇ પરીક્ષા લેવામાં આવશે નહીં. જેમાં ટકા કે માર્ક્સ લખેલા હોય તેવું રીઝલ્ટ પણ અપાશે નહીં. જો તમને આ બધી શરતો મંજૂર હોય તો અમે તમારા બાળકને આ શાળામાં પ્રવેશ આપીશું.


સુરતની નાલંદા ગુરૂકુળ વિદ્યાલયમાં પ્રવેશ માટે આવતા વાલીઓ માટેની આ કેટલીક શરતો છે જે વાલીએ સંપૂર્ણપણે પાળવી પડે છે. જો વાલીમાં આ બધું સ્વીકારવાની હિંમત હોય તો જ પ્રવેશ કરાવે. જોકે, એવા ઘણા વાલીઓ છે જે આ સ્વીકારે છે. નાલંદા ગુરૂકુળ છેલ્લા 25 વર્ષથી સુરતમાં વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપવાના પ્રયત્નો કરી રહી છે. અહીં પ્રયત્નો એટલા માટે કહેવું પડે કારણ કે બદલાતી દુનિયામાં સતત નવું નવું ઉમેરવું પડે છે. આજથી 15 વર્ષ પહેલા કોમ્પ્યુટર અને ટેક્નોલોજીનો એટલો વ્યાપ ન હતો. પરતું આજે નાલંદા ગુરુકુળમાં કોમ્પ્યુટર અને રોબોટિક્સ પણ શીખવવામાં આવે છે. જોકે, તેની સાથે સુથારીકામ, લુહારીકામ, માટીકામ તો વિદ્યાર્થીઓએ શીખવું હોય તો શીખી શકે છે. અહીં ભણનાર બાળક આગળ જઇને નોકરી મેળવવાની સ્પર્ધામાં જોડાવાને બદલે નોકરી આપી શકવાની ક્ષમતા કેળવે તે રીતે તૈયાર કરાય છે.




પ્રવેશ માટે બાળકના વાલીએ શાળાની પદ્ધતિ મુજબ શિક્ષણ આપવાની તૈયારી બતાવવી પડે. આ ઉપરાંત કોઇ બીજી શરત હોતી નથી. શિક્ષણની પદ્ધતિ ક્ષમતાલક્ષી અને ઘટકલક્ષી પદ્ધતિ છે. બાળકની ક્ષમતા મુજબ તેને ભણવવામાં આવે છે. જો તેને સમજ ન પડે તો શિક્ષકો વ્યક્તિગત રૂપે તેને ઉપચારાત્મક શિક્ષણ આપે છે. મોટાભાગે વિદ્યાર્થીઓ અનુભવ દ્વારા શિક્ષણ મેળવે છે. શાળાના ફ્લોરથી લઇને દિવાલો અને છત પણ ટીચીંગ એડની જેમ કામ કરે છે. જુદા જુદા પ્રકારની ટીચીંગ એડથી જ મોટાભાગે બાળકો શીખે છે.


આ પદ્ધતિથી શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓ થોડા સમયમાં સેલ્ફ લર્નિંગ કરતા થઇ જાય છે. હાઇસ્કૂલ સુધી તો પછી તેમને શિક્ષકની જરૂરિયાત પોતાની શંકાઓના સમાધાન માટે જ પડે છે. જો શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓને પરિણામોની વાત કરીએ તો અહીં રીઝલ્ટને બદલે જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીએ શું શીખ્યું તેનો અહેવાલ આપવામાં આવે છે. ખાસ કરીને ભાષા, ગણિત અને સમાજવિજ્ઞાન પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ ઉપરાંત બાળકમાં સર્જનાત્કમતા, નિરીક્ષણ શક્તિ, નિર્ણય શક્તિ જેવા ગુણો કેટલા વિકસ્યા છે તેનો રિપોર્ટ પણ અપાય છે.


No photo description available.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application