મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને અતિવૃષ્ટિની સમીક્ષા કરી
મુખ્યમંત્રીએ સ્વચ્છતા સફાઈ અને લોકોની આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા સૂચન કર્યું
જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકશાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરવા મુખ્યમંત્રીની અધિકારીઓને તાકીદ
બેઠકમાં ઉપસ્થિત કેબિનેટમંત્રીઓ, ધારસભ્યઓ, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર વગેરેએ મુખ્યમંત્રી સમક્ષ જિલ્લાની સમગ્ર સ્થિતિનો આહેવાલ રજૂ કર્યો
જામનગર જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ, મરીન ટાસ્ક ફોર્સની 1-1 ટીમ, આર્મીની 3 ટુકડીઓ રેસ્ક્યૂ માટે કાર્યરત, 12 લોકોને એરલિફ્ટ કરાયા, 450 લોકોનું સલામત રીતે રેસ્ક્યૂ તેમજ 2 લાખ જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું
જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ એરપોર્ટ મિટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેકટર બી. કે. પંડ્યા અને કમિશનર ડી. એન. મોદીએ મુખ્યમંત્રીને વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ લોકોના આરોગ્ય અને સાફ-સફાઇની કામગીરીને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચનો કર્યા હતા. તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય તો તે કામગીરી કરીને પણ પૂર્વવત કરવા માટે જણાવ્યું હતું. ઝીરો કેઝ્યુલીટીના એપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવા અંગે તેમજ અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોની ઉપલબ્ધિ સરળતાએ કરાવવા પર ભાર મૂકવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 1-1 ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 1 ટીમ ફાળવવામાં આવી છે. તેમજ આર્મીની 3 ટુકડીઓ, ફાયર વિભાગ, એરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્કયૂની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં અંદાજિત 450 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.
જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2300થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. કુલ 68 મકાનોમાં નુકસાની થઈ છે. ભારે વરસાદના પરિણામે 433 ફીડરો બંધ થયા હતા તે પૈકી 104 ફીડરો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ જેટલા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં જરૂરી સાધનો કામે લગાડી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 48 રસ્તાઓ હાલ બંધ છે. જે પાણી ઓસર્યા બાદ પૂર્વવત થઈ જશે તેમ પણ બેઠકમાં જણાવાયું હતું.
બેઠકમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકશાનીનો સર્વે કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેઓએ લોકોના રેસ્કયુની કામગીરી, ડેમો તથા રોડ-રસ્તાની સ્થિતિ, પીજીવીસીએલ, કોર્પોરેશન વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતરીત કરવાની કામગીરી વિષે ચર્ચા કરી હતી. કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રીને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અંગે તેમજ ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં લોકોનું રેસક્યૂ, સ્થળાંતરની કામગીરી તેમજ ફૂડપેકેટના વિતરણની કામગીરી અંગે જણાવ્યું હતું.
આ બેઠકમાં કેબિનેટમંત્રીઓ રાઘવજીભાઈ પટેલ તથા મૂળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓ રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કગથરા, પદાધિકારીઓ, અન્ય અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.