વધુ એક બૉમ્બ બ્લાસ્ટ થતા સાસારામમાં અફરાતફરી, ફ્લેગમાર્ચ

  • April 03, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બિહાર શરીફ-સાસારામમાં શોભાયાત્રામાં હિંસા બાદ વધુ એક વિસ્ફોટ : બંગાળનાં હુગલીમાં પણ છમકલા



રામનવમીએ બિહાર શરીફ અને સાસારામમાં શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી હતી. આ દરમિયાન સાસારામમાં આજે સવારે ફરી બોમ્બ ધડાકાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મોચી ટોલા વિસ્તારના ચેડીલાલ ગલીમાં એક ઘરના ઉપરના ભાગમાં સવારે 4 વાગ્યે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.


બિહારનાં સાસારામનાં મોચી ટોલા વિસ્તારના ચેડીલાલ ગલીમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ વિસ્તારમાં તણાવ સર્જાયો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનાને જેણે પણ અંજામ આપ્યો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓ બોમ્બ ફેંકનાર વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


બિહારશરીફ અને સાસારામમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ સાથે જ પોલીસે બંને શહેરોમાં સુરક્ષા વધારી દીધી છે. પોલીસની અનેક ટીમો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 109 લોકોની ધરપકડ કરી છે. સેબિહારના સીએમ નીતિશ કુમારે ખુદ અધિકારીઓએ માહિતી લીધી છે. બદમાશોની ઓળખ કરવાની સાથે તેમની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રશાસને આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આ સાથે સાસારામમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ ટીમ લોકોને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી રહી છે. બિહારના સીએમ નીતિશ કુમારે હિંસા દરમિયાન જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.


બંગાળમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે જેમાં ભાજપના નેતા બિમન ઘોષ ઘાયલ થયા છે. પોલીસે હુગલીમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ચાર્જ સંભાળ્યો છે અને હિંસાગ્રસ્ત ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બિહારના નાલંદા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા 4 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે, સમગ્ર શહેરમાં કર્ફ્યુ પહેલેથી જ લાગુ છે અને રોહતાસમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 4 એપ્રિલ સુધી બંધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application