ખંભાળીયા: ભાણવડના તીર્થસ્થાન હાથલામાં ૧૬ મે ના શનિ જયંતિની ભવ્ય ઉજવણી
સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
શનિદેવના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત ભાણવડ તાલુકાના હાથલા ગામે આગામી તા.૧૬/૦૫/૨૦૨૬ને શનિવાર ના રોજ ’શનિ જયંતી’ની ઉજવણી કરવામાં આવશે. જેના સુચારૂ આયોજન અંગે જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, શનિ જયંતિ નિમિતે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ, પીવાના પાણી વ્યવસ્થાઓ, બેરીકેટિંગ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, મોબાઈલ ટોયલેટ, સફાઈ સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હાલના પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં પૂરતાં પ્રમાણમાં આરોગ્યની પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ, નાયબ પોલીસ અધિક્ષક મીત રુદલાલ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.