ધોરાજીના કારખાનાની ઓફિસમાંથી ધોળા દિવસે દોઢ લાખ રોકડની ચોરી

  • June 04, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ધોરાજીના જુના ઉપલેટા રોડ પર આવેલ કારખાનાની ઓફિસમાંથી રૂ. 1.50 લાખ ભરેલી થેલીની ચોરી થયાના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે. ધોળા દિવસે ઓફિસનો લોક તોડી કરવામાં આવી હોવામાં જાણ ભેદુનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે.


ધોરાજીના જમનાવડ રોડ પર પ્રયાગ સોસાયટીમાં રહેતા કારખાનેદાર પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ વાવૈયા(ઉ.વ ૪૮) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ભાઈઓ સાથે ભાગીદારીમાં ધોરાજી જુના ઉપલેટા રોડ હરસિધ્ધી મીલની બાજુમાં ન્યુ પાટીદાર પેકેજીંગ નામથી પ્લાસ્ટીકની સુતળી બનાવવાનું કારખાનું ચલાવે છે. ન્યુ પાટીદાર પેકેજીગ કારખાનામાં પ્લાસ્ટીકની સુતળી બનાવવા માટે કાચો માલ વડોદરાથી મંગાવે છે. ગઈ તા.૨/૦૬/૨૦૨૫ ના રોજ મારે જય બાબાદેવ સ્ક્રેપ ટ્રેડ નામની વડોદરા ખાતે આવેલ પેઢીના માલીક બાબુભાઈને રૂ.૧,૪૭,૫૦૦ નું આંગડીયુ કરવાનું હોય જેથી ફરિયાદી ઘરેથી સવારે આશરે આઠ વાગ્યે રૂ. 1.50 લાખ થેલીમાં લઈને કારખાને જવા માટે નિકળ્યા હતાં. આશરે પંદર મિનીટ બાદ કારખાને પહોંચ્યો હતાં. બાદમાં તેમના બંને ભાઇઓ મનસુખભાઈ અને શૈલેષભાઈ પણ કારખાને આવી ગયા હતા અને મારા કારખાનમાં કામ કરતા બે મજુરો પણ કામે આવી ગયા હતા. ફરિયાદીએ પોતાની પાસે રહેલ રૂ. 1.50 લાખ ભરેલ થેલી ઓફીસની ખુરશી પર રાખી દીધી હતી.


બાદ સવારના આશરે નવ વાગ્યે તે તથા તેમના બંને ભાઈઓ ઓફિસને લોક કરી ગોડાઉનમાં ગયા હતા. આશરે દસ વાગ્યે બ્લેડો બદલાવી ગોડાઉનમાંથી બહાર આવતા હતા. ત્યારે મજુરે ચા બનાવી તે ચા પીધી હતી. બાદમાં મનસુખભાઈ મામલતદાર કચેરી ખાતે જવા નીકળી ગયા હતા. બાદમાં ફરિયાદી તથા શૈલેષભાઈ કારખાનાની ઓફીસમાં ગયેલ ત્યારે ઓફીસનો દરવાજો ખુલ્લો હતો. ઓફીસની અંદર આવેલ ખુરશી પર રાખેલ રૂ. 1.50 લાખ ભરેલી થેલી ક્યાંય જોવા મળી ન હતી. બાદ ફરિયાદી તથા તેના ભાઈ શૈલેષભાઈએ કારખાનામાં મજુરી કામ કરતા બંને મજુરોને આ રૂપિયાની થેલી બાબતે પુછતા તેમણે પણ રૂ. 1.50 લાખ ભરેલ થેલી બાબતે જાણતા હોવાનું કહ્યું હતું.


જેથી કારખાનામાં આવેલ ઓફીસનો લોક તોડી રૂ. 1.50 લાખની ચોરીના બનાવમાં કારખાનેદારએ ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ચોરીમાં જાણભેદુ હાથ હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application