BREAKING NEWS

જામનગરનાં નાસી છૂટેલા સાત ઉદ્યોગકારોને સકંજામાં લેવા ચક્રવ્યુહ ઘડતુ જીએસટી

  • July 09, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનાં નાસી છૂટેલા સાત ઉદ્યોગકારોને સકંજામાં લેવા ચક્રવ્યુહ ઘડતુ જીએસટી 

બોગસ બીલીંગ કાંડમાં સંકળાયેલા સાત જેટલા વેપારી સહિત અનેક સામે તપાસ શરૂ​​​​​​​: વેપારીઓને ઝડપી લેવા ખાનગી રાહે તજવીજ શરૂ: આગામી દિવસોમાં હજુ પણ કેટલાક વેપારી સામે કડક પગલા લેવાય તેવી વકી: વેપારીઓ નોટીસનો પણ ઝડપથી જવાબ આપે

જામનગરમાં થોડા સમય પહેલા જીએસટીના અધિકારીઓ દ્વારા વીસથી વધુ વેપારીઓના કારખાના, ગોડાઉનમાં સર્ચ ઓપરેશન કરાયા બાદ હવે આ કાંડમાં સંડોવાયેલા મનાતા સાત જેટલા વેપારીઓને ઝડપથી પકડી લેવા ખાનગી રાહે પકડી પાડવા ચક્રો ગતિમા કરાયા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ જેઓને નોટીસ પાઠવવામાં આવી છે તેમને નોટીસનો જવાબ પાઠવી દેવામાં કહી દેવાયુ છે, અને આ અંગે કોઇ તકલીફ હોય તો જામનગર જીએસટી કચેરીનો સીધો સંપર્ક કરવા પણ જણાવાયું હોવાનું બહાર આવ્યું છે, આગામી દિવસોમાં કેટલાક ઉદ્યોગકારો સામે વધુ કડક પગલા ભરવામાં આવે તેવું તંત્ર દ્વારા વિચારણા હેઠળ હોવાનું બહાર આવ્યું છે.

ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેકસ ક્રેડીટ (આઇસીટી) મેળવીને નાણાંની લેતીદેતી થઇ હોવાનું પણ બહાર આવ્યું છે સુત્રોના જણાવ્યા અનુસાર રૂ. ૫૦૦ કરોડનું આ કૌભાંડ હોવાનું ચર્ચાઇ રહ્યું છે, કેટલાક લોકોએ સ્થાનિક સ્તરે કરચોરીનું આખુ નેટવર્ક ઉભુ કરવા માટે મંડળી રચી છે, મુખ્ય સુત્રધારોમાં સુરેશ વસોયા, હાર્દિક ગઢીયા, અભયસિંહ વાળા, હાર્દિક સચદેવ, સિદ્ધરાજસિંહ રાણા, કાદીર અને સાહીલ સહિતના કેટલાક મોટા માથાઓ હાલ ફરાર થઇ ગયા છે તેમને શોધવા માટે હવે જીએસટીના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
 
એવી વિગતો બહાર આવી છે કે અગાઉ રાજય વેરા વિભાગ દ્વારા દેવ ઇમ્પેક્ષ રીધમ મેટલ્સ, શ્રી રામ મેટલ્સ, એંજલ એન્ટરપ્રાઇઝ, ખોડલ એન્ટરપ્રાઇઝ સહિતની પેઢી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હવે બીજા તબકકાના ઓપરેશનમાં બ્રાસ ઉદ્યોગો સાથે સંકળાયેલા કેટલાક મોટા માથાઓ સામે ઝડપથી તપાસ થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.
​​​​​​​
જીઆઇડી ફેસ ર અને ૩માં કેટલાક વેપારીઓને નોટીસ પાઠવવામાં આવી છે તેના સંદર્ભમાં અધિકારીઓએ આ નોટીસનો જવાબ તાત્કાલિક આપી દેવા પણ વેપારીને જણાવી દેવાયુ છે, અને સમય મર્યાદામાં નોટીસનો જવાબ નહીં અપાય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે. તાજેતરમાં ઉદ્યોગકારો અને ચેમ્બર્સના પ્રતિનિધિઓ સાથે જીએસટીના ઉચ્ચ અધિકારી અને વેપારીઓની મહત્વની બેઠક મળી હતી જેમાં વેપારીઓને કોઇ તકલીફ હોય તો જામનગરની કચેરીનો સંપર્ક સાધવા અધિકારીએ હૈયાધારણ આપી છે. એવી વિગતો બહાર આવી છે કે કેટલાક એજન્ટો દ્વારા વેપારીઓને આપેલી નોટીસનો જવાબ આપવા માટે કેટલીક રકમ લેવામાં આવતી હોવાનુ બહાર આવતા, આવી કોઇપણ રકમ ન આપવા જીએસટીના અધિકારીઓ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News